Nari Shakti Vandan Adhiniyam: કેન્દ્ર સરકાર આજે સંસદમાં 'નારી શક્તિ વંદન અધિનિયમ' સહિત ત્રણ મહત્ત્વના વિધેયકો રજૂ કરવા જઈ રહી છે. સરકારનો લક્ષ્ય 2029ની ચૂંટણી પહેલા મહિલાઓ માટે 33% અનામત અને સીમાંકન(Delimitation)ની પ્રક્રિયા પૂર્ણ કરવાનો છે.
Parliament LIVE UPDATES :
મહિલાઓ હવે નિર્ણય લેવાની પ્રક્રિયામાં જોડાવા તૈયાર છે - પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યારે તેઓ સંગઠનના કાર્યકર હતા ત્યારે એવી ચર્ચાઓ થતી હતી કે પંચાયતોમાં અનામત સરળતાથી આપી દેવામાં આવે છે કારણ કે તેમાં નેતાઓને પોતાનું પદ ગુમાવવાનો ડર હોતો નથી. આ ડરના અભાવે પંચાયતોમાં મહિલા અનામત 50 ટકા સુધી પહોંચી ગયું. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે લોકોએ 30 વર્ષ પહેલા આનો વિરોધ કર્યો હતો તેઓ ભલે રાજકીય રીતે સક્રિય રહ્યા હોય, પરંતુ આજે પાયાના સ્તરે (ગ્રાઉન્ડ લેવલ પર) લાખો બહેનો પ્રખર અને જાગૃત બની છે. પંચાયતોમાં કામ કરી ચૂકેલી આ લાખો મહિલાઓ હવે આત્મવિશ્વાસ સાથે સંસદ જેવી ઉચ્ચ નિર્ણય પ્રક્રિયામાં પોતાની ભાગીદારીની માંગ કરી રહી છે.
મહિલા અનામતનો જે લોકો વિરોધ કરશે, તેમણે લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે
આ બિલ માટે દરેક પક્ષના લોકોને મળવાનું થયું હતું, પરંતુ કોઈએ આ પ્રક્રિયાનો સૈદ્ધાંતિક વિરોધ નહોતો કર્યો, એક પક્ષને છોડીને. પરંતુ આજે હું તમને બધાને, એક મિત્ર તરીકે, સલાહ આપવા માંગુ છું. આ બિલનો વિરોધ કરનારાને મહિલાઓએ માફ નથી કર્યા. 2024માં આ બિલનો કોઈએ વિરોધ ના કર્યો. જો આપણે બધા સાથે રહીશું, તો ઇતિહાસ સાક્ષી છે કે આ કોઈ એક પક્ષની તરફેણમાં નહીં હોય, પરંતુ દેશની સામૂહિક નિર્ણય શક્તિની તરફેણમાં જશે. તેનો યશ તમામને મળશે. મહિલા અનામતનો જે લોકો વિરોધ કરશે, તેમણે લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે. આમાં પણ જેમને રાજકારણની દુર્ગંધ આવે છે, તો લોકો આને રાજકીય રંગ ના આપે. તેઓ છેલ્લી ચૂંટણીના પરિણામો જોઈ લે, તેમના માટે આ જ હિતાવહ છે. એટલે સમજદારી એમાં જ છે કે, મહિલાઓની ગ્રાસરૂટ લેવલ પર જે લીડરશિપ ઊભી થઈ છે, તેને તમારે સ્વીકારવી પડશે. હવે દેશની બહેનો પર ભરોસો કરો, તેમની સમજદારી પર વિશ્વાસ કરો. એકવાર અહીં 33 ટકા મહિલાઓને અહીં આવવા દો, પછી તેઓ નિર્ણય કરશે. તેમને એકવાર સંસદમાં આવવા તો દો.
