મધ્યપ્રદેશ : ટ્રેક્ટર-ટ્રોલીમાં રાશન અને ગાદલાં લઈને નિકળ્યા ખેડૂતો, મગની ખરીદી મુદ્દે ભોપાલમાં ભારે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MP Farmers Bhopal March : મધ્ય પ્રદેશમાં મગના પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 100% ખરીદીની માંગને લઈને ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ છે. નર્મદાપુરમથી શરૂ થયેલી ખેડૂતોની ભોપાલ કૂચ હવે રાજધાનીની સરહદો સુધી પહોંચી ગઈ છે. નર્મદાપુરમ, હરદા, સિહોર, રાયસેન, વિદિશા સહિત માળવા અને નર્મદાપુરમના 19 ખેડૂત સંગઠનોના બેનર હેઠળ હજારો ખેડૂતોએ રાજધાની ભોપાલ માટે પગપાળા અને ટ્રેક્ટર માર્ચ શરૂ કરી દીધી છે. ભોપાલ-નાગપુર નેશનલ હાઇવે પર ઉગ્ર થયેલા ખેડૂતોએ પોલીસે મુકેલી પહેલી અને બીજી બેરિકેડિંગ તોડી નાખી છે, અને ભોપાલની સરહદ તરફ સતત આગળ વધી રહ્યા છે. ખેડૂતો મુખ્યમંત્રી મોહન યાદવને મળીને પોતાની સમસ્યાઓ રજૂ કરવા માંગે છે.
ખેડૂત સંગઠનોની શું છે માગણી?
ખેડૂત સંગઠનોના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારની વર્તમાન ખરીદ નીતિના કારણે તેમને પ્રતિ ક્વિન્ટલ ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે પ્રતિ એકર માત્ર 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો મગ ખરીદવાની સીમા નક્કી કરી છે. ખેડૂતોના મતે, 1 એકર ખેતરમાં સરેરાશ 4 થી 5 ક્વિન્ટલ મગનું ઉત્પાદન થાય છે. સરકારે મગની MSP ₹8,668 પ્રતિ ક્વિન્ટલ રાખી છે. ખરીદીની સીમા નક્કી હોવાને કારણે ખેડૂતોને બાકીના 3 થી 4 ક્વિન્ટલ મગ ખુલ્લા બજારમાં મજબૂરીમાં ₹4000 થી ₹5500 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચવા પડી રહ્યા છે. આનાથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ મગ પર ₹3000 થી ₹4000નું સીધું નુકસાન થઈ રહ્યું છે.
હનુમાન ચાલીસાના પાઠથી શરૂઆત
સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ખેડૂતોએ નર્મદાપુરમના પ્રખ્યાત સેઠાણી ઘાટ પર ધરણા આપીને અને હનુમાન ચાલીસાના પાઠ કરીને, આ કૂચની શરૂઆત કરી હતી. હાથમાં ત્રિરંગો લઈને અને 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવતા ખેડૂતો મોડી સાંજે સિહોર જિલ્લાના બુધની પહોંચ્યા હતા.
રસ્તામાં ટ્રોલી બની ઘર
તંત્ર તરફથી DM સોમેશ મિશ્રા અને SP સાઈકૃષ્ણ એસ. થૌટાએ નેશનલ હાઈવે પર ખેડૂતોને સમજાવવાનો અને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાટાઘાટો નિષ્ફળ રહી હતી. ખેડૂતો રસ્તામાં ટ્રેક્ટર-ટ્રોલીઓમાં લાવેલા ખાવાના પેકેટ ખાઈને આગળ વધ્યા હતા. તો કેટલાક ખેડૂતોએ ટ્રોલીઓમાં જ ગાદલાં અને પથારીઓ પાથરી દીધી હતી. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં પોલીસ રોકશે અથવા રાત પડશે, ત્યાં ટ્રોલીમાં જ સૂઈ જઈશું, પરંતુ માંગ પૂરી થયા વગર પાછા નહીં ફરીએ. આ આંદોલન અને રૂટ ડાયવર્ઝનના કારણે ભોપાલ-નાગપુર માર્ગ પર વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે, અને સામાન્ય મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.









