India

મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, બે બોમ્બ બ્લાસ્ટ, આડેધળ ગોળીબાર, બે જવાનો શહીદ

By GS Team
6 Jul 20262 mins read
TukuTouch Logo
મણિપુરના ઉખરુલ જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઈફલ્સના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં વારન્ટ ઓફિસર બલવંત સિંહ અને રાઈફલમેન સીએમ સિંહ નામના 2 જવાનો શહીદ થયા. કાફલો શાંગશાક પાસે નુંગશાંગ કોંગ ગામ નજીકથી પસાર થતી વખતે 2 બોમ્બ બ્લાસ્ટ થયા અને આડેધડ ગોળીબાર શરૂ થયો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો હુમલો, બે બોમ્બ બ્લાસ્ટ, આડેધળ ગોળીબાર, બે જવાનો શહીદ

Manipur Militant Attack : મણિપુરના ઉખરુલ જિલ્લામાં સોમવારે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. અહીં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ 40 અસમ રાઇફલ્સના કાફલા પર ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં સેનાના 2 જવાનો શહીદ થયા છે. મૃતકોની ઓળખ વારન્ટ ઓફિસર બલવંત સિંહ અને રાઇફલમેન સીએમ સિંહ તરીકે થઈ છે. હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

સેનાનો કાફલો નિકળતા જ 2 બોમ્બ બ્લાસ્ટ, ચારેબાજુથી ફાયરિંગ
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, કાફલો જ્યારે પોતાના કેમ્પથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે શાંગશાક પાસે નુંગશાંગ કોંગ ગામ નજીક આ હુમલો થયો હતો. ઉગ્રવાદીઓએ રસ્તામાં એક પુલની બંને બાજુ 3 IED બોમ્બ લગાવ્યા હતા. કાફલો પસાર થતાં જ 2 બોમ્બ બ્લાસ્ટ થયા અને ચારેય તરફથી આડેધળ ગોળીબાર શરૂ થઈ ગયો. જવાનોએ પણ તુરંત જવાબી ફાયરિંગ કર્યું હતું, જે આશરે 1 કલાક સુધી ચાલ્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 1 જીવતો બોમ્બ પણ મળી આવ્યો છે.

નેતાઓએ હુમલાની નિંદા કરી
આ કાયરતાપૂર્ણ હુમલા પર આક્રોશ વ્યક્ત કરતા મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ જણાવ્યું કે, 'આવા હુમલાઓની સમાજમાં કોઈ જગ્યા નથી. આ કૃત્ય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાના સરકારના સંકલ્પને નબળો પાડી શકે નહીં.' જ્યારે રાજ્યના ગૃહમંત્રી ગોવિંદદાસ કોન્થૌજમે કહ્યું કે, 'આવા હુમલા રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે.' તેમણે ખાતરી આપી હતી કે સુરક્ષા દળો જવાબદારોને કડક સજા અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેશે.

બીજીતરફ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં કાંગચુપ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફાએંગ વિસ્તારના ચિરુ ગામમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પગપાળા પેટ્રોલિંગ કરી રહેલા મણિપુર પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન દરમિયાન એક શંકાસ્પદ IED બોમ્બ અને સ્થાનિક સ્તરે બનેલા 4 મોર્ટાર શેલ જપ્ત કરીને સંભવિત અકસ્માતને નિષ્ફળ બનાવ્યો છે.

મણિપુરમાં તણાવ યથાવત
આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલા જ ઉખરુલ જિલ્લામાં નવી સૈન્ય ચોકી બનાવવાના પ્રસ્તાવ સામે સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી, જેમાં 4 નાગરિકો ઘાયલ થયા હતા. મણિપુરમાં મે 2023 થી શરૂ થયેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર થયા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને ગુનેગારોને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે.