રાહુલ ગાંધીના નિવેદન અંગે હોબાળા વચ્ચે લોકસભામાં એન્ટિ પેપર લીક બિલ પાસ, કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Parliament Speech : સંસદમાં ‘એન્ટિ પેપર લીક બિલ’ પર સતત બીજા દિવસે ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોના આકરા વિરોધ, સૂત્રોચ્ચાર અને ભારે હંગામા બાદ આખરે લોકસભામાં આ બિલ પસાર કરી દેવાયું છે. દિવસભર ચાલેલા ઘર્ષણ, બપોરે 12:00, 2:30 અને 3:00 વાગ્યા સુધી ગૃહોની કામગીરી મુલતવી રહ્યા બાદ સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા, પેપર લીક, એનટીએની ભૂમિકા અને વિદ્યાર્થીઓ પરના બળપ્રયોગ મુદ્દે સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. સામે પક્ષે સત્તાપક્ષના મંત્રીઓએ રાહુલ ગાંધીના નિવેદનોને અસંસદીય અને બેજવાબદાર ગણાવી તેમની પાસે માફીની માંગ કરી હતી.
રાહુલ ગાંધીના સરકાર પર સણસણતા પ્રહારો
ચર્ચાની શરૂઆતમાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શિક્ષણ વ્યવસ્થા અને પેપર લીક મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'આ પરીક્ષાની પદ્ધતિ નથી પરંતુ વસૂલી કરવાનું તંત્ર છે, જેમાં પ્રામાણિક વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે અને 30થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી કંપનીઓ ઘૂસી ગઈ છે. ધર્મેન્દ્ર પ્રધાન નહીં પરંતુ RSS આખું શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યું હતું.'
વિદ્યાર્થીઓના આક્રોશને વ્યાજબી ઠેરવતા તેમણે ઉમેર્યું હતું કે, 'દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે. ભાજપના નેતાઓએ પોતાના ઘરે જઈને બાળકોને પૂછવું જોઈએ કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ જે કરી રહ્યા હતા તેમાં શું ખોટું હતું? આ કોઈ નફરત નહોતી પરંતુ તેમની અભિવ્યક્તિ હતી.'
રાહુલે ઈડિયટ, અંધભક્ત શબ્દનો ઉપયોગ કરતા જ લોકસભામાં હોબાળો
ગૃહમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ 'ઈડિયટ' શબ્દની વ્યાખ્યા રજૂ કરતા કહ્યું હતું કે, 'સ્ટુડન્ટ ગર્વથી સત્યની સાથે હોય છે, જ્યારે બીજી તરફના લોકો ઈમેજની ચિંતા કરે છે. ઈડિયટ પોતાને ભગવાન માને છે અને પોતાની ઈમેજ બનાવવાનો પ્રયાસ કરે છે. અંધ ભક્ત ઈડિયટને ફોલો કરે છે.' આ નિવેદન આપતાં જ સભામાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.
ત્યારબાદ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, 'તમે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવો છો અને ગૃહમંત્રીમાં અહીં બેસવાની હિંમત નથી.'
'રાહુલ ગાંધી માફી માંગે' : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ રાહુલ ગાંધીના આક્ષેપોનો આકરો વિરોધ કરતા કહ્યું હતું કે, 'આપ સંસદમાં આવા શબ્દોનો ઉપયોગ ન કરી શકો. રાહુલ ગાંધીએ જે કહ્યું છે, તે ખૂબ ગંભીર છે અને તેમણે માફી માંગવી પડશે. તેમણે કયા આધારે આ આક્ષેપ કર્યો છે અને તેમને ફાયરિંગના આદેશ આપ્યા હોવાની માહિતી કોણે આપી? તમારે બતાવવું પડશે કે કયા બેસિસ પર તમે આવું બોલ્યા છે, સદન આ રીતે નહીં ચાલે.'
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે રાહુલ ગાંધીના સમર્થનમાં કહ્યું હતું કે, 'જો નેતા પ્રતિપક્ષે સરકાર પર કોઈ ગંભીર આરોપ લગાવ્યો છે, તો આ સરકારની જવાબદારી બને છે કે તે સ્પષ્ટ કરે કે કોના આદેશ પર પોલીસે છાત્રો સાથે આ રીતે વ્યવહાર કર્યો છે.'
અયોગ્ય કે દોષી? રાહુલ ગાંધીની દલીલ
રિજિજુની માફીની માગ પર રાહુલ ગાંધીએ પલટવાર કરતા તર્ક આપ્યો હતો કે, 'આ મામલે માત્ર બે જ વિકલ્પો હોઈ શકે છે. પહેલો વિકલ્પ એ કે ગૃહમંત્રીએ પોતે બળપ્રયોગ કે ફાયરિંગના આદેશો આપ્યા હોય અને જો એમ હોય તો તેઓ સીધા દોષિત ઠરે છે. બીજો વિકલ્પ એ કે તેમની અજાણતામાં આ ઘટના બની હોય અને જો તેમને જ્ઞાન જ ન હોય તો તેઓ આ પદ માટે અયોગ્ય સાબિત થાય છે. ત્રીજો કોઈ વિકલ્પ શક્ય જ નથી.'
જોકે, સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને મર્યાદામાં રહીને વાત કરવા ટકોર કરી હતી અને કહ્યું હતું કે, 'ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે. અહીં બોલાયેલો એક-એક શબ્દ વર્ષો સુધી રેકોર્ડ પર રહે છે. આવા શબ્દો સદનની અંદર અને બહાર ન જવા જોઈએ.'
સરકારનો પલટવાર અને મંત્રીઓનો જવાબ
લોકસભાની કામગીરી પુનઃ શરૂ થતાં PMO રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે ચર્ચાનો જવાબ આપતા રાહુલ ગાંધીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'વિપક્ષના નેતાને સાર્વજનિક જીવન અને વહીવટી પ્રણાલીની મૂળભૂત બાબતોની જાણકારીનો અભાવ છે. ગોળી ચલાવવાનો આદેશ મેજિસ્ટ્રેટ આપે છે, ગૃહમંત્રી નહીં. જ્યારે ગોળી ચાલી જ નથી, તો આદેશ આપવાનો સવાલ જ ઊભો થતો નથી. તથ્યો વિના આવી બેજવાબદાર રીતે વાત કહી દેવી એ કોઈ જવાબદાર નેતાનું વર્તન ન હોઈ શકે.'
પીયૂષ ગોયલ અને નિશિકાંત દુબેએ પણ રાહુલ પર સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધીના આખા વક્તવ્યમાં માત્ર અસત્ય અને નિરાશા જ જોવા મળી હતી. સતત ચૂંટણી પરાજયના કારણે તેઓ હતાશ થઈ ગયા છે. બળપ્રયોગ કે ફાયરિંગની કોઈ ઘટના બની જ નથી, છતાં તેઓ ખોટા આક્ષેપ લગાવી રહ્યા છે. તેમણે દેશ અને ગૃહની માફી માંગવી જોઈએ.'
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ પણ રુલ બુક સાથે રાહુલ ગાંધીના શબ્દપ્રયોગ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.









