સગીરો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે : કેન્દ્ર નિયમો ઘડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સુપ્રીમની ભલામણો સાથે કેન્દ્ર સહમત
- સગીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે : અરજદાર
- સોશિયલ મીડિયા કંપનીઓ ભારતીય કાયદાઓનું ફરજિયાત પાલન કરે તેવા નિયમો ઘડીશું : સુપ્રીમમાં કેન્દ્ર
નવી દિલ્હી : ૧૮ વર્ષથી ઓછી વયના સગીરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ પ્રતિબંધોની શક્યતાઓ અંગે વિચારણા કરવા કહ્યું છે. સુપ્રીમે કહ્યું છે કે સગીરો સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરી શકે તે માટે કાયદાકીય માળખુ બનાવવામાં આવે. કેન્દ્ર સરકારે પણ સુપ્રીમની આ ભલામણનું સમર્થન કર્યું છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જોયમાલ્યા બાગચી, વી મોહનાની બેંચે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે ૧૮ વર્ષથી ઓછી વયનાના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ અંગે વિચારે, શક્ય હોય તો આ દિશામાં નિયમો પણ ઘડવામાં આવે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમની આ ભલામણ સાથે સહમતિ વ્યક્ત કરી છે. બાળકો પર કામ કરતી એક સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. અરજીમાં માગ કરાઇ હતી કે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે. એકાઉન્ટ બનાવનારાની ઓળખ માટે કેવાઇસી ફરજિયાત કરવામાં આવે. બાદમાં સુપ્રીમની બેંચે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે શું સોશિયલ મીડિયા સોફ્ટવેર ભારતીય કાયદાઓનું પાલન કરે તે નિયમો ઘડી શકાય? જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે આ દિશામાં પગલા ભરી શકાય, સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતીય કાયદાઓનું પાલન કરવું જ પડશે. અરજીમાં દાવો કરાયો છે કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૧૩ વર્ષ કે તેથી વધુ વયનાને એકાઉન્ટ બનાવવાની છૂટ આપે છે. જ્યારે ભારતીય કાયદા મુજબ ૧૮ વર્ષથી ઓછી વયના સગીર માનવામાં આવે છે.




