Get The App

માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા 1 - image


સિદ્ધિઓ દેખાવ કરતા વધુ મહત્વની

કાન ફેસ્ટીવલમાં ઐશ્વર્યા દેખાવ બાબતે ટ્રોલ થતા માધુરીએ તેના યોગદાનની યાદ અપાવી

નવી દિલ્હી: અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાની દેવદાસની સહ-કલાકાર ઐશ્વર્યા રાય બચ્ચનનું સમર્થન કરતા કહ્યું કે તેને તેના બાહ્ય દેખાવ અથવા વયના આધારે ન આંકવી જોઈએ. કાન ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૨૬માં રેડ કારપેટ પર ઉપસ્થિતિ પછી ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર બોડી-શેમિંગ અને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. માધુરીએ કહ્યું કે ઐશ્વર્યાએ છેલ્લા બે દાયકા દરમ્યાન વૈશ્વિક મંચો પર  સતત ભારતનું ગૌરવ વધાર્યું છે અને તેની ઓળખ માત્ર બાહ્ય દેખાવથી ન કરવી જોઈએ.

માધુરીએ જણાવ્યું કે ઐશ્વર્યા એક વૈશ્વિક સ્ટાર છે જેણે મિસ વર્લ્ડ બનવાથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા સુધી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. માધુરીના મતે કોઈપણ વ્યક્તિનું મૂલ્ય તેના શરીરના આકાર, રંગ અથવા વયના આધારે નહિ પણ તેના યોગદાન અને વ્યક્તિત્વના આધારે થવું જોઈએ. તેણે ચેતવણી આપી કે આવી ટિપ્પણીઓ યુવાઓ વચ્ચે ખોટો સંદેશ પહોંચાડશે અને તેઓ સફળતા કરતા બાહ્ય દેખાવને વધુ મહત્વ આપશે.

તાજેતરમાં જ અનન્યા પાંડે પણ પોતાની ફિલ્મ ચાંદ મેરા દિલના એક નૃત્યના દ્રશ્ય બાબતે મીડિયા આલોચનાનો શિકાર બની હતી. અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ પણ માધુરીના મંતવ્યોનું સમર્થન કરતા કહ્યું કે ઘેર બેસી ટિપ્પણી કરવી આસાન છે, પણ કલાકારોની મહેનત અને સંઘર્ષ સમજવા જરૂરી છે. 

તેણે કબૂલ કર્યું કે કામ સંબંધિત આલોચના સ્વીકાર્ય છે, પણ વ્યક્તિગત ટિપ્પણી પરેશાન કરે છે.

માધુરીના મતે ઉદ્યોગમાં ફિલ્મની સમીક્ષા અને આલોચના કાયમ થતા રહ્યા છે, પણ ડિજિટલ યુગમાં પ્રત્યેક નાની બાબત તુરંત ચર્ચાનો વિષય બની જાય છે. તેણે કહ્યું કે આજના ઝડપી ગતિના વિશ્વમાં કલાકારોએ આ વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધવુ પડે છે. બંને અભિનેત્રીઓએ સન્માનજનક સંવાદ અને સિદ્ધિઓને મહત્વ આપવાની જરૂર પર ભાર આપ્યો.