મહારાષ્ટ્ર : નાસિક પર મોટું સંકટ, વાદળ ફાટવાની આશંકા વચ્ચે કાલે સ્કૂલ-કોલેજો બંધ, સેના-પોલીસ એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra Heavy Rain Alert : મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે વાદળ ફાટવા જેવો અતિભારે વરસાદ થવાની આશંકા સેવાઈ રહી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા 7 જુલાઈએ ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી અને નાસિકના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આ ગંભીર સ્થિતિને જોતા જિલ્લા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે મંગળવારે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાના આદેશ આપ્યા છે.
મોટા મંદિરો અને સાપ્તાહિક બજારો બંધ
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત ભગવાન ત્ર્યંબકેશ્વર મંદિર અને વણી સ્થિત માતા સપ્તશૃંગી મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી, નાસિક ગ્રામીણ, પેઠ, ડિંડોરી અને સુરગાણા તાલુકાઓમાં ભરાતા સાપ્તાહિક બજારો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ત્ર્યંબકેશ્વરમાં 300 મીમી સુધી વરસાદનું અનુમાન
નાસિકના કલેક્ટર આયુષ પ્રસાદે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 'અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશર એરિયાના કારણે મંગળવારે ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી અને નાસિકના પશ્ચિમ ભાગોમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્ર્યંબકેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે 300 મીમી સુધી વરસાદ પડી શકે છે.' કલેક્ટરે લોકોને બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવા અને ખેડૂતોને ખેતરમાં ન જવા અપીલ કરી છે.
પ્રવાસી સ્થળો પર સખત નજર અને ડૉક્ટરોની રજાઓ રદ
લેન્ડસ્લાઈડના જોખમને પગલે કેટલાક રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે, જ્યારે વોટરફોલ અને કિલ્લાઓ પર પોલીસ તેમજ 'આપદા મિત્રો' તૈનાત રહેશે. મુંબઈ-દિલ્હી રેલ રૂટ ઇગતપુરીથી પસાર થતો હોવાથી રેલવેને પણ હાઈ એલર્ટ પર મુકાઈ છે. કટોકટીનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. વધતા જળસ્તરને કારણે સોમવારે સાંજે 6 વાગ્યે નાંદુર-મધ્યમેશ્વર ડેમમાંથી 1,614 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ખાસ નિર્દેશો
મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, '8 જુલાઈ સુધી હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની જરૂર છે. નાસિકના કેટલાક ભાગોમાં મંગળવારે વાદળ ફાટવા જેવી ઘટનાની આશંકા છે. આપણે સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ અને તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.' પ્રશાસન અને પોલીસ દળ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત છે.









