India

ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બેન થશે? હાઇકોર્ટની કેન્દ્રને સલાહ

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી જગતમાં બાળકોની સુરક્ષાને લઈને મદ્રાસ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની દિશામાં વિચારવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બેન થશે? હાઇકોર્ટની કેન્દ્રને સલાહ

Children Online Safety: ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માયાવી જગતમાં બાળકોની સુરક્ષાને લઈને મદ્રાસ હાઇકોર્ટે એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કાયદો લાવવાની દિશામાં વિચારવું જોઈએ.

શા માટે ઊઠી આ માગ?

જસ્ટિસ કે. કે. રામકૃષ્ણન અને જી. જયચંદ્રનની ડિવિઝન બેન્ચ એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી. અરજદાર એસ. વિજયકુમારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી અને બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી (CSAM) સરળતાથી ઉપલબ્ધ છે. દેશના તમામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISP) માટે "પેરેન્ટલ વિન્ડો" સુવિધા ફરજિયાત બનાવવામાં આવે જેથી બાળકો વાંધાજનક સામગ્રીથી દૂર રહે.

આ પણ વાંચો: ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ

હાઇકોર્ટનું મહત્ત્વનું અવલોકન

હાઇકોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન નોંધ્યું કે માત્ર વેબસાઇટ બ્લોક કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં, કારણ કે આવી URL સતત બદલાતી રહે છે. કોર્ટે જણાવ્યું કે, 'વાંધાજનક સામગ્રી જોવી કે નહીં તે વ્યક્તિગત પસંદગી છે, પરંતુ બાળકોના કિસ્સામાં આ જોખમ અનેકગણું વધી જાય છે. બાળકો શું જોઈ રહ્યા છે તેના પર માતા-પિતાનું નિયંત્રણ અને જાગૃતિ અનિવાર્ય છે. અરજદારની દલીલને સ્વીકારતાં કોર્ટે કેન્દ્રને સલાહ આપી કે ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા માટે વય મર્યાદા નક્કી કરતો કાયદો ઘડવાની શક્યતા તપાસવી જોઈએ.'

વચગાળાના આદેશો અને સૂચનો

જ્યાં સુધી કોઈ નવો કાયદો અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી હાઇકોર્ટે નિર્દેશો આપ્યા છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સોશિયલ મીડિયાના જોખમો વિશે માતા-પિતા અને બાળકોને શિક્ષિત કરવા માટે મોટા પાયે અભિયાનો ચલાવવા. બાળ અધિકાર કમિશને આ બાબતે નક્કર કાર્ય યોજના વિકસાવી તેનો કડક અમલ કરવો.

શું છે ઓસ્ટ્રેલિયાનો કાયદો?

ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં વિશ્વનો સૌથી કડક સોશિયલ મીડિયા કાયદો પસાર કર્યો છે, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ વાપરવા પર પ્રતિબંધ છે. જો કંપનીઓ આ નિયમનું પાલન ન કરે તો તેમને કરોડો ડૉલરનો દંડ ફટકારવાની જોગવાઈ છે.