India Bangladesh News : તારિક રહેમાનના શપથવિધિ સમારોહ સમયે ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશે આમંત્રણ પાઠવ્યું હતું. જો કે તેમના બદલે ભારતનું પ્રતિનિધિત્વ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કરશે. તા. 17મી ફેબ્રુઆરીએ યોજાનાર આ સમારંભ સમયે ઉપસ્થિત રહેવા, ભારત ઉપરાંત, ચાયના, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરેબિયા, યુ.એ.ઈ., કતાર, મલેશિયા, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભુતાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે.
ભૂમિગત વાસ્તવિકતા એ છે કે, વડાપ્રધાન મોદી તે દિવસે ઢાકા જઈ શકે તેમ નથી. કારણ કે તેઓ તે દિવસે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુંબઈમાં મંત્રણા યોજવાના છે.
આ પૂર્વે શુક્રવારે જ વડાપ્રધાન મોદીએ રહેમાન સાથે ફોન ઉપર વાત કરી હતી, અને બી.એન.પી.ના વડાને તથા તેમની પાર્ટીને અદ્ભૂત સફળતા મેળવવા માટે અભિનંદનો પાઠવ્યાં હતાં. જેમાં તેઓએ કહ્યું હતું કે, બંને નિકટવર્તી પાડોશીઓ ઈતિહાસ અને સંસ્કૃતિના ઊંડા બંધનોથી બંધાયેલા છે. હું ભારત તરફથી બંને દેશો શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધે તેવી આશા રાખું છું અને બાંગ્લાદેશને સતત સાથ આપવાની પ્રતિબદ્ધતાની ખાતરી આપું છું.બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ બે દશકના ગાળા પછી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે જેમાં 299 બેઠકોમાંથી 297બે ઠકોમાં જાહેર થયેલા પરિણામોમાં બીએનપીએ 209 બેઠકો પ્રાપ્ત કરી છે. જમણેરી, કટ્ટરપંથી, જમાત-એ-ઈસ્લામીને માત્ર 68બેઠકો જ મળી છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગને આ ચૂંટણીમાં ભાગ લેવા પ્રતિબંધિત જાહેર કરાઈ હતી.


