India

ઇડીની તપાસમાં દખલ દઇ મમતાએ લોકશાહી ખતરામાં મુકી : સુપ્રીમ

By GS TEAM
23 Apr 20263 mins read
ઇડીની તપાસમાં દખલ દઇ મમતાએ લોકશાહી ખતરામાં મુકી : સુપ્રીમ

- દરોડા સ્થળે ઘૂસી તપાસ હેઠળની ફાઇલો લઇ લેવી મમતાને ભારે પડયું

- આ કોઇ રાજ્ય-કેન્દ્ર વચ્ચેનો મામલો નથી, જેણે આ કામ કર્યું તે એક રાજ્યના મુખ્યમંત્રી છે : સુપ્રીમની ફટકાર 

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ મુખ્યમંત્રી મમતા બેનરજીના પક્ષનું કામ સંભાળી રહેલી એજન્સીને ત્યાં દરોડા પાડયા હતા, તે સમયે મમદા બેનરજી દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તેની સુપ્રીમ કોર્ટે ભારે ટિકા કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મમતાએ ઇડીની તપાસમાં દખલ દીધી, લોકશાહીને ખતરામાં મુકી. આ કોઇ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ નથી, કોઇ પણ રાજ્યના મુખ્યમંત્રી હોય જો તપાસમાં દખલ દેવાનો પ્રયાસ કરે તો તેનાથી લોકશાહી જોખમમાં મુકાય છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન. વી. અંજારીયા અને પી. કે. મિશ્રાની બેંચે મુખ્યમંત્રી મમતા બેનરજીનો ઉધડો લીધો હતો, ઇડીએ મુખ્યમંત્રી મમતા બેનરજી અને બંગાળના પોલીસ અધિકારીઓ સામે સીબીઆઇ દ્વારા ફરિયાદ દાખલ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મમતા બેનરજીને તપાસમાં દખલ દેવા બદલ ફટકાર લગાવી હતી. ઇડીના અધિકારીઓની સામે બંગાળ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરાઇ છે જેને લઇને પણ ઇડીના આ અધિકારીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. 

બંગાળ તરફથી હાજર વકીલ મેનકા ગુરૂસ્વામીએ એવી દલીલ કરી હતી કે આ સમગ્ર મામલો રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેનો છે, ઇડી દ્વારા કરાયેલી અરજી જ ખોટી છે.  આ દલીલોને ફગાવતા ન્યાયાધીશ પી. કે. મિશ્રાએ કહ્યું હતું કે આ કોઇ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ નથી, કોઇ પણ રાજ્યના મુખ્યમંત્રી તપાસમાં વચ્ચે આવીને દખલ દઇને લોકશાહીને ખતરામાં ના મુકી શકે. આ મામલાને રાજ્ય અને કેન્દ્ર વચ્ચેનો બનાવવાનો પ્રયાસ ના કરો, જેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે એક રાજ્યના મુખ્યમંત્રી છે. આંબેડકર કે સીરવઇએ પણ કલ્પના નહીં કરી હોય કે એક દિવસ કોઇ રાજ્યના મુખ્યમંત્રી આ રીતે ઓફિસમાં પ્રવેશ કરી જશે. રાજ્ય એક સાથે બંધારણીય ગુનેગાર અને પીડિત ના હોઇ શકે.

સુપ્રીમ કોર્ટે બંગાળ પોલીસ દ્વારા ઇડીના અધિકારીઓ સામે જે એફઆઇઆર દાખલ કરી હતી તેના પર હાલ સ્ટે મુકી દીધો હતો. સાથે જ ઇડી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તે સમયના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા પણ આદેશ કર્યો હતો. જ્યારે સીબીઆઇ દ્વારા મમતા બેનરજી, ટોચના પોલીસ અધિકારીઓ સામે તપાસ કરાવવાની માગણી કરતી ઇડીની અરજી પર મમતા, ડીજીપી અને ટોચના અન્ય પોલીસ અધિકારીઓને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી હતી. નોંધનીય છે કે ઇડી દ્વારા જ્યારે મમતાના પક્ષ ટીએમસીનું કામ સંભાળી રહેલી એજન્સી આઇપેકની ઓફિસે અને અન્ય સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે મમતા બેનરજી દરોડા સ્થળે ઘૂસી ગયા હતા અને ફાઇલો લઇને બહાર આવી ગયા હતા. જેથી આ મામલે ભારે વિવાદ થયો હતો. મમતાએ દાવો કર્યો હતો કે દરાડાના બહાને પક્ષની ગુપ્ત માહિતીઓ ચોરી કરવામાં આવી રહી છે. હાલ આ મામલે સુપ્રીમ કોર્ટે ઇડીની અરજી પર મમતા, ડીજીપી પાસેથી જવાબ માગ્યો છે.