બંગાળમાં નવો રાજકીય ભૂકંપ : મમતા બેનર્જીએ TMC હેડક્વાર્ટર ગુમાવ્યું, ઋતબ્રત જૂથે કર્યો કબજો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal Political Crisis : તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં શુક્રવારે એક ખૂબ જ મોટો વળાંક આવ્યો છે. પાર્ટીના જ ઋતબ્રત બેનર્જીના જૂથે કોલકાતામાં આવેલા પક્ષના મુખ્ય કાર્યાલય પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ જૂથના નેતાઓ ઑફિસને તાળું મારીને ચાવી પણ પોતાની સાથે લઈ ગયા છે અને દાવો કર્યો છે કે તેઓ જ 'અસલી TMC' છે.
ઑફિસ પર નવા પોસ્ટર લગાવ્યા
શુક્રવારે બપોરે ઋતબ્રત બેનર્જી (Ritabrata Banerjee), ફિરહાદ હકીમ અને સંદીપન સાહા સહિતના અનેક નેતાઓ અચાનક મેટ્રોપોલિટન EM બાયપાસ સ્થિત પાર્ટી ઑફિસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક બેઠક કરી હતી અને ઑફિસના દરવાજા પર નવા પોસ્ટર લગાવી દીધા હતા. આ જૂથે મમતા બેનર્જી(Mamata Banerjee)ને અધ્યક્ષ પદેથી હટાવીને અરૂપ રોયને નવા અધ્યક્ષ બનાવ્યા છે, જ્યારે મમતા બેનર્જીને માત્ર પોતાના સલાહકાર ગણાવ્યા છે.
ચાવી અમારી પાસે જ રહેશે
બેઠક પૂરી થયા પછી આ જૂથના નેતાઓએ ઑફિસ બંધ કરી દીધી હતી. મીડિયા સાથે વાત કરતાં પાર્ટી નેતા અખ્રુજ્જમાંએ કહ્યું કે, 'આ પાર્ટી ઑફિસ અમારી છે. અમે તૃણમૂલ છીએ અને જોડા ફૂલ અમારું જ પ્રતીક છે. આ ચાવી હવે અરૂપ રોય પાસે જ રહેશે.' જ્યારે પત્રકારોએ તાળું મારનાર વ્યક્તિને પૂછ્યું કે તે કોના આદેશથી આ કરી રહ્યો છે, ત્યારે તેણે દરવાજા પર લાગેલા નવા પોસ્ટર તરફ ઈશારો કરીને કહ્યું કે, 'તમારે જે જાણવું હોય તે આમાં લખેલું છે.'
ચૂંટણી પંચ પહોંચ્યો વિવાદ
આ આખી ઘટના ઋતબ્રત જૂથની દિલ્હીમાં ચૂંટણી પંચ સાથે થયેલી બેઠક બાદ બની છે. ઋતબ્રત બેનર્જીએ ગુરુવારે જ ચૂંટણી પંચને પક્ષના સંગઠનાત્મક ફેરફારોના તમામ દસ્તાવેજો સોંપ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે 22 જૂનના રોજ યોજાયેલા વિશેષ સત્રમાં અરૂપ રોયને નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા, જેની માહિતી 23 જૂને જ ચૂંટણી પંચને આપી દેવાઈ હતી. આ જૂથના નેતા સંદીપન સાહાનો દાવો છે કે મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે છે.
મમતા જૂથનો પલટવાર
બીજી તરફ, મમતા બેનર્જી જૂથના નેતા અને સાંસદ કલ્યાણ બેનર્જીએ આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે આકરા પ્રહારો કરતાં કહ્યું કે, 'જો કેટલાક ગુંડાઓ ભેગા થઈને નવી પાર્ટી બનાવી લે, તો શું આપણે તેને માની લઈશું? આ દાવામાં કોઈ દમ નથી.' હાલમાં સ્થિતિને કાબૂમાં રાખવા માટે પાર્ટી ઑફિસની બહાર કોલકાતા પોલીસ અને સેન્ટ્રલ ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.









