India

ભારતમાં અગ્નિવીર બનવા પડોશી દેશમાં આંદોલન! 207 વર્ષ જૂની ભરતી અટકી પડતાં યુવાનોનો આક્રોશ

By GS Team
14 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતી 4 વર્ષથી અટકી પડતાં નેપાળમાં વિરોધ થયો છે. પોખરામાં સેંકડો યુવાનો અને પૂર્વ સૈનિકોએ 'અગ્નિપથ યોજના' હેઠળ તાત્કાલિક ભરતી શરૂ કરવા માંગ કરી. નેપાળી યુવાનોનું કહેવું છે કે ખાડી દેશોમાં મજૂરી કરવા કરતાં ભારતીય સેનામાં 'અગ્નિવીર' બનવું વધુ સારું છે. નેપાળ સરકાર 'અગ્નિપથ' યોજનાના લાભો અંગે સ્પષ્ટતા માંગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતમાં અગ્નિવીર બનવા પડોશી દેશમાં આંદોલન! 207 વર્ષ જૂની ભરતી અટકી પડતાં યુવાનોનો આક્રોશ

Nepal Youths Protest To Join Indian Army : ભારતીય સેનામાં નેપાળી ગોરખા સૈનિકોની ભરતી છેલ્લા 4 વર્ષથી અટકી પડી છે, જેની સામે હવે ખુદ નેપાળમાં જ ભારે વિરોધ શરૂ થયો છે. આ સપ્તાહે પોખરા શહેરમાં સેંકડો યુવાનો અને પૂર્વ સૈનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 'અગ્નિપથ યોજના' હેઠળ તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી હતી. નેપાળી યુવાનોનું કહેવું છે કે ખાડી દેશોમાં જઈને પરસેવો પાડવા કરતાં ભારતીય સેનામાં 'અગ્નિવીર' બનીને ગર્વથી સેવા કરવી લાખ ગણી સારી છે. ભારત અને નેપાળ વચ્ચે ગોરખા સૈનિકોની ભરતી બંને દેશોના જૂના અને મજબૂત સંબંધોનું પ્રતીક રહી છે. વર્ષ 2019થી આ ભરતીઓ અટકેલી હતી અને વર્ષ 2022માં ભારત સરકારે 'અગ્નિપથ યોજના' લાગુ કર્યા બાદ નેપાળ સરકારે તેના પર રોક લગાવી દીધી હતી, પરંતુ હવે 3 વર્ષ બાદ યુવાનોનો આક્રોશ સામે આવ્યો છે.

ભરતી કેમ અટકી પડી છે?

ગોરખા ભરતી અટકવા પાછળનું મુખ્ય કારણ નેપાળ સરકારનો વિરોધ છે. વર્ષ 2022માં શરૂ થયેલી અગ્નિપથ યોજના હેઠળ માત્ર 25% સૈનિકોને કાયમી કમિશન મળે છે, જ્યારે 75% સૈનિકોને 4 વર્ષ પછી 'સેવા નિધિ' પેકેજ આપીને મુક્ત કરવામાં આવે છે. નેપાળ સરકારનું માનવું છે કે 4 વર્ષ પછી પરત ફરનારા યુવાનોના ભવિષ્ય, પેન્શન અને લાંબા ગાળાના લાભો અંગે કોઈ સ્પષ્ટતા નથી. નેપાળ સરકારની દલીલ છે કે આ નવી વ્યવસ્થા વર્ષ 1947માં ભારત, નેપાળ અને બ્રિટન વચ્ચે થયેલા ઐતિહાસિક ત્રિપક્ષીય કરારની જોગવાઈઓ મુજબ નથી, તેથી તેના પર નવેસરથી રાજકીય સહમતિ સાધવી જરૂરી છે.

ખાડી દેશોમાં મજૂરી કરતાં સેનાની વર્દી બહેતર

વાસ્તવમાં નેપાળમાં રોજગારની તકો ખૂબ ઓછી છે, જેના કારણે હવે યુવાનો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે. વિરોધ કરી રહેલા યુવાનોનું કહેવું છે કે ખાડી(ગલ્ફ) દેશોમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં મજૂરી કરવા કરતાં ભારતીય સેનામાં 4 વર્ષનો 'અગ્નિવીર' તરીકેનો કાર્યકાળ પણ ઘણો વધુ સન્માનજનક અને આર્થિક રીતે સારો છે. આ સાથે પ્રદર્શનકારીઓએ એવી પણ માંગ કરી છે કે પૂર્વ સૈનિકોના સંગઠનોના રજિસ્ટ્રેશન પર મૂકાયેલા વહીવટી પ્રતિબંધો તાત્કાલિક હટાવવામાં આવે, જેથી તેઓ પોતાના હકો અને કલ્યાણ માટે યોગ્ય રીતે અવાજ ઉઠાવી શકે.

ગોરખા સૈનિકોની ઓળખ અને પરંપરા પર જોખમ

આ સમગ્ર મામલે ગોરખા બ્રિગેડના પ્રમુખ કર્નલ(નિવૃત્ત) કૃષ્ણ બહાદુર ખત્રીએ જણાવ્યું હતું કે, 'સુગૌલી સંધિ બાદ 207 વર્ષથી વધુ સમયથી નેપાળી યુવાનોની ભારતીય સેનામાં ભરતી કોઈપણ અવરોધ વગર ચાલતી હતી, પરંતુ હવે ભરતી બંધ થવાથી માત્ર યુવાનો પાસેથી રોજગારી જ નથી છીનવાઈ રહી, પેઢીઓ જૂની ગોરખા સૈનિકોની ઓળખ અને પરંપરા પણ જોખમમાં મૂકાઈ ગઈ છે.'

આ મામલે ભારતનું વલણ

આ મુદ્દે ભારતે પોતાનું વલણ પહેલેથી જ સ્પષ્ટ રાખ્યું છે. ભારતના પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(CDS) જનરલ અનિલ ચૌહાણે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય સેનામાં હવે તમામ ભરતીઓ માત્ર અગ્નિપથ મોડલ હેઠળ જ થશે. આવી સ્થિતિમાં પોતાના નાગરિકોને આ યોજના હેઠળ ભારતીય સેનામાં મોકલવા કે નહીં, તે નક્કી કરવાની સંપૂર્ણ જવાબદારી નેપાળ સરકારની છે.