જંતર-મંતર બન્યું રણમેદાન! દિવસભર ઘર્ષણ બાદ સરકાર સમક્ષ કોકરોચ જનતા પાર્ટીની મુખ્ય 3 માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NEET Paper Leak Protest: દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ હવે માત્ર સોશિયલ મીડિયાની ચર્ચા નથી રહી, પરંતુ તે દિલ્હીના રસ્તાઓ પર એક મોટા જનઆક્રોશમાં ફેરવાઈ ગઈ છે. રાષ્ટ્રીય પરીક્ષાઓમાં વારંવાર થતા છબરડા અને NEET-UG 2026 પેપર લીકના વિરોધમાં સોમવારે પાટનગર દિલ્હીમાં અભૂતપૂર્વ દ્રશ્યો સર્જાયા હતા. હજારો વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દિલ્હી પોલીસે ભારે લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
એક તરફ આંદોલન, બીજી તરફ સરકાર સાથે વાતચીત
આ આખી કૂચ અને આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સીજેપી સંગઠને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરીને એક વિસ્તૃત આવેદનપત્ર સોંપ્યું છે. આ આવેદનપત્રમાં મુખ્યત્વે 3 મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ રાખવામાં આવી છે.
- પહેલી માંગ: ભૂખ હડતાળ પર ઉતરેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને હોસ્પિટલમાંથી તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવામાં આવે અને તેમના પ્રવાસ પરના પ્રતિબંધો હટાવવામાં આવે.
- બીજી માંગ: NEET પેપર લીક અને પરીક્ષાની સિસ્ટમ નિષ્ફળ જવા બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે અથવા તેમને બરતરફ કરવામાં આવે.
- ત્રીજી માંગ: પેપર લીકની ઘટનાઓથી હતાશ થઈને કથિત રીતે આત્મહત્યા કરનારા NEET ઉમેદવારોના પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવે.
સરકારે ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાતરી આપી
CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે,
અમે બપોરે 2:15 વાગ્યે જે.પી. નડ્ડાજીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને અમારી 3 માંગણીઓ તેમની સમક્ષ મૂકી છે. નડ્ડાજીએ અમને ખાતરી આપી છે કે તેઓ આ બાબતે વરિષ્ઠ નેતૃત્વ સાથે આંતરિક ચર્ચા કરશે અને તેમનો નિર્ણય અમને ટૂંક સમયમાં જણાવશે.

જંતર-મંતર રણમેદાનમાં ફેરવાયું: લાઠીચાર્જ અને ટીયરગેસના છોડાયા શેલ
સોમવારે સવારથી જ જંતર-મંતર અને સંસદ માર્ગ તરફ હજારોની સંખ્યામાં યુવાનો એકઠા થવા લાગ્યા હતા. સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને રોકવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ્સ ગોઠવ્યા હતા, પરંતુ ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શન સ્થળે લગાવેલા ટેન્ટ તોડી પાડવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને હટાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે જંતર-મંતર અને સંસદની આસપાસના વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવી પડી હતી. આ અથડામણમાં અનેક વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો છે. બચાવવા માટે ઘણા વિદ્યાર્થીઓએ ગુરુદ્વારા બાંગ્લા સાહેબમાં શરણ લીધી હતી, જ્યાંથી પાછળથી તેમને સુરક્ષિત બહાર કઢાયા હતા.
નેતાઓની ધરપકડના દાવા અને દિલ્હી પોલીસની સ્પષ્ટતા
આંદોલન દરમિયાન અફવાઓનું બજાર પણ ગરમ રહ્યું હતું. સંગઠનના સ્થાપક અભિજીત દીપકે, જેઓ સોનમ વાંગચુકની તબિયત બગડ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા હતા, તેમણે સોનમ વાંગચુકના સંદેશા બાદ આજે સવારે જ ઉપવાસ પૂરા કર્યા હતા. બપોરે એવી અફવા ફેલાઈ હતી કે દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. જોકે, દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા કરતા લખ્યું કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એ અહેવાલો તદ્દન ખોટા છે કે અભિજીત દીપકેની અટકાયત કરવામાં આવી છે. તેઓ સ્ટેજ પર જ હાજર છે અને નાગરિકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું.
રાજકીય ગરમાવો: વિપક્ષી નેતાઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં મેદાનમાં
આ આંદોલનને વિપક્ષી દળોનું જોરદાર સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર પ્રહારો કર્યા છે. કેજરીવાલે પંજાબથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પહેલા તમે પેપર લીક થવા દો છો, પછી મૂલ્યાંકનમાં ગરબડ થાય છે અને જ્યારે યુવાનો ફરિયાદ કરે છે ત્યારે કોઈ સાંભળતું નથી. ઇન્ટરનેટ બંધ કરીને સંસદ તરફ જતાં રોકવા તે બિલકુલ ખોટું છે.
સરકારને અંદાજ નહોતો કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. પરીક્ષા લેવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે અને આ જ આક્રોશ રસ્તા પર દેખાઈ રહ્યો છે. અમે આ મુદ્દો આવતીકાલે લોકસભામાં પણ ઉઠાવીશું.
- સપા પ્રમુખ અખિલેશ યાદવ

પડદા પાછળની હલચલ: ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રી વચ્ચે 3.5 કલાક મંથન
રસ્તા પર ચાલી રહેલા આ ઘમસાણ વચ્ચે સરકારના ટોચના સ્તરે પણ હલચલ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વિવાદોના કેન્દ્રમાં રહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે આશરે સાડા ત્રણ કલાક લાંબી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન પણ હાજર હતા. જોકે, આ લાંબી બેઠકમાં શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે કે આંદોલનને શાંત કરવા અંગે શું વ્યુહરચના ઘડાઈ તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
CJP સંગઠને સ્પષ્ટ કર્યું છે કે ભલે પોલીસે જંતર-મંતર ખાલી કરાવ્યું હોય, પરંતુ તેમનું આંદોલન અને ધરણાં સમાપ્ત થયા નથી અને તેઓ સરકારના લેખિત જવાબની રાહ જોઈ રહ્યા છે.









