'સરકાર પાસે માંગણી કરો': જાહેર સ્થળોએ અશ્લીલ કન્ટેન્ટ જોવા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court On Public Adult Content : જાહેર સ્થળોએ મોબાઈલ પર અશ્લીલ સામગ્રી જોવા પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચે સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દો ચોક્કસપણે પ્રજા માટે મહત્વનો છે, પરંતુ તેમાં ન્યાયાલયના હસ્તક્ષેપ જેવો કાનૂની મુદ્દો નથી. આ નીતિ વિષયક બાબત હોવાથી તેના પર કેન્દ્ર સરકાર અને આઈટી મંત્રાલયે નિર્ણય લેવો જોઈએ.
અરજીમાં શું માંગ કરવામાં આવી?
અરજીમાં માંગ કરવામાં આવી હતી કે જાહેર સ્થળોએ અશ્લીલ કન્ટેન્ટ જોવા પર રોક લગાવવા રાષ્ટ્રીય સ્તરે એક નીતિ બનાવવામાં આવે. આ સિવાય સગીરોને આવી સાઈટોથી દૂર રાખવા માટે ડિજિટલ ચકાસણી અને ટેકનિકલ ફિલ્ટર લાગુ કરવાની માંગ કરાઈ હતી. અરજીકર્તાએ આઈટી એક્ટ 2000ની કલમ 67, 67A અને 67Bનો હવાલો આપીને કહ્યું હતું કે ઈન્ટરનેટ પર સરળતાથી મળતી અશ્લીલ સામગ્રીના કારણે સામાજિક ગુનાઓ વધી શકે છે, તેથી તેના માટે અલગથી કાયદાકીય માળખું ઘડવું જરૂરી છે.
આ ન્યાયપાલિકા નહીં પરંતુ સરકારનો વિષય: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્વીકાર્યું કે, ઈન્ટરનેટના વધતા ઉપયોગ વચ્ચે આ એક ગંભીર સામાજિક ચિંતા છે. આમ છતાં કોર્ટે કહ્યું કે, 'ન્યાયપાલિકાનું કામ નીતિ બનાવવાનું નથી પરંતુ કાયદાની બંધારણીય માન્યતા તપાસવાનું છે.' બેંચે વધુમાં જણાવ્યું કે, 'આ મામલામાં ટેકનિકલ ઉકેલ અને નિષ્ણાતોની સલાહ જરૂરી છે, તેથી આ વિષય પર નિર્ણય લેવાનો અધિકાર કાર્યપાલિકા પાસે છે.' કોર્ટે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)નો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું કે ડિજિટલ નિયંત્રણ માટે એ જ સક્ષમ મંત્રાલય છે.
અશ્લીલ કન્ટેન્ટ રોકવા માટે દેશમાં હાલના કાયદા
ભારતમાં હાલમાં અશ્લીલ સામગ્રીના નિયંત્રણ માટે આઈટી એક્ટ 2000ની કલમ 67, 67A અને 67B લાગુ છે. કલમ 67 ઈલેક્ટ્રોનિક માધ્યમથી અશ્લીલ સામગ્રી બતાવવા પર સજા આપે છે, જ્યારે 67A જાતીય સામગ્રી દર્શાવવા પર કડક સજાની જોગવાઈ કરે છે. બાળકો સંબંધિત શોષણકારી કન્ટેન્ટ ડાઉનલોડ કે શેર કરવા બદલ કલમ 67B હેઠળ ગંભીર ગુનો નોંધાય છે. આ ઉપરાંત POCSO Act 2012 પણ બાળકોને રક્ષણ પૂરું પાડે છે.
સરકાર પોતે જ ડિજિટલ પ્લેટફોર્મ પર અંકુશ લાવવા તૈયાર
સુપ્રીમ કોર્ટનો આ આદેશ સ્પષ્ટ કરે છે કે, દરેક સામાજિક સમસ્યાનો ઉકેલ કોર્ટના આદેશથી શક્ય નથી. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે પણ ડિજિટલ મીડિયા પર અંકુશ લાવવા સરકારી હસ્તક્ષેપની વાત કરી હતી. સરકાર પણ આવા ડિજિટલ પ્લેટફોર્મ પર લગામ કસવાની તૈયારી કરી રહી છે. તેથી જ્યાં ટેકનિકલ અને પ્રશાસનિક નીતિની જરૂર હોય ત્યાં કોર્ટ સીધો હસ્તક્ષેપ કરશે નહીં તેવો સંકેત આ ચુકાદાથી મળે છે.









