India

પ્રેમાનંદ મહારાજના શિષ્યની આત્મહત્યા કે હત્યા? પ્રાઈવેટ પાર્ટ કપાયેલું મળ્યું, ચોથા માળેથી લગાવી હતી છલાંગ

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
વૃંદાવનના ગુરુ કૃપા કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજના 25 વર્ષીય દીક્ષિત શિષ્ય દીપક ઉર્ફે રસિક દુલારી શરણે ચોથા માળેથી છલાંગ લગાવી. ગંભીર રીતે ઘાયલ દીપકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસને મૃતદેહનો પ્રાઇવેટ પાર્ટ કપાયેલો મળ્યો, અને રૂમમાંથી લોહીવાળું ગ્રાઇન્ડર, ડાયરી તેમજ મોબાઈલ ફોન મળ્યા. આત્મહત્યા કે હત્યા, તે અંગે પોલીસ CCTV ફૂટેજ અને ફોરેન્સિક તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રેમાનંદ મહારાજના શિષ્યની આત્મહત્યા કે હત્યા? પ્રાઈવેટ પાર્ટ કપાયેલું મળ્યું, ચોથા માળેથી લગાવી હતી છલાંગ

Premanand Disciple Death Mystery Probe: મથુરાના વૃંદાવન સ્થિત વારાહ ઘાટ વિસ્તારમાં કેલિકુંજ આશ્રમ નજીક આવેલા ચાર માળના ‘ગુરુ કૃપા કુંજ આશ્રમ’માં શુક્રવારે સવારે ભારે ચકચાર મચી ગઈ હતી. સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લીધેલા 25 વર્ષીય યુવાન સાધુ દીપક ઉર્ફે રસિક દુલારી શરણે આ આશ્રમની સૌથી ઉપલી (ચોથા) માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ગુરુ કૃપા કુંજ આશ્રમમાં માત્ર પ્રેમાનંદ મહારાજના દીક્ષિત શિષ્યો જ રહે છે. ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત દીપકને તાત્કાલિક સર્વોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પ્રાઇવેટ પાર્ટ કપાયેલો મળ્યો, રૂમમાંથી મળ્યું લોહીવાળું ગ્રાઇન્ડર

હોસ્પિટલમાંથી પોલીસને મળેલી પ્રાથમિક માહિતી બાદ મામલાની ગંભીરતા વધી ગઈ હતી. તપાસ દરમિયાન મૃતક દીપકનો પ્રાઇવેટ પાર્ટ કપાયેલો હોવાનું અને તેમાંથી ભારે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસને દીપકના રૂમમાંથી લોહીવાળું ગ્રાઇન્ડર મશીન, એક અંગત ડાયરી અને તેનો મોબાઇલ ફોન મળી આવ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ ગ્રાઇન્ડર મશીન વડે જ પ્રાઇવેટ પાર્ટ કાપવામાં આવ્યો હોવાની શંકા છે.

આત્મહત્યા કે અન્ય કોઈ બાબત? સીસીટીવી અને ફોરેન્સિક તપાસ

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં દીપક ટોપ ફ્લોર પરથી કૂદતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, પરંતુ તેણે આવું પગલું શા માટે ભર્યું તે તપાસનો વિષય છે. ગુપ્તાંગ કપાયેલું હોવાથી આ મામલો વધુ રહસ્યમય અને શંકાસ્પદ બન્યો છે. આ કૃત્ય દીપકે પોતે કર્યું છે કે કોઈ અન્ય વ્યક્તિએ, તે જાણવા પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. કોતવાલી પ્રભારી અશ્વિની કુમારે જણાવ્યું કે બિલ્ડિંગ અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને નમૂના એકત્રિત કર્યા છે.

જબલપુરમાં મન ન લાગતાં આવ્યા હતા વૃંદાવન, કરી ચૂક્યા હતા નર્મદા પરિક્રમા

મૃતક દીપક પટેલ મૂળ મધ્યપ્રદેશના જબલપુરના વતની હતા. તેમના ભાઈ મનીષ પટેલે જણાવ્યું કે પિતા ચેતન પટેલના સંતાનોમાં તેઓ બે ભાઈ અને એક બહેન છે; જેમાં દીપક વચેટ હતા. દીપકે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો અને ભણવામાં હોશિયાર હતા. તેમને નાનપણથી જ ધર્મમાં ખૂબ રસ હતો અને વૃંદાવન આવતા પહેલાં તેઓ નર્મદાની પરિક્રમા પણ પૂર્ણ કરી ચૂક્યા હતા. લગભગ બે વર્ષ પહેલાં જબલપુરમાં મન ન લાગતાં તેઓ વૃંદાવન આવી ગયા હતા અને પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લઈને ‘રસિક દુલારી શરણ’ નામ ધારણ કરી આશ્રમમાં જ રહેતા હતા.

પરિવારજનો સાથે ગત વર્ષે થઈ હતી મુલાકાત

દીપકની માતા લોંગ બાઈ પટેલે જણાવ્યું કે શુક્રવારે બપોરે લગભગ 1 વાગ્યે ફોન પર દીપકની તબિયત ખરાબ હોવાની માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે તેઓ દીપકને મળવા વૃંદાવન આવ્યા હતા અને પાંચ દિવસ રોકાયા હતા, ત્યારે દીપકે તેમને મથુરા-વૃંદાવનનું ભ્રમણ કરાવ્યું હતું. નિયમ મુજબ પરિવારજનો વૃંદાવન આવે ત્યારે તેમને બહાર રોકાવું પડતું હતું અને અમુક મર્યાદિત સમય માટે જ મુલાકાત શક્ય બનતી હતી.

પોલીસ ઉચ્ચ અધિકારીઓનું નિવેદન

સીઓ સંદીપ સિંહે જણાવ્યું કે હોસ્પિટલમાંથી સૂચના મળતાં જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. એસપી સિટી રાજીવ કુમાર સિંહે જણાવ્યું કે મૃતક પ્રેમાનંદ મહારાજના દીક્ષિત શિષ્ય હતા. પોલીસે તેમની અંગત ડાયરી અને મોબાઈલ ફોન કબજે લઈને ઊંડાણપૂર્વક વિશ્લેષણ શરૂ કર્યું છે. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ મોત અને ગુપ્તાંગ કપાવવા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.