બહુ પસ્તાશે ઇન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ

IndiGo Crisis: ઇન્ડિગો એરલાઇન્સમાં તાજેતરમાં ફ્લાઇટ્સ રદ થવા અને તેમાં વિલંબ થવાના પગલે મુસાફરોને પડેલી હાલાકીને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે. ઉડ્ડયન મંત્રાલય હવે એક્શન મોડમાં આવી ગયું છે અને માત્ર ફ્લાઇટ્સ ઘટાડવાનો જ નહીં, પરંતુ એરલાઇન પર 1,000 કરોડ રુપિયા સુધીનો આકરો દંડ લાદવા અંગે પણ વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો છે.
સરકારનો કડક આદેશ
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન(DGCA)ની વધતી કડકતા વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ ઇન્ડિગોના વિન્ટર શેડ્યુલમાં કરેલા વધારાને તાત્કાલિક ઘટાડવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે ઇન્ડિગોની કુલ ફ્લાઇટ ઓપરેશન્સમાં 5 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપી દીધો છે. આ નિર્ણય એરલાઇનને તેની આંતરિક વ્યવસ્થા સુધારવા માટે ફરજ પાડશે.
આ પણ વાંચો: ઇન્ડિગો સામે કાર્યવાહી કરીશું, નવી એરલાઇન્સ ભારત આવશે: લોકસભામાં સરકારની જાહેરાત
સંસદીય સમિતિની રચનાની વિચારણા
એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ રદ અને વિલંબના મૂળ કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક સંસદીય સમિતિની રચના કરી શકે છે. આ સમિતિ સમગ્ર સંકટની તપાસ કરશે અને એરલાઇન સામે સંભવિત દંડાત્મક કાર્યવાહીની ભલામણ પણ કરી શકે છે. સરકાર કાયદેસરની તપાસમાંથી પસાર થઈ શકે તેવા તમામ પાસાઓ પર વિચાર કરી રહી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર માને છે કે ઇન્ડિગોએ મુસાફરોના હિતને નજરઅંદાજ કર્યો છે, જેના કારણે આટલો મોટો દંડ લગાવવો જરુરી બની ગયો છે.
4500 ફ્લાઇટ રદ, 750 કરોડ રુપિયા રિફંડ
ઇન્ડિગોની આ કટોકટી હજુ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી, જેના કારણે મુસાફરોમાં હડકંપ છે. માત્ર એક જ અઠવાડિયામાં 4,500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. મંગળવારે પણ 500થી વધુ ફ્લાઇટ્સ રદ થયાના અહેવાલ છે. આ સંકટને કારણે એરલાઇન્સે અત્યાર સુધીમાં મુસાફરોને 745 કરોડ રુપિયાના ટિકિટ રિફંડ (ઇન્ડિગો ટિકિટ રિફંડ) જાહેર કરવા પડ્યા છે.

