FASTag સાથે જોડાયેલો મોટો નિયમ બદલાયો, કરોડો વાહનચાલકોને ફાયદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FASTag OneTag Facility Launched: હવે ફાસ્ટેગ યૂઝર્સ વાહન પર લગાવેલું સ્ટીકર બદલ્યા વિના પોતાની બેંક બદલી શકશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 માં 'વનટેગ' (OneTag) સુવિધા લોન્ચ કરી છે. આ સુવિધા હેઠળ યૂઝર પોતાના વર્તમાન ફાસ્ટેગ બીજી બેંકમાં ટ્રાન્સફર (Port) કરી શકશે. આ પ્રક્રિયામાં ફાસ્ટેગ, ટેગ આઈડી અને વાહન રજીસ્ટ્રેશન નંબર સમાન જ રહેશે. વનટેગ સુવિધાને ઈન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.
રાજમાર્ગ યાત્રા એપ દ્વારા મળશે સુવિધા
અત્યાર સુધી બેંક બદલવા માટે જૂના ફાસ્ટેગ બંધ કરીને નવું ખાતું ખોલાવવું અને નવું સ્ટીકર લેવું પડતું હતું. વનટેગથી આ લાંબી પ્રક્રિયા નાબૂદ થઈ જશે. આ સુવિધા NHAI ની 'રાજમાર્ગયાત્રા' (Rajmargyatra) એપ દ્વારા ઉપલબ્ધ થશે. બેંક બદલતી વખતે યુઝરની પાત્રતા અને ઓળખની ચકાસણી થશે. ત્યારબાદ યૂઝર પોતાની પસંદગીની નવી બેંક પસંદ કરી શકશે. જૂની બેંકની જવાબદારી વોલેટમાં રહેલું બેલેન્સ રિફંડ કરવાની અને બાકી લેવડ-દેવડનો ઉકેલ લાવવાની રહેશે. પોર્ટેબિલિટી પૂર્ણ થયા બાદ નવી બેંક ફાસ્ટેગ સેવાઓ સંભાળશે.
ટોલ પ્લાઝા પર વ્યવસ્થા પહેલા જેવી જ રહેશે
વનટેગથી ટોલ પ્લાઝાની વર્તમાન વ્યવસ્થામાં કોઈ બદલાવ નહીં આવે. ફાસ્ટેગ દ્વારા ટોલ ચૂકવણી પહેલાની જેમ NETC નેટવર્ક દ્વારા જ થશે. વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર કોઈ નવી પ્રક્રિયા અનુસરવાની રહેશે નહીં. આ સુવિધાથી વારંવાર નવા ફિઝિકલ ફાસ્ટેગ બનાવવાની, મોકલવાની અને ફરી ઈશ્યૂ કરવાની જરૂરિયાત ઘટશે, જેનાથી સંસાધનોની બચત થશે.
ભારતમાં ફાસ્ટેગનો ઉપયોગ 98% થી વધુ છે. અત્યાર સુધીમાં આશરે 13 કરોડ NETC ફાસ્ટેગ ઈશ્યૂ કરવામાં આવ્યા છે, જેમાંથી આશરે 6 કરોડ સક્રિય (Active) છે.
ફાસ્ટેગથી ફાયદો અને સમય-બળતણની બચત
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ફાસ્ટેગના ઉપયોગથી ટોલ બૂથની આવકમાં આશરે 10% (₹7,000 કરોડ) નો વધારો થયો છે, જેનાથી ટોલ આવક વધીને ₹82,000 કરોડથી વધુ થઈ ગઈ છે. ટોલ બૂથ ચલાવવાનો ઓપરેશનલ ખર્ચ પણ 12% થી ઘટીને માત્ર 2-3% રહી ગયો છે. આ વર્ષના અંત સુધીમાં 70% થી વધુ ટોલ બૂથ બેરિયર-ફ્રી થઈ જશે. એક અભ્યાસ મુજબ, ફાસ્ટેગના કારણે વાહનોના ઈંધણ ખર્ચમાં દર વર્ષે ₹5,250 કરોડથી વધુની બચત થઈ રહી છે.




