ત્રીજા પક્ષની દખલગીરી માન્ય નથી : નેપાળ
લિપુલેખ વિસ્તારમાંથી કૈલાસ માનસરોવર યાત્રાના માર્ગ અંગે નેપાળે વાંધો ઉઠાવ્યો
તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'જ્યારે બંને પક્ષો ખુલ્લા દિલ, તાર્કિક મન અને પરસ્પર સન્માન સાથે ટેબલ પર બેસે છે, ત્યારે કોઈ પણ સમસ્યા એટલી મોટી કે જટિલ હોતી નથી કે જેનો ઉકેલ ન આવી શકે.' નેપાળનું આ વલણ નવી દિલ્હીના એ સિદ્ધાંતને મજબૂત સમર્થન આપે છે જેમાં ભારતે હંમેશા બાહ્ય હસ્તક્ષેપનો વિરોધ કર્યો છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વ્યાપાર, કનેક્ટિવિટી, ક્રિટિકલ ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્રે યોજાયેલી વ્યાપક દ્વિપક્ષીય બેઠક બાદ ખનાલે પત્રકારોને સંબોધિત કર્યા હતા.
તાજેતરમાં નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહે લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાણીના સરહદી વિવાદમાં ચીન અને યુનાઇટેડ કિંગડમને સામેલ કરવાની વાત કરી હતી, જેનાથી રાજદ્વારી ગરમાવો આવી ગયો હતો. ભારત સરકારે આ દરખાસ્તને તાત્કાલિક ફગાવી દીધી હતી.
આ વિવાદ પર પડદો પાડતા વિદેશ મંત્રી ખનાલે મધ્યસ્થતાની વાતને નકારી કાઢી હતી અને જણાવ્યું કે અમે રાષ્ટ્રવાદના નામે માત્ર પોકળ દેખાડો કે સ્ટેજ ગ્રાન્ડસ્ટેન્ડિંગ કરવા નથી માંગતા. બ્રિટનનો ઉલ્લેખ માત્ર ત્યાંની લાઇબ્રેરીઓ અને મ્યુઝિયમોમાં સચવાયેલા ઐતિહાસિક દસ્તાવેજો અને નકશાઓ મેળવવા પૂરતો જ હતો.
લિપુલેખ વિસ્તારમાંથી કૈલાશ માનસરોવર યાત્રાના રૂટ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે સ્વીકાર્યું કે નેપાળે આ અંગે ભારત અને ચીન બંનેને ડિપ્લોમેટિક નોટ મોકલી છે. નેપાળ આ જમીન પર પોતાનો દાવો કરે છે, તેથી નેપાળની સંમતિ વિના બંને દેશોએ આ રૂટ અંગે કરાર ન કરવો જોઈતો હતો. જો કે, તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ ચિંતા હોવા છતાં નેપાળ આ વિવાદનો ઉકેલ ભારત સાથે સીધી વાતચીત કરીને જ લાવશે.
ભારત અને નેપાળ વચ્ચેના સદીઓ જૂના ભૌગોલિક અને સાંસ્કૃતિક સંબંધોને યાદ કરતા ખનાલે અત્યંત ભાવુક અને પ્રભાવશાળી શબ્દોમાં કહ્યું, 'જ્યારે પણ હું કાઠમંડુથી નવી દિલ્હીની ફ્લાઇટમાં હોઉં છું અને નીચે વિશાળ હિમાલયની ગિરિમાળાઓ અને ગંગાના ફળદ્રુપ મેદાનોને જોઉં છું, ત્યારે મને એક શાશ્વત સત્ય સમજાય છે. આપણે નકશા પર દોરેલી રાજકીય રેખાઓથી જોડાયેલા માત્ર પાડોશી દેશો નથીત આપણે એક જ નદીઓ, એક જ પર્વતો અને એક જ સનાતન પ્રાચીન જ્ઞાાન અને સંસ્કૃતિના સંતાનો છીએ.'


