પત્નીને મળવાનું ઝનૂન, 9650 કિ.મી.ની સાયકલ સફર...જાણો એક દલિત કલાકારના પ્રેમની અનોખી દાસ્તાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

9,650 km cycling journey of PK Mahanadia: કેટલીક પ્રેમકથાઓ એટલી અસાધારણ હોય છે કે તે સાચી હોવા છતાં પણ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી લાગે છે. 1970ના દાયકામાં દિલ્હીના રસ્તાઓ પર શરૂ થયેલી અને ખંડોની સરહદો ઓળંગીને સ્વીડન સુધી પહોંચેલી પી.કે. મહાનંદિયા અને લોટ્ટા વોન શેડવિનની પ્રેમકથા પણ એવી જ રોમાંચક પ્રેમકથા છે. એક એવી અવિશ્વસનીય અને અદભુત પ્રેમકથા, જેના પરથી પ્રિયંકા ચોપરા જોનાસના પ્રોડક્શન હેઠળ ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઓર્લાન્ડો વોન આઈન્સીડેલના નિર્દેશનમાં ‘ધ સાયકલ ઓફ લવ’ નામની દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી) બની છે. આ ફિલ્મ 28 ઓગસ્ટના રોજ અમેરિકામાં રિલીઝ થશે. ચાલો જાણીએ આ ભવ્ય પ્રેમકથાની વિગતો અને એની પાછળ છુપાયેલો એક કલાકારનો સંઘર્ષ.
સામાજિક ભેદભાવ વચ્ચે વિતેલું બાળપણ
પ્રદ્યુમ્ન કુમાર મહાનંદિયા (પી.કે. મહાનંદિયા)નો જન્મ 1949 માં ઓડિશાના કંધપાડા ગામમાં એક ગરીબ ઓડિયા વણકર પરિવારમાં થયો હતો. તેમના પિતા અઠમલ્લિક શહેરમાં પોસ્ટમાસ્ટર હતા. અહીંની પાનો (દલિત) જાતિના પરિવારમાં જન્મ્યા હોવાના કારણે તેમણે બાળપણમાં જ સામાજિક ભેદભાવ અને અપમાનનો સામનો કર્યો. તેમના માતા ખોંડ જાતિના હોવાથી તેમને જાતિવિહીન પણ મનાતા. સામાજિક અસમાનતા અને ગરીબીની વચ્ચે ઉછરેલા પી.કે.ને તેમના માતા હિંમત આપતાં કે એક દિવસ તારું જીવન બદલાશે. તેમના બાળપણમાં એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી કે, તમારા પત્ની કોઈ દૂરના દેશમાંથી આવશે, જે વૃષભ રાશિની હશે અને તે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતી હશે. આ ભવિષ્યવાણી પી.કે.ના મનમાં કાયમ માટે કોતરાઈ ગઈ હતી.

દિલ્હીમાં આર્ટિસ્ટ તરીકેનો સંઘર્ષ
કલા પ્રત્યેનો પ્રેમ પી.કે.ને બંગાળના શાંતિનિકેતનમાં આવેલી ‘વિશ્વભારતી યુનિવર્સિટી’ સુધી લઈ ગયો, પરંતુ ગરીબી એટલી હતી કે ટ્યુશન ફી ન ભરી શકવાને કારણે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો. હિંમત હાર્યા વગર તેઓ ખલ્લિકોટની આર્ટ્સ કોલેજમાં જોડાયા અને બાદમાં 1971 માં દિલ્હી કોલેજ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું. દિલ્હીમાં પણ શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલીભર્યા હતા. કમાણી કરવા માટે તેમણે દિલ્હીના કનોટ પ્લેસમાં ફુવારા નીચે બેસીને પ્રવાસીઓના લાઈવ પોટ્રેટ બનાવવાની સત્તાવાર મંજૂરી મેળવી. થોડા પૈસા લઈને તેઓ લોકોના સુંદર સ્કેચ બનાવી આપતા.
ઈન્દિરા ગાંધીના ચિત્રએ લોકપ્રિયતા અપાવી
ઈન્દિરા ગાંધીના સત્તાવાર સ્ટાફ અને અધિકારીઓએ દિલ્હીના રસ્તા પર સ્કેચ બનાવતા આ યુવાન કલાકારની અદભુત પ્રતિભા જોઈ હતી. તેના કારણે પી.કે.ને તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સામે બેસીને તેમનું ‘લાઈવ ચિત્ર’ દોરવાની ખાસ મંજૂરી મળી. એક સામાન્ય અને ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા કલાકારે દેશના વડાપ્રધાનનું સુંદર અને આબેહૂબ ચિત્ર માત્ર થોડી જ મિનિટોમાં દોરી આપ્યું, જે સમાચાર દિલ્હીના કલા જગતમાં અને મીડિયામાં વાયુવેગે ફેલાઈ ગયા. અખબારોમાં આ ઘટનાને મોટું કવરેજ મળ્યું અને પી.કે. રાતોરાત લોકપ્રિય થઈ ગયા. તેમના હાથે પોતાનું પોટ્રેટ દોરાવવા માટે દિલ્હીના ધનાઢ્ય લોકો, સરકારી અધિકારીઓ અને વિદેશી પ્રવાસીઓની લાંબી લાઈનો લાગવા માંડી. એવી જ એક વિદેશી યુવતી પર પી.કે.નું દિલ આવી જવાનું હતું.

એક મુલાકાત અને લવ સ્ટોરીની શરૂઆત
પી.કે.ના જીવનમાં 17 ડિસેમ્બર 1975 ના રોજ વળાંક આવ્યો. લંડનમાં ભણતી શાર્લોટ વોન શેડવિન (લોટ્ટા) નામની એક સ્વીડિશ યુવતીએ પી.કે.ની કળા વિશે સાંભળ્યું. એનાથી પ્રભાવિત થઈને એ જાતે વાન ચલાવીને 22 દિવસની મુસાફરી કરીને ભારત આવી, જ્યારે પી.કે. તેનું પોટ્રેટ દોરી રહ્યા હતા, ત્યારે તેમને અહેસાસ થયો કે આ એ જ યુવતી છે જેની ભવિષ્યવાણી વર્ષો પહેલાં થઈ હતી. લોટ્ટા ખરેખર વૃષભ રાશિની હતી અને પિયાનો વગાડતી હતી. ભારતમાં રોકાણ દરમિયાન તેઓ બંને અનેકવાર મળ્યા અને આખરે પ્રેમમાં પડ્યા. ભારતીય પરંપરા મુજબ બંનેએ લગ્ન પણ કરી લીધા. પરંતુ ટૂંક સમયમાં જ લોટ્ટાએ સ્વીડન પરત ફરવું પડ્યું. તેણે પી.કે.ને પોતાની સાથે લઈ જવાની તૈયારી બતાવી, પરંતુ પી.કે.એ ના પાડી, કેમ કે સ્વાભિમાની પી.કે. પોતાના દમ પર સ્વીડન પહોંચવા માંગતા હતા. લોટ્ટાના ગયા પછી પણ બંને પત્રો લખીને એકબીજાના સંપર્કમાં રહ્યા.
દિલ્હી-ટુ-સ્વિડન: 9,650 કિ.મી.ની સાયકલ સફર
વિમાનની ટિકિટ ખરીદવા માટે પી.કે. પાસે પૈસા નહોતા, પણ તેમના પ્રેમની તાકાત એટલી અડગ કે તેમણે પોતાની પાસે જે કંઈ હતું એ બધું જ વેચી દીધું અને જે રૂપિયા મળ્યા એમાંથી એક સેકન્ડ હેન્ડ સાયકલ ખરીદી. 22 જાન્યુઆરી 1977ના રોજ તેઓ દિલ્હીથી સ્વીડન જવા નીકળ્યા. તેઓ લગભગ રોજ 44 કિલોમીટર (27 માઇલ) સાયકલ ચલાવતા. રસ્તામાં આવતા દેશો (પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી, યુગોસ્લાવિયા, ઓસ્ટ્રિયા અને જર્મની)માંથી પસાર થતી વખતે તેઓ લોકોના સ્કેચ બનાવીને ખાવા-પીવાનો અને રહેવાનો ખર્ચ કાઢતા. રસ્તામાં અજાણ્યા લોકોએ પણ તેમની ખૂબ મદદ કરી.
આશરે 4 મહિના અને 9,650 કિલોમીટરથી વધુની લાંબી, મુશ્કેલ અને રોમાંચક સાયકલ સફર ખેડીને તેઓ 28 મેના રોજ યુરોપ પહોંચ્યા. છેલ્લે ટ્રેન દ્વારા તેઓ સ્વીડનના ગોથેનબર્ગ શહેર ગયા અને ત્યાં લોટ્ટાને મળ્યા. આજે પણ જ્યારે લોકો તેમને આ સાયકલ યાત્રા વિશે આશ્ચર્યથી પૂછે છે કે ‘આ સાહસ કઈ રીતે પાર પાડ્યું?’ ત્યારે તેઓ કહે છે, ‘મારી પાસે પૈસા નહોતા, પણ મારે લોટ્ટાને મળવું હતું. મને કંઈ સાયકલ ચલાવવાની ગમતી ન હતી, પરંતુ હું મારા પ્રેમ માટે સાયકલ ચલાવતો હતો!’

આજનું જીવન અને વૈશ્વિક સન્માન
સ્વીડનમાં આ દંપતીએ નવું જીવન શરૂ કર્યું. આજે તેમના લગ્નને 50 વર્ષ થયા છે. તેમના બે બાળકો સિદ્ધાર્થ અને એમેલી છે. પી.કે. મહાનંદિયા આજે સ્વીડનમાં એક પ્રતિષ્ઠિત કલાકાર તરીકે સ્થાપિત છે અને સ્વીડિશ સરકારમાં કલા અને સંસ્કૃતિના સલાહકાર તરીકે સેવા આપે છે. તેમના ચિત્રો યુનિસેફના ગ્રીટિંગ કાર્ડ્સ પર પણ સ્થાન પામ્યા છે. વર્ષ 2012 માં ઓડિશાની ઉત્કલ યુનિવર્સિટી ઓફ કલ્ચર દ્વારા તેમને માનદ ડોક્ટરેટની ડિગ્રી અપાઈ હતી. તેઓ સ્વીડનમાં ઓડિયા સંસ્કૃતિના રાજદૂત પણ છે.
પી.કે.ની સંઘર્ષકથા ફિલ્મ રૂપે અવતરી
પી.કે.ના રોમાંચક જીવનને આધારે 'ધ સાયકલ ઓફ લવ' નામની દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી) બની છે, જેના એક પ્રોડ્યુસર પ્રિયંકા ચોપરા પણ છે. 2016 'ધ વ્હાઇટ હેલ્મેટ્સ' નામની ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ જીતી ચૂકેલા ઓર્લાન્ડો વોન આઈન્સીડેલે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મનું પ્રીમિયર 30 ઓગસ્ટ 2025 ના રોજ ટેલુરાઇડ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા ફિલ્મ ફેસ્ટિવલોમાં વાહવાહી લૂંટી ચૂકેલી આ ફિલ્મ હવે 28 ઓગસ્ટ 2026 ના રોજ અમેરિકામાં રિલીઝ થવા જઈ રહી છે.
ગરીબી અને સામાજિક અન્યાયથી શરૂ થયેલી એક અજાણ્યા કલાકારની આ સફર આજે દુનિયાભરના પ્રેમીઓ અને સંઘર્ષ કરનારા લોકો માટે આશા અને દૃઢ નિશ્ચયનું પ્રતીક બની ગઈ છે.









