India

દેશભરના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ભૂસ્ખલન, પૂર, મુશળધાર વરસાદ, ટ્રાફિક જામ, જુઓ VIDEO

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
દેશભરમાં ચોમાસાનો માહોલ જામતા પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરાખંડ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી સહિતના રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો છે. કોલકાતા, હાવડા, દહેરાદૂન, હૈદરાબાદ અને પ્રયાગરાજ જેવા શહેરોમાં પાણી ભરાયા છે, જ્યારે આસામના નાગાંવમાં ભૂસ્ખલનથી NH-37 બ્લોક થયો છે. આનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશભરના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ભૂસ્ખલન, પૂર, મુશળધાર વરસાદ, ટ્રાફિક જામ, જુઓ VIDEO

Monsoon Rainfall India : દેશભરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે ત્યારે વિવિધ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર અને દૈનિક વ્યવહાર ખોરવાયા છે.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદથી જળબંબાકાર

પશ્ચિમ બંગાળના કોલકાતા અને હાવડા શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે કોલકાતાના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અસમના નાગાંવમાં ભૂસ્ખલનથી નેશનલ હાઇવે બ્લોક

અસમના નાગાંવ જિલ્લાના કલિયાબોર સબ-ડિવિઝનમાં બુર્હાપહાડ ખાતે ભારે વરસાદના કારણે મોટું ભૂસ્ખલન થયું છે. રાત્રે લગભગ 2:00 AM વાગ્યાથી નેશનલ હાઇવે 37 પર ખડકો, વૃક્ષો અને માટી ધસી આવતા ઉપલા અને નીચલા અસમ વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો હતો. આ કારણે રસ્તાની બંને બાજુ સેંકડો વાહનો ફસાઈ ગયા હતા. NHAI, SDRF, પોલીસ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસો બાદ આસપાસ રસ્તાની એક બાજુ આંશિક રીતે સાફ કરવામાં આવી હતી, જેથી ટ્રાફિકની ધીમી અવરજવર શરૂ થઈ શકી હતી.

ઉત્તરાખંડના દહેરાદૂનમાં હવામાન બદલાયું

ઉત્તરાખંડના દહેરાદૂનમાં બુધવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે વરસાદ શરૂ થયો હતો. આખી રાત અને સાંજના વરસાદ બાદ આસપાસના પહાડોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગે રાજ્યના 8 થી 10 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપીને તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે.

રાજાસ્થાનના કરૌલી અને ભરતપુરમાં રાહત અને મુશ્કેલી

રાજસ્થાનના કરૌલી અને ભરતપુર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. કરૌલીમાં સોમવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ ચાલુ રહેતા લોકોને બફારાથી મુક્તિ મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જ્યારે ભરતપુરમાં સાંજે પડેલા ભારે વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક સમસ્યા ઉભી થઈ છે. 24 કલાકમાં પડેલો આ વરસાદ પાક માટે ફાયદાકારક સાબિત થશે.

તેલંગાણાના હૈદરાબાદમાં વરસાદી પાણી ભરાયા

તેલંગાણાના મુખ્ય શહેર હૈદરાબાદમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર પર અસર પડી છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે.

જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઝાપટાં

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. સમગ્ર જિલ્લામાં વાતાવરણ આહલાદક બન્યું છે અને નવેસરથી પડેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઘરોમાં ભરાયા પાણી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હળવા થી મધ્યમ વરસાદમાં પણ ભારે હાલાકી સર્જાઈ છે. કરેલી પોલીસ સ્ટેશન હેઠળ આવતા જેકે આશિયાના (ગડ્ડા કોલોની) જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા પાણી ભરાઈ ગયા છે, જે લોકોના ઘરો અને રસોડા સુધી પહોંચી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર ચોમાસે 2 થી 3 ફૂટ પાણી ભરાવાની આ કાયમી સમસ્યા છે, જેના માટે તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે.

દિલ્હીના સંગમ વિહારમાં 3 ફૂટ પાણી ભરાયા

દિલ્હીના દેવલી વિધાનસભા વિસ્તારમાં આવેલા સંગમ વિહારના લીમ ચોક રોડ પર ભારે વરસાદના કારણે ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર લગભગ 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓની અવરજવર સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે.