India

મોદી કેબિનેટમાંથી બે દિગ્ગજોનું પત્તું કપાય તેવી અટકળો, ગડકરીના ‘પ્રમોશન’ની પણ શક્યતા

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
મોદી સરકારમાં ટૂંક સમયમાં મોટો કેબિનેટ ફેરબદલ થવાની શક્યતા છે. 18 જુલાઈના ચોમાસુ સત્ર પહેલાં આ નિર્ણય આવી શકે છે. નીતિન ગડકરીને વધારાના મંત્રાલયો, જ્યારે નિર્મલા સીતારમણને નવી જવાબદારી મળી શકે છે. RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ, રાઘવ ચઢ્ઢા અને TMCના બળવાખોર સાંસદોને સ્થાન મળવાની ચર્ચા છે. અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન વચ્ચે આ અંગે બેઠક પણ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી કેબિનેટમાંથી બે દિગ્ગજોનું પત્તું કપાય તેવી અટકળો, ગડકરીના ‘પ્રમોશન’ની પણ શક્યતા
IMAGE - IANS

Modi Cabinet Reshuffle: મોદી સરકારની કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરબદલ થવાની અટકળોએ જોર પકડ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને મંત્રી પદેથી હટાવીને સંગઠનમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા તેઓ પદ પર યથાવત રહેશે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને પણ મોટી ચર્ચા છે કે પીએમ મોદી તેમને સરકારમાં કોઈ નવી અને મોટી જવાબદારી આપી શકે છે.

નીતિન ગડકરીને મળી શકે છે વધારાના મંત્રાલય

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિન ગડકરીને એક કરતાં વધુ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં તેઓ છેલ્લા 12 વર્ષથી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળી રહ્યા છે. કેબિનેટમાં આ ફેરફાર ક્યારે થશે તે અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ 18 જુલાઈથી શરૂ થઈ રહેલા મોન્સૂન સત્ર (ચોમાસુ સત્ર) પહેલાં આ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

કેબિનેટમાં ચોંકાવનારા ચહેરાઓની એન્ટ્રી શક્ય: આરબીઆઈના પૂર્વ ગવર્નર રેસમાં

આ ફેરબદલમાં NDA કેટલાક ચોંકાવનારા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપી શકે છે. RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની કેબિનેટમાં એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે, કારણ કે વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સિવાય, 'આપ' (AAP)માંથી ભાજપમાં જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી બળવો કરીને આવેલા સાંસદો સુખેન્દુ શેખર રે અને સંદીપ બંદોપાધ્યાયના નામો પણ ચર્ચામાં છે.

અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીનની મહત્ત્વની બેઠક

ભાજપની કેન્દ્રીય ટીમ અને કેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના મહાસચિવ બી.એલ. સંતોષ પણ હાજર હતા. જાન્યુઆરીમાં પ્રમુખ બનેલા નીતિન નવીનની નવી ટીમમાં વરિષ્ઠ અને યુવા નેતાઓને સમાન સ્થાન મળી શકે છે. એવું પણ કહેવાય રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટ અને ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત એકસાથે કરવામાં આવશે.

આ મંત્રીઓની થઈ શકે છે કેબિનેટમાંથી છુટ્ટી

નવા ચહેરાઓને સ્થાન આપવા માટે કેટલાક વર્તમાન મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. અટકળો મુજબ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને રવનીત સિંહ બિટ્ટુને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે. પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિટ્ટુને સંગઠનમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. આ સિવાય જ્યોર્જ કુરિયન પહેલા જ રાજીનામું આપી ચૂક્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે કુરિયન અને બિટ્ટુને ટિકિટ આપી ન હતી.