Get The App

યુમનામ ખેમચંદ સિંહ બન્યા મણિપુરના નવા CM, રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ રાજ્યપાલે લેવડાવ્યા શપથ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
યુમનામ ખેમચંદ સિંહ બન્યા મણિપુરના નવા CM, રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ રાજ્યપાલે લેવડાવ્યા શપથ 1 - image


Image Source: IANS

Manipur News: મણિપુરમાં લાંબા સમય બાદ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદય થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે (4 ફેબ્રુઆરી, 2026) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જાહેરાત કરી છે. આ આદેશ સાથે જ રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા કેન્દ્રીય શાસનનો અંત આવ્યો છે. બીજી તરફ NDAએ મણિપુરમાં સરકાર બનાવી છે.

યુમનામ ખેમચંદ સિંહ બન્યા મણિપુરના નવા મુખ્યમંત્રી

લોકભવન ખાતે મણિપુર વિધાનસભા પક્ષના નેતા યુમનામ ખેમચંદ સિંહે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ લોકભવનમાં શપથ લેવડાવ્યા.

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવાયું

ગૃહ મંત્રાલયે આ મામલે બુધવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય આજથી એટલે કે 4 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે. બીજી તરફ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં NDA પ્રતિનિધિમંડળે લોકભવનમાં રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

NDAએ સરકાર બનાવવાનો દાવો કર્યો

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને 13 ફેબ્રુઆરી, 2025થી લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન રદ કરવામાં આવ્યું છે. આ જાહેરાત બાદ તરત જ યુમનામ ખેમચંદ સિંહના નેતૃત્વમાં NDAના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

શપથગ્રહણ સમારોહની વિગત

NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા યુમનામ ખેમચંદ સિંહ(મેતૈઈ સમુદાય) આજે સાંજે 6:00 વાગ્યે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ શપથગ્રહણ સમારોહ લોક ભવન ખાતે યોજાયા. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે, જેમાં બે નાયબ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે:

• નેમચા કિપગેન: નાયબ મુખ્યમંત્રી (કુકી સમુદાય)
• લોસી દિખો: નાયબ મુખ્યમંત્રી (નાગા સમુદાય)

નવા મંત્રીમંડળમાં મેતૈઈ, કુકી અને નાગા એમ ત્રણેય સમુદાયોને પ્રતિનિધિત્વ આપીને રાજ્યમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોણ છે યુમનામ ખેમચંદ સિંહ?

યુમનામ ખેમચંદ સિંહ મણિપુર ભાજપના વરિષ્ઠ અને અનુભવી નેતા છે. તેઓ વર્ષ 2017 અને 2022માં સિંગજામેઈ બેઠક પરથી ધારાસભ્ય પદે સતત બે વાર ચૂંટાયા છે. આમ તેમણે, વર્ષ 2017થી 2022 દરમિયાન તેમણે મણિપુર વિધાનસભાના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી. અગાઉની બીરેન સિંહ સરકારમાં તેઓ પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ અને શિક્ષણ જેવા મહત્ત્વના વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે.

મણિપુર વિધાનસભાનું હાલનું પક્ષવાર સંખ્યાબળ (કુલ બેઠકો: 60)

• ભાજપ: 37
• કોંગ્રેસ: 5
• નેશનલ પીપલ્સ પાર્ટી: 6
• નાગા પીપલ્સ ફ્રન્ટ: 5
• કુકી પીપલ્સ એલાયન્સ: 2
• જનતા દળ યુનાઇટેડ: 1
• અપક્ષ: 3
*એક બેઠક નિધનના કારણે ખાલી છે.

મણિપુર ઘટનાક્રમ: 2023થી 2026

વર્ષ 2023: હિંસાની શરુઆત

 14 એપ્રિલ 2023: મણિપુર હાઇકોર્ટે રાજ્ય સરકારને મેતૈઈ સમુદાયને 'અનુસૂચિત જનજાતિ'(ST)નો દરજ્જો આપવા અંગે વિચારણા કરવા નિર્દેશ આપ્યો. આ આદેશથી રાજ્યમાં વિવાદ શરુ થયો.

 3 મે 2023: ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (ATSUM) દ્વારા કાઢવામાં આવેલી રેલી બાદ ચુરાચંદપુર અને બિષ્ણુપુરમાં હિંસા ફાટી નીકળી. મેતૈઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ શરુ થયો.

 મે-ડિસેમ્બર 2023: રાજ્યમાં મોટા પાયે હિંસા, આગજની અને અથડામણો થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા અને આર્મી તથા અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી.

વર્ષ 2024: રાજકીય અસ્થિરતા અને વધતી હિંસા

• વર્ષ 2024 દરમિયાન: હિંસા અટકાવવા માટે એન. બિરેન સિંહ સરકાર પર દબાણ વધ્યું. વિપક્ષો અને કેટલાક સાથી પક્ષોએ પણ રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા.

 નવેમ્બર 2024: જિરીબામ જિલ્લામાં ફરી હિંસા ભભૂકી ઉઠી, જેમાં અનેક લોકોના મોત થયા. સ્થિતિ વધુ વણસતા કેન્દ્રીય દળોની સંખ્યા વધારવામાં આવી.

વર્ષ 2025: બિરેન સિંહનું રાજીનામું અને રાષ્ટ્રપતિ શાસન

 9 ફેબ્રુઆરી 2025: વંશીય સંઘર્ષ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળતાના આરોપો વચ્ચે એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

 13 ફેબ્રુઆરી 2025: રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જતાં કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું અને વિધાનસભાને મોકૂફ (Suspended Animation) રાખવામાં આવી.

 13 ઑગસ્ટ 2025: રાષ્ટ્રપતિ શાસનના પ્રથમ 6 મહિના પૂર્ણ થતાં સંસદમાં ઠરાવ પસાર કરીને તેને વધુ 6 મહિના (13 ફેબ્રુઆરી 2026 સુધી) લંબાવવામાં આવ્યું.

 સપ્ટેમ્બર 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની મુલાકાત લીધી અને શાંતિ માટે અપીલ કરી.

વર્ષ 2026: લોકશાહી સરકારની પુનઃસ્થાપના

 2 ફેબ્રુઆરી 2026: મણિપુરના ભાજપ અને NDA ધારાસભ્યોની દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે બેઠક યોજાઈ.

 3 ફેબ્રુઆરી 2026: ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

 4 ફેબ્રુઆરી 2026: સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું. ખેમચંદ સિંહે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

 4 ફેબ્રુઆરી 2026: યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.