21 ફોર, 10 સિક્સ... હેરી બ્રૂકે ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, 114 બોલમાં ફટકાર્યા 200 રન, અનેક રેકોર્ડ ધ્વસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Harry Brook Double Century Record : ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે વનડે ક્રિકેટમાં નવો ઈતિહાસ રચી દીધો છે. પાકિસ્તાનમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી વનડે ટ્રાઈ-સિરીઝના મુકાબલામાં તેણે માત્ર 114 બોલમાં બેવડી સદી પૂરી કરી છે. આ સાથે જ તે વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. તેની આ વિસ્ફોટક ઈનિંગના દમ પર ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 4 વિકેટે 429 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. આ અગાઉ વનડે ક્રિકેટમાં બોલના હિસાબે સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ શુભમન ગિલના નામે હતો, જેણે આ જ વર્ષે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 117 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
હેરી બ્રૂકની તોફાની ઈનિંગ
રાવલપિંડીમાં રમાઈ રહેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 85 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી કેપ્ટન હેરી બ્રૂકે મેદાન પર આવીને શ્રીલંકાના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. બ્રૂકે 116 બોલમાં 174.13ના સ્ટ્રાઈક રેટથી 202 રન બનાવ્યા હતા, જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. તે ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો હતો.
જો રૂટ અને વિલ જેક્સનું પણ શાનદાર પ્રદર્શન
હેરી બ્રૂક ઉપરાંત અન્ય બેટ્સમેનોએ પણ ઝડપી રન બનાવ્યા હતા. અનુભવી બેટ્સમેન જો રૂટે 66 બોલમાં 69 રન બનાવીને ઈનિંગને મજબૂતી આપી હતી. ત્યાર બાદ અંતિમ ઓવરોમાં વિલ જેક્સે માત્ર 30 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 66 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડે છેલ્લી 5 ઓવરમાં 78 રન ઝૂડી કાઢીને કુલ સ્કોર 429 સુધી પહોંચાડ્યો હતો.
ODIમાં 400થી વધુ રન બનાવનાર ટીમ રેકોર્ડ
- ભારત - 9 વખત
- ઈંગ્લેન્ડ - 8 વખત
- દક્ષિણ આફ્રિકા - 8 વખત
- ઓસ્ટ્રેલિયા - 3 વખત
- ન્યુઝીલેન્ડ - 2 વખત
- શ્રીલંકા - 2 વખત
- વેસ્ટ ઈન્ડિઝ - 1 વખત
- ઝિમ્બાબ્વે - 1 વખત
આ ઐતિહાસિક ઈનિંગથી બનેલા મુખ્ય રેકોર્ડ્સ
- વનડે ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી (માત્ર 114 બોલમાં).
- ઈંગ્લેન્ડ તરફથી વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન.
- ઈંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર (202 રન).
- ગ્લેન મેક્સવેલ પછી નોન-ઓપનર (મિડલ ઓર્ડર) તરીકે બેવડી સદી ફટકારનારો વિશ્વનો બીજો બેટ્સમેન.
- રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં વનડે ક્રિકેટનો સૌથી મોટો ટીમ સ્કોર (429/4).
સૌથી ઝડપી ODI બેવડી સદી (બોલના હિસાબે)
- હેરી બ્રૂક (ઈંગ્લેન્ડ) - 114 બોલ vs શ્રીલંકા, 2026
- શુભમન ગિલ (ભારત) - 117 બોલ vs વેસ્ટ ઈન્ડિઝ, 2026
- ઈશાન કિશન (ભારત) - 126 બોલ vs બાંગ્લાદેશ, 2022
- ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) - 128 બોલ vs અફઘાનિસ્તાન, 2023
- પથુમ નિસંકા (શ્રીલંકા) - 136 બોલ vs અફઘાનિસ્તાન, 2024
ઈંગ્લેન્ડ માટે ODIમાં સૌથી મોટા વ્યક્તિગત સ્કોર
- હેરી બ્રૂક - 202 રન vs શ્રીલંકા, રાવલપિંડી, 2026
- બેન સ્ટોક્સ - 182 રન vs ન્યુઝીલેન્ડ, ધ ઓવલ, 2023
- જેસન રોય - 180 રન vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 2018
- એલેક્સ હેલ્સ - 171 રન vs પાકિસ્તાન, નોટિંગહામ, 2016
- રોબિન સ્મિથ - 167* રન vs ઓસ્ટ્રેલિયા, એજબેસ્ટન, 1993