રાષ્ટ્રના જીવનમાં અનેક મોટી ક્ષણો આવે છે : પીએમ મોદી
લોકસભામાં સીમાંકન (પરિસીમન) બિલ પર ચર્ચાની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના જીવનમાં કેટલીક એવી મહત્ત્વની ક્ષણો આવે છે જે સમાજની મનોસ્થિતિને મજબૂત ધરોહરમાં ફેરવી દે છે અને સંસદના ઇતિહાસમાં આ તેવી જ એક ક્ષણ છે. તેમણે ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે, જો આ વિચાર 25-30 વર્ષ પહેલા જ અમલમાં આવ્યો હોત તો આજે આપણે આ દિશામાં વધુ પરિપક્વ હોત. વડાપ્રધાને ભારતને 'મધર ઑફ ડેમોક્રેસી' ગણાવતા ઉમેર્યું હતું કે, આપણી આ હજારો વર્ષોની વિકાસયાત્રાનું એક અત્યંત ગૌરવશાળી પગલું છે જે લોકશાહીને વધુ સશક્ત બનાવશે.
'આ ઐતિહાસિક ક્ષણ છે...' : પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદને સંબોધતાં ત્રણેય મહત્ત્વપૂર્ણ બિલ અંગે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
ભાજપની રણનીતિથી તેમની દાનત પર સવાલ: અખિલેશ યાદવ
અખિલેશ યાદવે જણાવ્યું કે ભાજપની રણનીતિએ તેમની દાનત સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. SIR દ્વારા તેમની રણનીતિનો પર્દાફાશ થયો છે. જ્યારે વિપક્ષ પ્રથમ ગણતરીમાં મતો બચાવવામાં સફળ રહ્યો, ત્યારે ભાજપ 'ફોર્મ 7' લાવી અને તેને મોટા પાયે વહેંચવાનું શરૂ કર્યું. આ બાબત પણ પકડાઈ ગઈ છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ફોર્મ 7નો શંકાસ્પદ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ચૂંટણી પંચને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે મતો કપાતા અટક્યા, પરંતુ નકલી સહીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ આખી ઘટના ભાજપની મનસા પર શંકા પેદા કરે છે.
તેમની મનસા અનામત આપવાની નહીં, પણ ટાળવાની છે - અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કહ્યું કે અસલી મુદ્દો એ છે કે ભાજપ વસ્તી ગણતરીને ટાળવા માંગે છે, ખાસ કરીને જાતિ આધારિત વસ્તી ગણતરીના કારણે. જો જાતિના આંકડા સામે આવશે તો અનામતની વાસ્તવિક માંગ અને દબાણ વધશે, જેને ભાજપ ટાળવા માંગે છે. આ જ કારણ છે કે મહિલા અનામતને સીમાંકન અને વસ્તી ગણતરી સાથે જોડીને તેને લાગુ કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે તેમની મનસા અનામત આપવાની નથી, પરંતુ તેને લંબાવવાની છે.
તમને આટલી ઉતાવળ કેમ છે? અખિલેશનો સવાલ
અખિલેશ યાદવે કહ્યું કે અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમે મહિલા અનામતના પક્ષમાં છીએ, પરંતુ તેની સાથે કેટલાક ગંભીર પ્રશ્નો પણ છે. ડૉ. રામમનોહર લોહિયા હંમેશા મહિલાઓને દરેક ક્ષેત્રમાં પુરુષો સમાન હિસ્સેદારી આપવાની વાત કરતા હતા. તેમનું માનવું હતું કે જો મહિલા જાગૃત થશે તો આખો સમાજ જાગૃત થશે. ઉત્તર પ્રદેશમાં પંચાયત સ્તરે મહિલાઓને સૌથી વધુ અનામત આપવાનું કામ સમાજવાદી પાર્ટીએ કર્યું છે. એવામાં સવાલ એ થાય છે કે ભાજપને આટલી ઉતાવળ કેમ છે?
