India

લખનઉના યુવકનું કારસ્તાનઃ નકલી CIA એજન્ટ બનીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને સાથે કરી અબજોની ડિફેન્સ ડીલ!

By GS Team
7 Jul 20264 mins read
TukuTouch Logo
ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગૌરવ શ્રીવાસ્તવે અમેરિકાની CIA ના એજન્ટ બની ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોને છેતર્યા. લખનૌના ગૌરવે અબજો ડોલરના હથિયારોના સોદા મેળવવા માટે આ નાટક કર્યું હતું. 2022માં પ્રબોવો સંરક્ષણ મંત્રી હતા ત્યારે ગૌરવે 5 પ્રારંભિક કરારો કર્યા. આ પૈસાથી ગૌરવે લોસ એન્જલસમાં 25 મિલિયન ડોલરની હવેલી ખરીદી.

Summarized by AI; it may make mistakes. Check important info

લખનઉના યુવકનું કારસ્તાનઃ નકલી CIA એજન્ટ બનીને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને સાથે કરી અબજોની ડિફેન્સ ડીલ!

The Fake Spy Who Fooled a President of Indonesia: એક આંતરરાષ્ટ્રીય જાસૂસ દ્વારા અબજો ડોલરના સંરક્ષણ સોદા (Defense Deals) પાર પાડવાની વાત કોઈ હોલીવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે. જોકે, એવું પણ નથી કે આવું હકીકતમાં કદી બનતું નથી. વાસ્તવિક જીવનમાં પણ આવી સનસનાટીભરી ઘટનાઓ બનતી હોય છે. તાજેતરમાં બનેલી એક ઘટના આનું ઉદાહરણ છે. ભારતીય મૂળના એક ઉદ્યોગપતિએ અમેરિકાની ગુપ્તચર સંસ્થા ‘CIA’ ના એજન્ટ હોવાનું એવું આબાદ નાટક કર્યું કે, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પણ તેની જાળમાં ફસાઈ ગયા. અબજો ડોલરના હથિયારોના સોદા મેળવવા માટે રચાયેલા આ આખા માયાવી નેટવર્કનો હવે પર્દાફાશ થયો છે.

કોણ છે ગૌરવ શ્રીવાસ્તવ?
મૂળ ઉત્તર પ્રદેશના લખનૌનો રહેવાસી એવો ગૌરવ શ્રીવાસ્તવ લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલો છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા ‘ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ’ (OCCRP) અને ઇન્ડોનેશિયન મીડિયાના અહેવાલો મુજબ, ગૌરવ શ્રીવાસ્તવે CIA ના એજન્ટ હોવાનો ઢોંગ કરીને બહુ મોટી છેતરપિંડી કરી છે.

રાષ્ટ્રપતિ પ્રબોવોનો કેવી રીતે સંપર્ક કર્યો?
ઇન્ડોનેશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો વર્ષ 2022 માં દેશના સંરક્ષણ પ્રધાન હતા. તે સમયે ગૌરવે પોતાનો પરિચય CIA એજન્ટ તરીકે આપીને તેમની સાથે નજીકના સંબંધો કેળવ્યા હતા. વોશિંગ્ટનની હાઈ-પ્રોફાઈલ થિંક ટેન્ક 'Atlantic Council'માં ગૌરવે પ્રબોવોને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કર્યા હતા. આનાથી જ પ્રબોવોને વિશ્વાસ બેઠો હતો કે ગૌરવ ખરેખર યુએસ સરકારમાં મોટી વગ ધરાવે છે. પ્રબોવો તેને પ્રેમથી Mr. G (મિસ્ટર જી) તરીકે બોલાવતા હતા.

પ્રબોવોને મદદ કરી હોવાના ગૌરવના દાવા
ગૌરવના બિઝનેસ પાર્ટનર અને ડચ તેલ વેપારી નીલ્સ ટ્રુસ્ટે ગૌરવ પર અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો છે. નીલ્સના જણાવ્યા મુજબ, 2022 માં તેઓ ગૌરવ સાથે પ્રબોવોના ઘરે ગયા હતા, ત્યારે ગૌરવે રસ્તામાં એવો દાવો કર્યો હતો કે તેણે 2002 ના બાલી બોમ્બ બ્લાસ્ટના ગુનેગારોને પકડવામાં મદદ કરી હતી અને પ્રબોવોનું નામ યુએસ ઇમિગ્રેશન બ્લેકલિસ્ટમાંથી હટાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. (લશ્કરી કારકિર્દી દરમિયાન માનવાધિકાર ઉલ્લંઘન સાથે જોડાયેલા આરોપો માટે પ્રબોવો લગભગ બે દાયકા સુધી આ યાદીમાં હતા.) નીલ્સના જણાવ્યા મુજબ ગૌરવ પ્રબોવોની ઘરગથ્થુ આદતોથી પણ વાકેફ હતો, જેના કારણે લોકો તેના પર સરળતાથી વિશ્વાસ કરી લેતા હતા.

