India

VIDEO: લખનઉમાં કોચિંગ સેન્ટરમાં આગ, 15 યુવાનોના મોત, PM મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

By GS Team
22 Jun 20263 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલી એક ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગવાની દુઃખદ ઘટના બની છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાં મોટાભાગના 20થી 24 વર્ષની વયના યુવાનો સામેલ છે. આગ લાગતા અનેક લોકોએ ઈમારતમાં ઉપરથી છલાંગ મારી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડની 14 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ઘટનાસ્થળે વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આ ઈમારતમાં મોટા ભાગના કોચિંગ ક્લાસ અને એક ગેમિંગ ઝોન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: લખનઉમાં કોચિંગ સેન્ટરમાં આગ, 15 યુવાનોના મોત, PM મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

Lucknow Coaching Center Fire : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં પુરનિયા ચોરાહા પાસે આવેલી એક ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગવાની દુઃખદ ઘટના બની છે. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જેમાં મોટાભાગના 20થી 24 વર્ષની વયના યુવાનો સામેલ છે. આગ લાગતા અનેક લોકોએ ઈમારતમાં ઉપરથી છલાંગ મારી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડની 14 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ ઘટનાસ્થળે વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આ ઈમારતમાં મોટા ભાગના કોચિંગ ક્લાસ અને એક ગેમિંગ ઝોન છે.  

શરૂઆતની માહિતીમાં આ અકસ્માત કોચિંગ સેન્ટર અથવા લાઈબ્રેરીમાં થયો હોવાનું કહેવાતું હતું, પરંતુ બાદમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, આ ઈમારતમાં ગેમિંગ ઝોન કાર્યરત હતો. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ આવેલી છે, જ્યારે ઉપરના માળે આવેલા ગેમિંગ ઝોનમાં કર્મચારીઓ સોફ્ટવેર પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક આ ભીષણ આગ ફાટી નીકળી હતી.

જીવ બચાવવા લોકોએ છત પરથી છલાંગ લગાવી

આગ લાગતાં જ બિલ્ડિંગમાં ધુમાડાના ગોટેગોટા આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી અને ચીખપુકાર મચી ગઈ હતી. ઈમારતમાંથી બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જતાં લોકો બચવા માટે છજ્જા અને અન્ય હિસ્સાઓનો સહારો લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે ઉપરથી છલાંગ લગાવી દીધી હતી, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આર્થિક સહાયની જાહેરાત

આ ભયાનક અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું કે, ‘લખનઉમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી અત્યંત દુઃખી છું. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના.’ આ સાથે જ વડાપ્રધાને PMNRF તરફથી પ્રત્યેક મૃતકના વારસદારોને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી યોગી એક્શનમાં, હાઈલેવલ તપાસના આદેશ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની કડક નોંધ લેતા દુઃખ વ્યક્ત કર્યું છે અને પોતાના અલીગઢ પ્રવાસ સહિતના તમામ આગામી કાર્યક્રમો રદ કરી દીધા છે. સીએમ યોગી પોતે ઘટનાસ્થળની મુલાકાત લેશે અને હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોને મળવા પણ જશે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું છે કે, આ અગ્નિકાંડની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવાયા છે અને સીએમ યોગીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્થળ પર ડીએમ વિશાખ અને એડીસીપી નોર્થ ટ્વિંકલ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે.

દેશના અનેક નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

આ ભયાનક ઘટના પર રક્ષામંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિતના પ્રમુખ નેતાઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તમામ નેતાઓએ પીડિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પાઠવી છે.