21 રાજ્યોમાં તમારી સરકાર છે, ત્યાં કેટલી મહિલા મુખ્યમંત્રી છે? - અખિલેશ યાદવ
અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતાં પૂછ્યું કે, ભાજપ એ જણાવે કે જે 21 રાજ્યોમાં તેમની સરકારો છે ત્યાં કેટલી મહિલાઓ મુખ્યમંત્રી છે? દિલ્હીમાં જે મહિલા નેતૃત્વ બતાવવામાં આવે છે તેને પણ "હાફ સીએમ" (અર્ધ મુખ્યમંત્રી) કહેવામાં આવે છે. સવાલ એ છે કે તેમની પાસે વાસ્તવિક સત્તા કેટલી છે? દેશની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનાર ભાજપ પોતાના સંગઠનમાં જ મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ કેમ આપી શકતી નથી? આખા દેશમાં તેમના ધારાસભ્યો ચૂંટાયા છે, પરંતુ મહિલા પ્રતિનિધિત્વ 10 ટકાથી ઉપર નથી પહોંચી રહ્યું. લોકસભામાં પણ તેમની સંખ્યા કેટલી છે, તે પણ સવાલોના ઘેરામાં છે.
ભાજપ વસ્તી ગણતરી નથી ઇચ્છતી - અખિલેશ યાદવ
અખિલેશ યાદવે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની પંચાયતોમાં મહિલાઓ માટે સૌથી વધુ અનામત લાગુ કરવાનું કામ સપા(SP)એ કર્યું છે. અમારો સવાલ એ છે કે ભાજપને આટલી જલ્દી કેમ છે? સત્ય એ છે કે તેઓ વસ્તી ગણતરીને ટાળવા માંગે છે, અને તે પણ જાતિ આધારિત વસ્તી ગણતરીના ડરથી, કારણ કે તેઓ ખરેખર અનામત આપવા માંગતા નથી.
અખિલેશ યાદવે ભાજપની નીતિ પર ઉઠાવ્યા સવાલ
સપા નેતા અખિલેશ યાદવે સીમાંકન બિલ પર ભાજપ સરકારની દાનત પર આક્ષેપ કરતાં કહ્યું કે, સપા મહિલા અનામતના પક્ષમાં છે. ડૉ. લોહિયા હંમેશા જેન્ડર જસ્ટિસ (લિંગ ન્યાય) અને સોશિયલ જસ્ટિસ(સામાજિક ન્યાય)ના પક્ષધર રહ્યા હતા અને અમે પણ તે જ માર્ગ પર છીએ. જે લોકોએ મહિલાઓને પોતાના સંગઠનમાં સ્થાન નથી આપ્યું, તેઓ તેમનું માન-સન્માન કેવી રીતે જાળવશે? આ લોકો ઘણા વર્ષોથી સત્તામાં છે, છતાં જેન્ડર ઈક્વાલિટી(લિંગ સમાનતા)ના વૈશ્વિક આંકડામાં આપણે ક્યાં ઊભા છીએ? તેમની 21 જગ્યાએ સરકાર હોવા છતાં મહિલા મુખ્યમંત્રીઓની સંખ્યા નહિવત છે.
વિપક્ષ મન બનાવીને જ આવ્યો છે કે વિરોધ કરવો છે
લોકસભામાં વિપક્ષના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહાર કરતાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત આ ત્રણેય બિલો એકસાથે રજૂ થવાના હતા અને અગાઉ સદને તેમની સંમતિથી જ આ પસાર કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિપક્ષી નેતાઓ આજે સવારે જ મન બનાવીને આવ્યા છે કે ગમે તે થાય વિરોધ જ કરવો છે, અને તેથી જ તેઓ સરકારના દરેક પગલા અને દરેક બિલનો તર્ક વગર વિરોધ કરી રહ્યા છે.
ધર્મના આધારે અનામત ગેરબંધારણીય
મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. અમિત શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે અને તેનો પ્રશ્ન જ ઊભો થતો નથી, જેના જવાબમાં અખિલેશ યાદવે આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવ્યું અને અડધી વસ્તી એટલે કે મહિલાઓ માટે અનામતની માંગ કરી હતી. જ્યારે અખિલેશ યાદવે મુસ્લિમ મહિલાઓના અધિકારો અંગે સવાલ કર્યો, ત્યારે અમિત શાહે વળતો પ્રહાર કરતાં કહ્યું કે જો સમાજવાદી પાર્ટી બધી જ ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપી દે તો અમને કોઈ વાંધો નથી.
જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે પણ આપ્યો જવાબ
સંસદમાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. અખિલેશ યાદવે સરકાર પર વસતી ગણતરી નહીં લોકોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે વળતો પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં વસતી ગણતરીની પ્રક્રિયા પહેલેથી જ ચાલુ છે અને કેટલાક નિવેદનો જનતામાં ખોટી ચિંતા પેદા કરી રહ્યા છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારે આ અંગે નિર્ણય લઈ લીધો છે અને આ વસતી ગણતરી જાતિ આધારિત વિગતો સાથે જ કરવામાં આવી રહી છે, જેથી વિપક્ષની જાતિ આધારિત વસતી ગણતરીની માંગનો સ્વીકાર પહેલેથી જ થઈ ચૂક્યો હોવાનો તેમણે સંકેત આપ્યો હતો.
કયા ત્રણ બિલ રજૂ કર્યા સરકારે?
લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપવા માટે ગુરુવારે સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. જેમાં નીચલા ગૃહમાં સભ્યોની વર્તમાન સંખ્યા 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે સરકારે સીમાંકન આયોગની રચના માટે એક બિલ રજૂ કર્યું અને તેની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ રજૂ કરવામાં આવ્યું છે.
સંસદમાં બેઠકોનો મોટો વધારો
આ નવા વિધેયક હેઠળ લોકસભાની હાલની 543 બેઠકો વધારીને 850 સુધી કરવામાં આવી શકે છે. સીમાંકન બાદ રાજ્યોની બેઠકો 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો 35 થવાની શક્યતા છે. આ માટે સરકાર સીમાંકન આયોગના ગઠન અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદામાં સુધારા માટેના બિલ લાવવાની તૈયારીમાં છે.
સંસદનું 'નંબર ગેમ' અને પડકારો
બંધારણીય સુધારા હોવાને કારણે આ બિલો પસાર કરવા માટે બે-તૃતિયાંશ બહુમતિની જરૂર પડશે. લોકસભામાં બહુમતિ માટે 360 મતોની જરૂર છે, જ્યારે સત્તાધારી NDA પાસે 293 સભ્યો છે, એટલે કે તેમને વધુ 67 મતોની જરૂર પડશે. રાજ્યસભામાં 163ના જાદુઈ આંકડા સામે NDA પાસે 142 સભ્યો છે, જ્યાં 21 સભ્યોની ઘટ છે.
વસતી ગણતરી અને સીમાંકનનો વિવાદ
સરકાર 2011ની વસતી ગણતરીના આધારે સીમાંકનની યોજના બનાવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે 2029ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ભારતના રાજ્યોને ભય છે કે આ પ્રક્રિયાથી તેમની સંસદીય શક્તિ ઘટી શકે છે અને પ્રાદેશિક સંતુલન બગડી શકે છે.
વિપક્ષ અને પ્રાદેશિક પક્ષોનું વલણ પણ વિરોધમાં
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે આ બિલ દ્વારા સરકાર પોતાની સુવિધા મુજબ સીમાઓ નક્કી કરવા માંગે છે. બીજી તરફ, BJD અને BRS જેવા પક્ષો જે સામાન્ય રીતે મુદ્દા આધારિત સમર્થન આપે છે, તેમણે પણ સીમાંકનના મુદ્દે કડક વલણ અપનાવતા સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.
મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર થવાનો વિશ્વાસ
તમામ વિરોધ છતાં સરકારને વિશ્વાસ છે કે તેમની પાસે પૂરતા આંકડા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સૈદ્ધાંતિક રીતે કોઈ પણ પક્ષ મહિલા અનામતનો વિરોધ કરી રહ્યો નથી, તેથી આ બિલ સર્વસંમતિથી પસાર થવાની આશા છે.


