India

સર્વપક્ષીય બેઠકમાં બળવાખોરો સામેલ થતા વિપક્ષ વિફર્યો, વોકઆઉટ કર્યો

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્ર પૂર્વે દિલ્હીમાં રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. TMCના બળવાખોર સાંસદોને આમંત્રણ અપાતા વિપક્ષ નારાજ થયો હતો. રામ મંદિર ચોરી, NEET પેપર લીક અને E20 પેટ્રોલ જેવા મુદ્દે સંસદમાં ચર્ચાની માંગ કરાઈ. રાજનાથસિંહે અધ્યક્ષતા કરી, 40 પક્ષોના 58 નેતાઓ જોડાયા. સરકારે શાંતિપૂર્ણ સત્રની અપીલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

સર્વપક્ષીય બેઠકમાં બળવાખોરો સામેલ થતા વિપક્ષ વિફર્યો, વોકઆઉટ કર્યો

નવી દિલ્હી: સોમવારે સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે જે પહેલા રવિવારે સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. જોકે તૃણમુલ કોંગ્રેસના બળવાખોર સાંસદોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી વિપક્ષ વિફર્યો હતો અને બેઠકમાંથી વોકઆઉટ કર્યું હતું. સાથે જ રામ મંદિરમાં ચોરી, નીટ પેપર લીક, ઇથેનોલવાળા પેટ્રોલ સહિતના મુદ્દે સંસદમાં ચર્ચાની માગ કરી હતી.
સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે દેશની જનતા ઇચ્છે છે કે શાંતિપૂર્વક સંસદ ચાલવી જોઇએ અને કોઇ હોબાળો ના થવો જોઇએ. તમામ પક્ષોએ મહત્વના બિલોને સમર્થન આપવા સકારાત્મક વલણ અપનાવવું જોઇએ. ટીએમસીના બળવાખોર સુદીપ બંદોપાદ્યાય અને કાકોલી ઘોષને આમંત્રણ આપવાનો બચાવ કરતા મંત્રીએ કહ્યું હતું કે તેઓ નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા છે. તમામને આમંત્રણ આપવુ સરકારની ફરજમાં આવે છે.
આ સર્વપક્ષીય બેઠકની આગેવાની કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લીધી હતી જેમાં સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડા સામેલ થયા હતા. આ ઉપરાંત ૪૦ જેટલા રાજકીય પક્ષોના ૫૮ જેટલા નેતાઓ પણ જોડાયા હતા. જોકે વિપક્ષે બેઠકમાંથી વોકઆઉટ કર્યું હતું, આ પક્ષોમાં ટીએમસી, શિવ સેના (યુબીટી), આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સપા, ડાબેરીઓ, આરજેડી, ડીએમકે, જેએમએમ વગેરેનો સમાવેશ થાય છે. બેઠક શરૂ થતા જ આ પક્ષોએ વોકઆઉટ કર્યું હતું જોકે બાદમાં પરત આવી ગયા હતા. વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે ટીએમસીના બળવાખોર સાંસદોને હજુસુધી માન્યતા નથી મળી છતા તેમને કેમ આમંંત્રણ અપાયું? વિપક્ષે રામ મંદિરમાં દાનની ચોરી, નીટ પેપર લીક, ઇથેનોલવાળા પેટ્રોલ ઇ૨૦ સહિતના મુદ્દે ચર્ચાની માગ કરી છે. સોમવારથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં પણ આ તમામ મુદ્દા ઉઠાવાશે.