Get The App

એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
એલપીજી ગેસની અછતના મુદ્દે સંસદમાં વિપક્ષોનો હોબાળો 1 - image

- વિપક્ષ ભ્રમ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે : કેન્દ્ર

- અનેક રાજ્યોમાં એલપીજીની અછત, કેન્દ્ર સરકારનો દાવો ગ્રાઉન્ડ રિઆલિટીથી વિપરિત : વિપક્ષ

નવી દિલ્હી : એલપીજી ગેસ, ઉર્જા સિક્યુરિટીના મુદ્દે સંસદમાં વિપક્ષ ને સત્તાપક્ષ સામ-સામે આવી ગયા હતા. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ દેશના અનેક રાજ્યોમાં એલપીજી ગેસની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વળતો જવાબ આપ્યો હતો. 

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આખાય દેશમાં એલપીજી ગેસને લઈને લોકો પરેશાન થઈ ચૂક્યા છે. કેટલાય સેક્ટર્સમાં તેની અસર થઈ છે અને તેનાથી મોંઘવારી વધી ગઈ છે. ગેસના સિલિન્ડર્સનું કાળાબજાર થઈ રહ્યું છે. મધ્યમ અને ગરીબવર્ગ પર આર્થિક ભારણ વધ્યું છે. રેસ્ટોરન્ટ્સ માલિકોને ગંભીર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જવાબ આપતા કહ્યું હતું કે વિપક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે, ખાસ તો કોંગ્રેસ લોકોની સાથે રહેવાને બદલે તેમને ઉશ્કેરે છે. દેશમાં રાંધણ ગેસની કોઈ અછત નથી. રાજ્ય સરકારોએ રાંધણગેસનો પૂરવઠો યોગ્ય રીતે મળી રહે તે માટે પ્રયાસો કર્યા છે અને ભાવ પણ નિયંત્રણમાં છે. 

સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષના આરોપ લાગતા હતા ત્યારે પશ્વિમ બંગાળમાં રાંધણ ગેસની અછત અને કાળાબજારી સામે એક માર્ચ કાઢવામાં આવી હતી. મમતા બેનર્જી એમાં સામેલ થયા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં લોકોને ગેસ ન મળે તે માટે આ સમસ્યા કૃત્રિમ રીતે ઉભી કરવામાં આવી છે.

દરમિયાન દેશના ઘણાં રાજ્યોમાં કાળાબજાર અને સંગ્રહખોરો પર દરોડા પાડવાનું ચાલુ રહ્યું હતું. ઘણાં સ્થળોએથી ગેરકાયદે સંગ્રહ કરેલા સિલિન્ડર્સ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણી રાજ્ય સરકારે ગેસની અછતની વાતને નકારી દીધી હતી અને પૂરવઠો મળી રહેશે એવી ખાતરી આપી હતી.