અબજો ડોલરના સંરક્ષણ કરારો

ગૌરવ શ્રીવાસ્તવે આવા નકલી પાવરના 2020 થી 2022 વચ્ચે ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલય પાસેથી 5 પ્રારંભિક કરારો મેળવી લીધા હતા. આ સોદાઓમાં નીચેની લશ્કરી ખરીદીઓ સામેલ હતી.

  • 36 F-15 ફાઇટર જેટ
  • UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર
  • C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ
  • મિલિટરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ
    જો કે, ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ કરારો માત્ર પ્રારંભિક હતા અને કાયદેસર રીતે બંધનકર્તા નહોતા, જેથી ઇન્ડોનેશિયાએ આ ખરીદી પ્રક્રિયા આગળ વધારી નહોતી.

કંપનીઓ નકલી નીકળી
અહેવાલો અનુસાર, ગૌરવ શ્રીવાસ્તવની જે 4 કંપનીઓને આ કરારો મળ્યા હતા, તે વાસ્તવમાં માત્ર કાગળ પર ચાલતી 'શેલ કંપનીઓ' હતી, જેમની પાસે સંરક્ષણ ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો. ટેક્સ ન ભરવાને કારણે પાછળથી આ કંપનીઓની નોંધણી પણ રદ થઈ ગઈ હતી. જ્યારે યુએસ સરકારે ઇન્ડોનેશિયાને 13.9 બિલિયન ડોલરના ફાઇટર જેટ વેચવાની મંજૂરી આપી, ત્યારે તેમાં ગૌરવની કંપનીઓનું ક્યાંય નામ જ નહોતું.

નીલ્સ ટ્રુસ્ટે શા માટે ગૌરવ સાથે પાર્ટનરશિપ કરી?
નીલ્સ ટ્રુસ્ટની ઓઇલ કંપની (Paramount Energy) રશિયા-યુક્રેન યુદ્ધના કારણે યુએસ સેન્ક્શન (પ્રતિબંધો) માં ફસાવાની હતી. તેનાથી બચવા માટે નીલ્સે ગૌરવની મદદ લીધી. ગૌરવે અરસારી ગ્રુપ સાથે ભાગીદારી કરીને એક જોઈન્ટ વેન્ચર બનાવ્યું, જેમાં નીલ્સે પોતાના વેપારને બચાવવા ફંડિંગ કર્યું હતું.

લોનના પૈસે આલીશાન હવેલી ખરીદી
ગૌરવના પાર્ટનર નીલ્સ ટ્રુસ્ટે લોનના પૈસા ગપચાવી જવા બદલ અમેરિકાની કોર્ટમાં ગૌરવ સામે કેસ દાખલ કર્યો છે અને તેને ‘બેશરમ છેતરપિંડી કરનાર માણસ’ ગણાવ્યો છે. નીલ્સના આરોપ મુજબ, ગૌરવ શ્રીવાસ્તવે યુએસ સરકારના એક ગુપ્ત કાર્યક્રમને ભંડોળ પૂરું પાડવાના બહાને ઇન્ડોનેશિયાના અરસારી ગ્રુપ (પ્રબોવોના ભાઈની કંપની) પાસેથી પોતાની અને નીલ્સની ભાગીદારીવાળી કંપની માટે 51 મિલિયન ડોલરની લોન મંજૂર કરાવી હતી, અને પછી ગૌરવે ચાલાકીથી તેમાંથી અડધી રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી અને તે પૈસાથી લોસ એન્જલસમાં 25 મિલિયન ડોલરની આલીશાન હવેલી ખરીદી લીધી હતી.

ગૌરવ શ્રીવાસ્તવનો બચાવ
ગૌરવ પર અમેરિકાની કોર્ટમાં છેતરપિંડી અને કથિત નાણાકીય ગેરરીતિઓના સિવિલ કેસ ચાલી રહ્યા છે, પરંતુ કોઈ ગુનાહિત કેસ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી નથી. ગૌરવે પોતાની વેબસાઈટ અને નિવેદનો દ્વારા પોતાની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને માત્ર તેના ભૂતપૂર્વ પાર્ટનર નીલ્સ દ્વારા ઊભી કરાયેલી મનઘડંત વાર્તાઓ ગણાવી છે.