India

J&Kમાં 150 બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી, એરફોર્સના વિમાનથી બાગડોગરા મોકલાયા, 7 ઑક્ટોબરે ફરી એક્શનની શક્યતા

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓ સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે. 5 ઑક્ટોબરે 150 બાંગ્લાદેશી નાગરિકોને શ્રીનગર ઍરપૉર્ટ પરથી ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા પશ્ચિમ બંગાળના બાગડોગરા મોકલી દેવાયા. ત્યાંથી તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કાયદેસર પ્રક્રિયા હાથ ધરાઈ છે. 7 ઑક્ટોબરે વધુ એક જૂથને ડિપોર્ટ કરાશે. કુલ 504 ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઓળખ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

J&Kમાં 150 બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી, એરફોર્સના વિમાનથી બાગડોગરા મોકલાયા, 7 ઑક્ટોબરે ફરી એક્શનની શક્યતા

Jammu Kashmir Illegal Immigrants Deportation : જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. 5 ઑક્ટોબરે અધિકારીઓએ કેન્દ્રશાસિત પ્રદેશમાં કોઈપણ માન્ય દસ્તાવેજો વગર રહેતા 150 બાંગ્લાદેશી નાગરિકોનો દેશનિકાલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા પશ્ચિમ બંગાળ મોકલાયા

શ્રીનગર પોલીસના જણાવ્યા અનુસાર, ઓળખ કરાયેલા આ 150 બાંગ્લાદેશી નાગરિકોને શ્રીનગર આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી ભારતીય વાયુસેનાના વિમાન મારફતે પશ્ચિમ બંગાળના બાગડોગરા મોકલવામાં આવ્યા છે. બાગડોગરા ઍરપૉર્ટ પહોંચ્યા બાદ આ તમામ લોકોને સીમા સુરક્ષા દળના જવાનોને સોંપવામાં આવ્યા છે, જેથી પૂર્વીય સરહદ મારફતે તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

7 ઑક્ટોબરે અન્ય જૂથને ડિપોર્ટ કરાશે

અધિકારીઓએ જણાવ્યું કે, ગેરકાયદે રહેતા વિદેશીઓને ઓળખીને પરત મોકલવાની આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે. આ ઝુંબેશના બીજા તબક્કા હેઠળ આગામી બુધવારે એટલે કે 7 ઑક્ટોબરે બાંગ્લાદેશી નાગરિકોના વધુ એક જૂથને આ જ પ્રકારે ડિપોર્ટ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં ઓળખાયેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ

સત્તાવાર આંકડા મુજબ, જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લાઓમાં કુલ 504 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ઔપચારિક ઓળખ કરવામાં આવી છે. આ પૈકી મોટાભાગના કાશ્મીર વિભાગમાં રહે છે, જ્યાં 10 જિલ્લામાંથી 458 લોકો મળી આવ્યા છે, જ્યારે જમ્મુ વિભાગના 10 જિલ્લામાંથી માત્ર 46 લોકો નોંધાયા છે. જોકે, સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક અહેવાલો મુજબ, ફેરીવાળા કે મજૂરીકામ કરીને તંત્રથી બચી રહેલા બાંગ્લાદેશીઓની વાસ્તવિક સંખ્યા 1,000 કે તેથી વધુ હોવાનો અંદાજ છે.

ગેરકાયદે વિદેશી નાગરિકોનો કુલ આંકડો

સરકારી ડેટા અનુસાર, ઓળખાયેલા 504 બાંગ્લાદેશીઓ ઉપરાંત મ્યાનમારના 7,656 રોહિંગ્યા મુસ્લિમો પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે. આ બંને મળીને જમ્મુ-કાશ્મીરમાં સત્તાવાર રીતે નોંધાયેલા બિનદસ્તાવેજી વિદેશી નાગરિકોની સંખ્યા 8,160 થાય છે, જેમાં જમ્મુ વિભાગમાં નોંધાયેલા 6,737 રોહિંગ્યાનો સમાવેશ થાય છે. સ્થાનિક ગુપ્તચર વિભાગના બિનસત્તાવાર અંદાજ મુજબ સમગ્ર વિસ્તારમાં શરણાર્થીઓ અને ગેરકાયદે પ્રવાસીઓની કુલ સંખ્યા આશરે 13,700 જેટલી હોઈ શકે છે.