Metaએ 'આપ' ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AAP Gujarat's Facebook & Instagram Accounts Block: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનના આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ની ગુજરાત પાંખને મોટો ડિજિટલ ફટકો પડ્યો છે. સોશિયલ મીડિયા જાયન્ટ 'મેટા'એ કડક કાર્યવાહી કરતા આમ આદમી પાર્ટી ગુજરાતના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે. આ કાર્યવાહી ડિજિટલ પ્લેટફોર્મ પર કોપીરાઈટના નિયમોના વારંવાર ઉલ્લંઘનને કારણે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, આવતીકાલે (26 એપ્રિલ) મતદાન યોજાવાની છે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે.
કલાકારો અને ફિલ્મોના કન્ટેન્ટની ચોરીનો આરોપ
પ્રાપ્ત વિગતો અનુસાર, AAP ગુજરાત દ્વારા પોતાના રાજકીય પ્રચાર માટે લોકપ્રિય ગુજરાતી ફિલ્મો જેવી કે ‘સાહેબ’ અને ‘છેલ્લો દિવસ’ ના દ્રશ્યોનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે મલ્હાર ઠાકર, યશ સોની અને પ્રાપ્તિ અજવાળિયા જેવા જાણીતા કલાકારોના વીડિયોને એડિટ કરીને અથવા તેમાં ડબિંગ કરીને ભ્રામક રીતે પ્રચારમાં વાપરવામાં આવ્યા હતા. આ પ્રકારની પ્રવૃત્તિ મેટાની કોપીરાઈટ પોલિસી વિરુદ્ધ હોવાથી આખરે એકાઉન્ટ્સ બંધ કરી દેવાયા છે.

અભિનેતા હિતેન કુમારે કરી પોલીસ ફરિયાદની માગ
આ મામલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા હિતેન કુમારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "અમે વર્ષોની મહેનતથી ગુજરાતી સિનેમા ઊભું કર્યું છે. કોઈપણ કલાકારના કન્ટેન્ટનો ઉપયોગ તેમની મંજૂરી વિના રાજકીય હેતુ માટે કરવો તે નૈતિક અને કાયદાકીય રીતે ખોટું છે." હિતેન કુમારે ગુજરાત પોલીસના ક્રાઈમ ડિપાર્ટમેન્ટને વિનંતી કરી છે કે આવા લોકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ કલાકારના કામનો દુરુપયોગ ન થાય.
રાજકીય પ્રચારમાં નૈતિકતા પર સવાલ ઉઠ્યા
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે કે રાજકીય પક્ષો પ્રચારમાં કયા સ્તરે જઈ શકે છે. સર્જનાત્મક કન્ટેન્ટની ચોરી અને કલાકારોના નામે ભ્રામક પ્રચાર કરવા બદલ પાર્ટીની ટીકા થઈ રહી છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી માથે હોય ત્યારે જ મુખ્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ બંધ થવાથી આમ આદમી પાર્ટીના ડિજિટલ કેમ્પેઈનને મોટી અસર પહોંચી છે. હાલમાં આ મુદ્દો ગુજરાતના રાજકારણ અને મનોરંજન જગત બંનેમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.









