મધ્યપ્રદેશ : દતિયામાં ભાજપનો નવો પ્રયોગ પણ ફ્લોપ... કોંગ્રેસની જીતથી નેતૃત્વ પર ઉઠ્યા સવાલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Datia Bypoll Results: દતિયા પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતે ભાજપની ચૂંટણી વ્યૂહરચના પર સવાલો ઊભા કરી દીધા છે. સતત બીજી પેટાચૂંટણીમાં હાર બાદ હવે પાર્ટીની અંદર ઉમેદવારની પસંદગી અને સ્થાનિક સંગઠનને લઈને ચર્ચા તેજ થઈ ગઈ છે. મધ્ય પ્રદેશની દતિયા વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને મોટો આંચકો આપ્યો છે. 30 જુલાઈએ યોજાયેલા મતદાન બાદ સોમવારે (3 ઓગસ્ટ) આવેલા પરિણામોમાં કોંગ્રેસના ઘનશ્યામ સિંહે ભાજપના આશુતોષ તિવારીને 6,056 મતોથી હરાવી દીધા. આ સીટ રાજેન્દ્ર ભારતીની સભ્યતા રદ થયા બાદ ખાલી પડી હતી. પરિણામો આવ્યા બાદ હવે ભાજપની વ્યૂહરચના, ઉમેદવારની પસંદગી અને સ્થાનિક સંગઠન અંગે સવાલો ઉઠવા લાગ્યા છે. બીજી તરફ, દતિયા પેટાચૂંટણીમાં કોંગ્રેસ સામે મળેલી હાર બાદ મુખ્યમંત્રી મોહન યાદવે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપ જનતાના નિર્ણયનું સન્માન કરે છે, અને આગામી ચૂંટણીઓમાં વધુ મજબૂતી સાથે મેદાનમાં ઉતરશે.
કોંગ્રેસ ઉમેદવારે ભાજપને આપી જોરદાર ટક્કર
દતિયા પેટાચૂંટણીમાં ઘનશ્યામ સિંહે શરૂઆતથી જ સરસાઈ જાળવી રાખી હતી, અને મતગણતરી પૂરી થાય ત્યાં સુધી તે જાળવી રાખી. તેમણે ભાજપના આશુતોષ તિવારીને 6,056 મતોથી હરાવીને જીત નોંધાવી. આ જીત સાથે કોંગ્રેસે એ સીટ પોતાની પાસે જાળવી રાખી છે, જ્યાં અગાઉ પણ તેનો કબજો હતો. દતિયા સીટ પરનો મુકાબલો એટલા માટે પણ ખાસ હતો, કારણ કે, તે લાંબા સમયથી ભાજપના મજબૂત ગઢ તરીકે ગણાતી રહી છે. પરિણામો આવ્યા બાદ ભાજપ માટે આ હાર માત્ર એક સીટનું નુકસાન નથી, પરંતુ પોતાની ચૂંટણી વ્યૂહરચના પર વિચાર કરવાનો મોકો બની ગઈ છે.
શા માટે યોજાઈ હતી પેટાચૂંટણી?
દતિયા સીટ પર પેટાચૂંટણી રાજેન્દ્ર ભારતીની વિધાનસભા સભ્યતા રદ થયા બાદ યોજવામાં આવી હતી. ધાંધલ-ધમાલના એક કેસમાં દિલ્હીની કોર્ટમાંથી સજા મળ્યા બાદ તેમની ધારાસભ્ય તરીકેની સભ્યતા ગઈ હતી. ત્યારબાદ ખાલી પડેલી સીટ પર 30 જુલાઈએ મતદાન થયું હતું. કોંગ્રેસે આ વખતે પણ ઘનશ્યામ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપે નરોત્તમ મિશ્રાની જગ્યાએ આશુતોષ તિવારીને ઉમેદવાર બનાવ્યા હતા.
નરોત્તમ મિશ્રાની ટિકિટ કપાાઈ… BJP હારી ગઈ!
2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ નરોત્તમ મિશ્રાને હરાવ્યા હતા. આ પછી પેટાચૂંટણીમાં ભાજપે પોતાના જૂના ચહેરા પર ભરોસો મૂકવાને બદલે નવો ઉમેદવાર ઉતાર્યો. પાર્ટીને આશા હતી કે, આશુતોષ તિવારી દ્વારા તે સીટ પાછી મેળવી લેશે, પરંતુ પરિણામ તેના પક્ષમાં આવ્યું નહીં. એવામાં હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, શું ઉમેદવાર બદલવાનો નિર્ણય ભાજપ માટે નુકસાનકારક સાબિત થયો. જોકે, નરોત્તમ મિશ્રાએ ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી ઉમેદવારના સમર્થનમાં ભાગ લીધો હતો.
