India

મેઘાલય હનીમૂન મર્ડર કેસ: પતિની હત્યાની આરોપી સોનમ જેલની બહાર જ રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
મેઘાલયના પ્રખ્યાત હનીમૂન મર્ડર કેસમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશી હાલ જેલ બહાર રહેશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સોનમના જામીન રદ કરવાની મેઘાલય પોલીસની અરજી પર સુનાવણી સ્વીકારી નોટિસ પાઠવી છે. ઇન્દોરની સોનમ પર પતિ રાજા રઘુવંશીની હત્યાનો આરોપ છે. ગત વર્ષે મેઘાલયમાં હનીમૂન દરમિયાન રાજા ગુમ થયા હતા અને પછી તેમનો મૃતદેહ ખાઈમાંથી મળ્યો હતો. ગુરુવારે વધુ સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘાલય હનીમૂન મર્ડર કેસ: પતિની હત્યાની આરોપી સોનમ જેલની બહાર જ રહેશે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

Sonam Raghuvanshi Bail 2026: મેઘાલયના પ્રખ્યાત હનીમૂન હત્યા કેસના મુખ્ય આરોપી સોનમ રઘુવંશી હાલમાં જેલની બહાર જ રહેશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે મેઘાલય હાઈકોર્ટ દ્વારા સોનમને આપવામાં આવેલા જામીન ઓર્ડરમાં તાત્કાલિક દખલ કરવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સોનમના જામીન રદ કરવાની માંગ કરતી મેઘાલય પોલીસની અરજી પર સુનાવણી સ્વીકારીને સોનમને નોટિસ પાઠવી છે. અદાલતે આ કેસના આરોપોને "ખૂબ જ ગંભીર" ગણાવ્યા છે અને આગામી ગુરુવારે આ મામલે વિગતવાર સુનાવણી હાથ ધરવા સહમતિ દર્શાવી છે.

હનીમૂનમાં જઈને રચાયું હતું મોતનું કાવતરું


મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી સોનમ રઘુવંશીની ગત વર્ષે જૂન મહિનામાં તેના બિઝનેસમેન પતિ રાજા રઘુવંશીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોનમે આર્થિક લાભ મેળવવા માટે સોપારી આપીને ભાડૂતી હત્યારાઓ દ્વારા પતિની હત્યા કરાવી હતી. આ કપલ ગત વર્ષે 23 મેના રોજ મેઘાલયના સોહરા (ચેરાપુંજી) વિસ્તારમાં હનીમૂન દરમિયાન ગુમ થઈ ગયું હતું. ત્યારબાદ 2 જૂન 2025ના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ એક ઊંડી ખાઈમાંથી મળી આવ્યો હતો.

ભૂલના કારણે મળ્યા જામીન


મેઘાલય હાઈકોર્ટે ગત 29 જૂને ટ્રાયલ કોર્ટના એ આદેશને માન્ય રાખ્યો હતો જેમાં સોનમને જામીન આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું હતું કે ધરપકડના ગ્રાઉન્ડ્સ તૈયાર કરવામાં પોલીસે યોગ્ય ન્યાયિક બુદ્ધિનો ઉપયોગ કર્યો નહોતો અને તેમાં કારકુની (ક્લેરિકલ) ભૂલ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસની બેન્ચે પહેલા જામીન પર સ્ટે આપવાનો ઈશારો કર્યો હતો, પરંતુ જ્યારે તેમને જાણ કરવામાં આવી કે સોનમ ઓલરેડી જેલમાંથી મુક્ત થઈ ચૂકી છે, ત્યારે બેન્ચે કહ્યું, "જો તે મુક્ત થઈ ગઈ હોય, તો અમે આ તબક્કે દખલ કરવા માંગતા નથી." જોકે કોર્ટે સવાલ કર્યો હતો કે જો ટ્રાયલ કોર્ટે માત્ર ટેકનિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યા હોય, તો શું કાયદો પોલીસને તેની ફરીથી ધરપકડ કરતા રોકી શકે?

કોર્ટમાં વકીલો વચ્ચે તીખી દલીલો


મેઘાલય પોલીસ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ કેસમાં ધરપકડના કારણો ન જણાવવાની કોઈ ભૂલ નથી થઈ, માત્ર એક કલમ લખવામાં ક્લેરિકલ ભૂલ થઈ છે, જેના આધારે જામીન ન આપી શકાય. બીજી તરફ, સોનમના વકીલે દલીલ કરી હતી કે તેને ધરપકડ સમયે કાનૂની પ્રતિનિધિત્વ મળ્યું નહોતું અને તે હાલ શિલૉન્ગમાં જ છે અને કડક શરતોના કારણે પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સોનમ લાંબા સમયથી જેલમાં હતી અને જામીન એ નિયમ છે જ્યારે જેલ એ અપવાદ છે, પરંતુ આ ગંભીર મામલાની કાયદાકીય પાસાઓથી તપાસ કરવી જરૂરી છે. હવે આ કેસની આગામી સુનાવણી ગુરુવારે થશે.