India

દિલ્હીના જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નારેબાજી: યુવતી વિરુદ્ધ FIR નોંધાઈ

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર ખાતે વડાપ્રધાન વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર યુવતી સામે FIR નોંધાઈ છે. 23 જુલાઈએ CJPના આંદોલન દરમિયાન વાયરલ વીડિયોના આધારે સુપ્રીમ કોર્ટના વકીલે ફરિયાદ કરી હતી. પોલીસે BNSની કલમ 352, 353(1) અને 356(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. મૂળ ફરીદાબાદની રહેવાસી યુવતી અને તેના પરિવારજનો ગાયબ છે, જેની દિલ્હી પોલીસ શોધખોળ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હીના જંતર-મંતર પર PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નારેબાજી: યુવતી વિરુદ્ધ FIR નોંધાઈ

Jantar Mantar Protest FIR : દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે હવે કાયદાકીય સકંજો કસાયો છે. વાયરલ વીડિયોના આધારે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને દિલ્હી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન વીડિયો થયો વાયરલ

દિલ્હીમાં 23 જુલાઈના રોજ CJPના નેજા હેઠળ યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા. આ પ્રદર્શન દરમિયાન એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે દેશના વડાપ્રધાન વિરુદ્ધ જાહેર મંચ પરથી આપત્તિજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી જોવા મળી હતી. આ વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ ભારે વિરોધ જોવા મળ્યો હતો.

સર્વોચ્ચ અદાલતના વકીલે નોંધાવી ફરિયાદ

ગાઝિયાબાદના રહેવાસી અને સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ સ્મૃતિ સિંહે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, યુવતીનું આ કૃત્ય માત્ર એક વ્યક્તિગત ટિપ્પણી નથી, પરંતુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો અને જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે.

ગંભીર કલમો હેઠળ FIR નોંધાઈ

આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 352, 353(1) અને 356(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના જંતર-મંતર વિસ્તારની હોવાથી સમગ્ર કેસની તપાસ દિલ્હી પોલીસના સંસદ માર્ગ પોલીસ મથકને સોંપવામાં આવી છે.

યુવતી અને પરિવારજનોની શોધખોળ શરૂ

મળતી માહિતી મુજબ, આરોપી યુવતી મૂળ ફરીદાબાદની રહેવાસી છે અને બ્યૂટી પાર્લર ચલાવે છે. તેણે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં નોઈડામાં એક ફ્લેટ પણ ખરીદ્યો હતો. જોકે, ઘટના બાદથી યુવતી અને તેના પરિવારજનો પોતાના નિવાસસ્થાનેથી ગાયબ છે. દિલ્હી પોલીસ હાલ તેમની શોધખોળ કરી રહી છે અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.