પોતાના મજબૂત બૂથ પર પણ પાછળ રહી BJP
દતિયા પેટાચૂંટણીમાં એક આંકડાની ખૂબ ચર્ચા થઈ રહી છે. નરોત્તમ મિશ્રાના બૂથ નંબર-121 પર પણ ભાજપ પાછળ રહી. અહીં કોંગ્રેસને 291 વોટ મળ્યા, જ્યારે ભાજપને 264 વોટ મળ્યા. આ પરિણામે એ સવાલ ઊભો કર્યો છે કે, શું ભાજપ પોતાના જૂના સમર્થકોને પૂરી રીતે એકજૂટ ન કરી શકી. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આંતરિક નારાજગી અને આંતરિક વિખવાદની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ટિકિટ બદલવી એ હારનું એક મોટું કારણ રહ્યું, સાથે જ ભાજપે પોતાના સૌથી મજબૂત સ્થાનિક નેતૃત્વ પર ભરોસો ન દાખવીને રણનીતિક ભૂલ પણ કરી. જોકે, આ અંગે પાર્ટી તરફથી કોઈ અધિકૃત પ્રતિક્રિયા સામે આવી નથી.
મોહન યાદવની સૌથી મોટી પરીક્ષા
દતિયા પેટાચૂંટણીને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વની મોટી ચૂંટણી પરીક્ષા માનવામાં આવતી હતી. આ પહેલા ભાજપ શ્યોપુર પેટાચૂંટણી પણ હારી ચૂકી છે. એવામાં સતત બીજી પેટાચૂંટણીમાં મળેલી હારે પાર્ટી સમક્ષ નવો પડકાર ઊભો કરી દીધો છે. વિપક્ષ હવે આ પરિણામોને સરકાર વિરોધી માહોલ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ આ જીતને જનતાના વિશ્વાસના સંકેત તરીકે બતાવી રહી છે, જ્યારે ભાજપ સામે હવે હારના કારણોની સમીક્ષા કરવાનો પડકાર છે.
લોકતંત્રમાં જનતાનો નિર્ણય સ્વીકાર્ય: CM મોહન યાદવ
ભોપાલમાં દતિયા પેટાચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા મોહન યાદવે કહ્યું કે, ચૂંટણી લોકશાહીનો મહત્વનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાની વાત જનતા સામે રાખી, હવે જનતાએ જે નિર્ણય આપ્યો છે, તેને પાર્ટી સ્વીકારે છે. તેમણે કહ્યું કે, ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ભાજપને આ વખતે 1,700 વોટ વધુ મળ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, લોકશાહીમાં જનતાનો વિશ્વાસ જ સૌથી મહત્વપૂર્ણ હોય છે.
CM મોહન યાદવે ભાજપના તાજેતરના ચૂંટણી પ્રદર્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણી પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ મધ્ય પ્રદેશની તમામ 29 સીટો પર જીત નોંધાવી હતી. તેમણે ભાજપ માટે આ જીતને મોટી ઉપલબ્ધિ ગણાવી.
2028ની ચૂંટણી પહેલા મોટો સંદેશ
દતિયાનું પરિણામ ભલે વિધાનસભાના સમીકરણો ન બદલે, પરંતુ રાજકીય સંદેશ ચોક્કસ આપશે. આ ચૂંટણી દર્શાવે છે કે, કોઈ પણ સીટ પર માત્ર જૂના રેકોર્ડના ભરોસે જીત નક્કી નથી થતી. ઉમેદવારની પસંદગી, સ્થાનિક સમીકરણો અને કાર્યકરોની સક્રિયતા ચૂંટણી પરિણામોમાં મોટી ભૂમિકા ભજવે છે.
2028ની વિધાનસભા ચૂંટણી પહેલા દતિયાનો નિર્ણય બંને પક્ષો માટે મહત્વનો સંકેત માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ જીતને પોતાના વધતા પ્રભાવ તરીકે રજૂ કરશે, જ્યારે ભાજપે પોતાની વ્યૂહરચના પર નવા અભિગમથી કામ કરવું પડશે.









