India

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા

By GS TEAM
27 Mar 20262 mins read
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા

- અમેરિકા-ઈરાન યુદ્ધની ભારતમાં અસર

- નાયરા એનર્જીના 7000 પંપો પર પેટ્રોલ 100.71 રૂપિયા જ્યારે ડીઝલ રૂ. 91.31ના ભાવે વેચાશે

નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના પગલે વૈશ્વિક ઓઈલ કટોકટી વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં જંગી ઊછાળો નોંધાયો છે ત્યારે ભારતની સૌથી મોટી ખાનગી ઈંધણ રિટેલર નાયરા એનર્જીએ ક્રૂડમાં ભાવવધારાનો આ બોજો રિટેલ ગ્રાહકો પર નાંખતા પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૫ જ્યારે ડીઝલમાં રૂ. ૩નો વધારો કર્યો છે.

અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ ઈરાન પર આક્રમણ શરૂ કર્યા બાદથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૫૦ ટકા જેટલો ઊછાળો આવ્યો હોવા છતાં ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કર્યો નથી, જેના કારણે ખાનગી ઈંધણ કંપનીઓ પણ ભારે દબાણ હેઠળ મૂકાયેલી છે. જોકે, આ યુદ્ધને લગભગ એક મહિનો થવા આવ્યો છે ત્યારે આખરે સૌથી મોટી ખાનગી રિટેલ ઓઈલ કંપની નાયરા એનર્જીએ ગુરુવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૫ વધારીને રૂ. ૧૦૦.૭૧ તથા ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૩ વધારીને રૂ. ૯૧.૩૧ કરવાની જાહેરાત કરી છે. નાયરા એનર્જી ભારતમાં કુલ ૧.૦૨ લાખ પેટ્રોલ પંપોમાંથી ૬,૯૬૭ પેટ્રોલ પંપોનું સંચાલન કરે છે. 

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો કરાયો છે તે જણાવ્યા વિના કંપનીએ ગુરુવારે કહ્યું કે, મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે ઉદ્યોગ અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યું છે અને તેનાથી ઈંધણ વિતરણ તથા ઉપલબ્ધતા પર ગંભીર અસર પડી છે. નાયરા એનર્જીમાં ૪૯.૧૩ ટકા રોકાણ ધરાવતી રશિયન ઓઈલ કંપની રોસનેફ્ટે જણાવ્યું હતું કે, તે એપ્રિલની શરૂઆતથી લગભગ ૩૫ દિવસ સુધી તેનું સંચાલન બંધ રાખશે. તેના બંધ થવાથી ભારતની કુલ રિફાઈનિંગ ક્ષમતામાં લગભગ ૮ ટકાનો ઘટાડો આવશે. કંપનીએ કહ્યું કે, મેઈન્ટેનન્સના કારણે રિફાઈનરી ૩૫ દિવસ સુધી બંધ રહેશે.