| (IMAGE - ENVATO) |
Online Shopping Scams Warning: છેલ્લા કેટલાક વર્ષોથી ઓનલાઇન ખરીદી કરવાના પ્રમાણમાં વધારો થયો છે. જોકે, સરળતા લાવતી ઓનલાઇન ખરીદીથી ગ્રાહકોએ ચેતવા જેવું પણ છે. છેલ્લા 3 વર્ષમાં ઓનલાઇન ખરીદીમાં ખામીયુક્ત પ્રોડક્ટ, સર્વિસ પ્રોવાઈડર દ્વારા છેતરપિંડી, ડિલિવરીમાં વિલંબ જેવી 1.75 લાખથી વધુ ફરિયાદ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં નોધાઇ ચૂકી છે.
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન: ગ્રાહકોને ઝડપી ન્યાયની ખાતરી
ગ્રાહકોને ઝડપી ન્યાય મળે તેના માટે કેન્દ્રસરકાર દ્વારા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં દર વર્ષે નોંધાતા સરેરાશ કોલ્સ ઑક્ટોબર 2019માં 70159 હતા, તે ઑક્ટોબર 2025માં વધીને 1,42,605 થઈ ગયા છે. ખાસ કરીને વોટ્સએપ થકી ફરિયાદ કરનારાના પ્રમાણમાં વધારો થયો છે. વોટ્સએપથી ફરિયાદ કરનારા ઑક્ટોબર 2023માં 11 ટકા હતા, તે ઑક્ટોબર 2023માં વધીને 30 ટકા થઈ ગયા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં 46915, 2023માં 60,189 અને 2024માં 67,306 જેટલી ફરિયાદ નોંધાઈ છે.
યુપીમાં સૌથી વધુ 1.92 લાખ ફરિયાદો
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં મળેલી આ તમામ ફરિયાદનો નિકાલ પણ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં જે રાજ્યમાંથી સૌથી વધુ ફરિયાદ મળી હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.92 લાખ સાથે મોખરે છે. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના કન્ઝ્યુમર કમિશનમાં મેમ્બર્સની મંજૂર કરાયેલી 8 જગ્યા સામે 3 ખાલી છે. આ જ રીતે ડિસ્ટ્રિક્ટ કમિશનમાં પ્રમુખની 38 જગ્યા સામે 24, મેમ્બર્સની 76 જગ્યા સામે 46 જગ્યા ખાલી છે.


