Get The App

મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
મલેશિયા-ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, આયુર્વેદ સહિતના ક્ષેત્રે 11 કરારો 1 - image

- મોદીની બે દિવસની મલેશિયાની મુલાકાત ભારતને ફળી

- ના ડબલ સ્ટાન્ડર્ડ ના કોઇ બાંધછોડ, આતંકવાદ મુદ્દે અમારો સંદેશો બહુ જ સ્પષ્ટ છે : મોદી - મલેશિયન પીએમ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

- કરારોમાં જામનગરની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટનો પણ સમાવેશ કરાયો, નવા રિસર્ચ થશે

કુઆલાલંપુર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ વચ્ચે મુલાકાત થઇ હતી, આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૧ મહત્વના કરારો કરવામાં આવ્યા છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આ દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં બન્ને દેશોના સાંસ્કૃતિક, આર્થિક અને રાજનીતિક સહયોગને વધુ મજબૂત બનાવવા આ કરારો કરાયા હતા. આ કરારોમાં જામનગરની ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદનો પણ સમાવેશ કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે મલેશિયાની મુલાકાતે છે, તેમની આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક રણનીતિક ભાગીદારીને આગળ વધારવાની દીશામાં એક મહત્વપૂર્ણ પગલુ માનવામાં આવે છે. વાતચીતમાં વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર, સંરક્ષણ, સુરક્ષા, સમુદ્રી સહયોગ, ઉર્જા, પર્યટન, સાંસ્કૃતિક આદાન પ્રદાન, ડિજિટલ અને નવી ટેક્નોલોજીના ક્ષેત્ર પર ચર્ચા થઇ હતી. મોદીની આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે કેટલાક એમઓયુ થયા છે જેમાં સુરક્ષા સહયોગ, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનોમાં ભાગીદારી, સેમિકન્ડક્ટર વિકાસ, સ્વાસ્થ્ય અને આરોગ્ય, ઇમર્જન્સી સર્વિસ અને ભ્રષ્ટાચાર વિરોધી સહયોગ સામેલ છે. 

મલેશિયામાં થિરુવલ્લુવર કેન્દ્ર સ્થાપિત કરાશે સાથે જ થિરુવલ્લુર શિષ્યવૃતિ આપવાની પણ જાહેરાત કરાઇ છે. જેનો ઉદ્દેશ્ય ભારતના વિખ્યાત કવી અને ફિલોસોફર થિરુવલ્લુવરનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ સાઇબરઝયા અને આઇટીઆરએ જામનગર વચ્ચે સહયોગને ખાસ બનાવવામાં આવશે. આ સમજૂતી જામનગરના આયુર્વેદિક સંસ્થાનમાં પરંપરાગત આયુર્વેદની સારવારને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. 

ડિજિટલ પેમેન્ટમાં એનપીસીઆઇ ઇન્ટરનેશનલ અને મલેશિયાની પેનેટ વચ્ચે દ્વિપક્ષીય પેમેન્ટ વ્યવસ્થા વિકસિત કરવા પર સમજૂતી થઇ છે. જેમાં યુપીઆઇને જોડવાની પણ યોજના છે બન્ને દેશો વચ્ચે આવા ૧૧ કરારો થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયામાં જાણિતા ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી અને ભારતના વિકાસમાં સહયોગ બદલ તેમના વખાણ કર્યા હતા. આ ઉદ્યોગપતિઓમાં તેંગકુ મુહમ્મદ તૌફિક (પેટ્રોનસના સીઇઓ), બેરજાયા કોર્પોરેશનના સ્થાપક વિન્સેન્ટ ટેન, અમીરુલ ઝાહીર (ખઝાનાહ નેશનલ બેરહાદ)નો સમાવેશ થાય છે. મોદીએ કહ્યું હતું કે આતંકવાદ મુદ્દે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આ મુલાકાતથી મલેશિયા અને ભારતના સંબંધ મજબૂત બનશે તેમ પણ વડાપ્રધાને કહ્યું હતું.