India

કરોડોની રોકડ, 5 બંગલા અને 13 પ્લોટ, ઓડિશાનો એન્જિનિયર નીકળ્યો 'કરપ્શન કિંગ'

By GS Team
7 Jun 20262 mins read
TukuTouch Logo
ઓડિશામાં વિજિલન્સ વિભાગની કાર્યવાહીમાં એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર 6,000 રૂપિયાના માસિક પગારથી નોકરી શરૂ કરનારા એક એન્જિનિયરના ઘરેથી કરોડોની રોકડ મળી આવી છે. આ સિવાય રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ આલીશાન મકાનો અને જમીનો પણ મળી આવી છે. આ એન્જિનિયરનું નામ બૈકુંઠનાથ બેહરા છે, જે કંધમાલ જિલ્લાના બાલીગુડામાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સી (ITDA) માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે તૈનાત છે. આવક કરતાં વધુ સંપત્તિ મેળવી હોવાની ફરિયાદો બાદ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કરોડોની રોકડ, 5 બંગલા અને 13 પ્લોટ, ઓડિશાનો એન્જિનિયર નીકળ્યો 'કરપ્શન કિંગ'

Odisha Vigilance Raid : ઓડિશામાં વિજિલન્સ વિભાગની કાર્યવાહીમાં એક હેરાન કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર 6,000 રૂપિયાના માસિક પગારથી નોકરી શરૂ કરનારા એક એન્જિનિયરના ઘરેથી કરોડોની રોકડ મળી આવી છે. આ સિવાય રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ આલીશાન મકાનો અને જમીનો પણ મળી આવી છે. આ એન્જિનિયરનું નામ બૈકુંઠનાથ બેહરા છે, જે કંધમાલ જિલ્લાના બાલીગુડામાં સંકલિત આદિવાસી વિકાસ એજન્સી (ITDA) માં આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે તૈનાત છે. આવક કરતાં વધુ સંપત્તિ મેળવી હોવાની ફરિયાદો બાદ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

9 સ્થળો પર એકસાથે દરોડા

ભુવનેશ્વરના વિશેષ વિજિલન્સ જજ દ્વારા જાહેર કરાયેલા સર્ચ વોરંટના આધારે વિજિલન્સની ટીમોએ ભુવનેશ્વર, બારીપદા, જાજપુર જિલ્લાના ધર્મશાલા અને બાલીગુડામાં કુલ 9 સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ ટીમમાં 2 એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP), 5 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP), 6 ઇન્સ્પેક્ટર અને અન્ય સહાયક સ્ટાફ સામેલ હતો. કાર્યવાહી દરમિયાન વિજિલન્સ અધિકારીઓને ભુવનેશ્વરના ચંદ્રશેખરપુરમાં એક 4 માળની ઇમારત, શૈલાશ્રી વિહારમાં એક 3 માળની ઇમારત અને પટિયામાં એક 2 માળનું મકાન મળી આવ્યું હતું. અધિકારીઓએ 13 જમીનોની ઓળખ કરી છે, જેમાં ભુવનેશ્વરના પ્રાઇમ લોકેશનમાં 7 પ્લોટ અને અન્ય પ્લોટ જાજપુર તેમજ બારીપદામાં આવેલા છે.

પરિવારના લોકરમાંથી કરોડોની રોકડ મળી

તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે, પરિવાર સાથે જોડાયેલા બેંક લોકર્સમાંથી આશરે 2 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી. આ પહેલાં, ઘરની તપાસ દરમિયાન 2.66 લાખ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી. સોનાના દાગીના, બેંક ડિપોઝિટ, પોસ્ટલ સેવિંગ્સ, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોનું મૂલ્યાંકન હાલમાં ચાલી રહ્યું છે. ટેકનિકલ નિષ્ણાતો દ્વારા આ મકાનો અને જમીનોની બજાર કિંમત (માર્કેટ વેલ્યુ) નો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે.

વિજિલન્સ અધિકારીઓએ જણાવ્યું કે, 'ચંદ્રશેખરપુરમાં વધુ એક 2 માળની ઇમારત અને જાજપુર જિલ્લાના ધર્મશાલા વિસ્તારમાં પૈતૃક જમીન પર બનેલું એક 2 માળનું મકાન પણ શોધી કાઢવામાં આવ્યું છે. હાલમાં બારીપદા અને પાંડુઆમાં બેહરાના સંબંધીઓના નિવાસો તેમજ બાલીગુડામાં તેમની ઓફિસ અને સરકારી ક્વાર્ટર પર સર્ચ ઓપરેશન ચાલુ છે.'

1999 માં શરૂ કરી હતી નોકરી

સત્તાવાર રેકોર્ડ મુજબ, બૈકુંઠનાથ બેહરાએ 1999 માં જુનિયર એન્જિનિયર તરીકે સરકારી નોકરી શરૂ કરી હતી. તે સમયે તેમનો પગાર આશરે 6,000 રૂપિયા મહિને હતો. આ દરમિયાન તેણે વિવિધ આદિવાસી વિકાસ એજન્સીઓ અને એન્જિનિયરિંગ વિભાગોમાં સેવા આપી હતી. આ વર્ષની શરૂઆતમાં જ બેહરાને આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરોડાની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થયા બાદ જ સંપત્તિનો આખરી આંકડો સામે આવશે.