મોબાઇલના વધુ ઉપયોગથી બાળકોમાં એકાગ્રતા નથી રહેતી
કેટલાક દેશોની સ્કૂલોમાં મોબાઇલનો માત્ર શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાની છૂટ, પ્રતિબંધ મુકનારા દેશોની સંખ્યા વધી રહી છે
યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમ દ્વારા બાળકોમાં મોબાઇલના ઉપયોગની અસરો પર અભ્યાસ કરવામાં આવ્યો જેમાં કેટલાક ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. ટીમને જાણવા મળ્યું કે મોબાઇલના માધ્યમથી સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગને કારણે છોકરાઓ કરતા છોકરીઓમાં ભોજન સાથે સંકળાયેલી તકલીફો વધુ જોવા મળી. ફેસબુકનું પોતાનું સંશોધન કહે છે કે સગીરાઓમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધવાને કારણે પોતાના શારીરિક દેખાવને લઇને ૩૨ ટકા સગીરાઓ ખરાબ અનુભવે છે. યુનેસ્કોની આ મોનિટરિંગ ટીમના એક સભ્યએ પીટીઆઇને જણાવ્યું હતું કે તાજેતરના ગ્લોબલ મોનિટરિંગમાં જાણવા મળ્યું છે કે ૧૧૪ શૈક્ષણિક સંસ્થાનોમાં રાષ્ટ્રીયસ્તરે પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. એટલે કે વિશ્વભરના દેશોમાંથી ૫૮ ટકાએ પોતાની સ્કૂલોમાં રાષ્ટ્રીય સ્તરે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. પ્રતિબંધ મુકવાનું મુખ્ય કારણ મોબાઇલની ટેવને કારણે બાળકોમાં એકાગ્રતા ઘટી રહી હોવાનું સામે આવ્યું છે. એકાગ્રતા વધારવા માટે આ પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. તાજેતરમાં આવા દેશોમાં બોલિવિયા, કોસ્ટા રિકા, ક્રોએશિયા, જ્યોર્જિયા, ભારતના પાડોશી દેશ માલદિવ્સ, માલતા વગેરેનો સમાવેશ થાય છે. કેટલીક શાળાઓમાં પ્રતિબંધો છે પરંતુ મોબાઇલને માત્ર શિક્ષણના કાર્યો માટે જ ઉપયોગ કરવાની છૂટ આપી છે.


