India

વાંધાજનક ટિપ્પણી કરનારા ધારાસભ્યની ધરપકડ, CM વિજય એક્શનમાં, સ્ટાલિન લાલઘૂમ

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
ડીએમકેના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અનિતા આર. રાધાકૃષ્ણનની મુખ્યમંત્રી જોસેફ વિજય વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ તુતીકોરીન નજીકથી ધરપકડ કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ પોલીસે આ કાર્યવાહી કરી. સ્ટાલિને આ ધરપકડની ટીકા કરતા કહ્યું કે, સરકારે વિપક્ષી નેતાઓને બદલે ગુનાઓ રોકવા પર ધ્યાન આપવું જોઈએ. કનિમોઝીએ પણ આ દમનકારી નીતિની નિંદા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંધાજનક ટિપ્પણી કરનારા ધારાસભ્યની ધરપકડ, CM વિજય એક્શનમાં, સ્ટાલિન લાલઘૂમ

DMK MLA Anitha Radhakrishnan Arrested : ડીએમકેના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અનિતા આર. રાધાકૃષ્ણનની શુક્રવારે પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કાર્યવાહી મદ્રાસ હાઈકોર્ટ દ્વારા તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ કરવામાં આવી હતી. તેમના પર મુખ્યમંત્રી જોસેફ વિજય વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાધાકૃષ્ણનની તુતીકોરીનથી આશરે 23 કિલોમીટર દૂર અથૂરના પ્રવાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેમને ઘટનાસ્થળેથી પોતાની ગાડીમાં લઈ ગઈ હતી. તેમની ધરપકડના વિરોધમાં સમર્થકોએ સૂત્રોચ્ચાર કરીને પોલીસ કાર્યવાહીની નિંદા કરી હતી.

પૂર્વ સીએમ સ્ટાલિને TVK ને ઘેરી

એમ. કે. સ્ટાલિને આ ધરપકડની ટીકા કરતા સવાલ કર્યો કે, જ્યારે રાધાકૃષ્ણન પોતાના વિધાનસભા ક્ષેત્રમાં ગયા હતા, ત્યારે તેમની ધરપકડ કરવાની આટલી બધી ઉતાવળ કેમ કરવામાં આવી? તેમણે આરોપ લગાવ્યો કે, સત્તાધારી પક્ષ ટીવીકે (TVK)એ પોતાના એક ધારાસભ્ય પર લાગેલા સામૂહિક દુષ્કર્મના આરોપો પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. સ્ટાલિને એક્સ (X) પર લખ્યું કે, રાજ્ય સરકાર હત્યા, લૂંટ અને મહિલાઓ વિરુદ્ધના ગુના રોકવામાં નિષ્ફળ રહી છે, પરંતુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં ઝડપ બતાવી રહી છે. જો માનહાનિના કેસોમાં ધરપકડો થવા લાગે, તો મંત્રીઓના ભાષણોના આધારે કેટલા લોકોને જેલમાં મોકલવા પડશે?. એમ. કે. સ્ટાલિને આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી જનતા માટે કામ કરવાને બદલે વિપક્ષી નેતાઓની ધરપકડ કરીને સત્તા બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અહંકાર જ વિનાશનું કારણ બને છે. ડીએમકે સાંસદ કનિમોઝી કરુણાનિધિએ પણ આ ધરપકડની નિંદા કરતા કહ્યું કે, તેમની પાર્ટી આવી દમનકારી નીતિઓ સામે ઝૂકવાની નથી.

કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, રાધાકૃષ્ણનને 20 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી, ત્યારબાદ TVK એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન કરવું) અને કલમ 353(2) (જાહેર અશાંતિ ફેલાવનારા નિવેદનો આપવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગોતરા જામીન અરજી ફગાવતી વખતે ન્યાયમૂર્તિ જી. કે. ઇલન્થિરૈયને મૌખિક ટિપ્પણીમાં કહ્યું હતું કે, એક ધારાસભ્ય હોવાના કારણે રાધાકૃષ્ણનને આ પ્રકારના નિવેદનો આપવા જોઈતા નહોતા. બીજી તરફ, એઆઈએડીએમકે (AIADMK)ના નેતાઓ અને પૂર્વ મંત્રીઓ ડો. સી. વિજયભાસ્કર, એમ. આર. વિજયભાસ્કર અને એમ. એસ. એમ. આનંદન પોતાના સમર્થકો સાથે ગુરુવારે TVKમાં સામેલ થઈ ગયા છે. અન્નાદ્રમુકના આ નેતાઓ TVKના મહાસચિવ એન. આનંદની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. DMKએ આ ઘટનાક્રમ પર 'વોશિંગ મશીન' કહીને કટાક્ષ કર્યો હતો. વિરાલીમલાઈથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા સી. વિજયભાસ્કર, અન્નાદ્રમુકની ટિકિટ પર જીત મેળવીને કરૂર બેઠક છોડનારા એમ. આર. વિજયભાસ્કર અને આનંદન સહિતના પૂર્વ ધારાસભ્યો મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના નેતૃત્વમાં શાસનની પ્રશંસા કરતા સત્તાધારી પક્ષમાં જોડાયા છે.