Get The App

લખનઉમાં 100થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 1000થી વધુ ઝૂંપડા રાખ, 10 કિ.મી. દૂરથી ધૂમાડો દેખાયો

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
લખનઉમાં 100થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 1000થી વધુ ઝૂંપડા રાખ, 10 કિ.મી. દૂરથી ધૂમાડો દેખાયો 1 - image


Lucknow Slum Fire: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગ્યા બાદ એક પછી એક 100થી વધુ રાંધણ ગેસના સિલિન્ડર ફાટતા આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેનું ધુમાડાનું વાદળ 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતું હતું.



સાંજના સમયે ફાટી નીકળી આગ

સીતાપુર બાયપાસ પાસે આવેલી આ ઝૂંપડપટ્ટીમાં બુધવારે સાંજે આશરે 4 વાગ્યે અચાનક એક ચિંગારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગે આખી વસાહતને લપેટમાં લઈ લીધી હતી. ઝૂંપડાઓમાં રાખેલા સિલિન્ડરોમાં ધડાકા થવાનું શરૂ થતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી. લપેટો 30 ફૂટ ઊંચે સુધી ઉછળતી જોઈ લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા.



8 કલાકની ભારે જહેમત અને બેવડો પડકાર

ફાયર બ્રિગેડની ટીમો માટે આ કામગીરી અત્યંત જોખમી હતી. એકતરફ ભીષણ આગ ઠારવાની હતી અને બીજી તરફ સતત થઈ રહેલા સિલિન્ડર બ્લાસ્ટથી બચવાનું હતું. ફાયરકર્મીઓએ જીવના જોખમે આગને પાકા મકાનો સુધી પહોંચતી અટકાવી હતી. આશરે 8 કલાકની સતત જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

માલ-મિલકત અને પશુઓનું ભારે નુકસાન

રાહતની વાત એ રહી કે કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આશરે 1000થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. સેંકડો પરિવારો રસ્તા પર આવી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગમાં મરઘાં, બકરીઓ અને કૂતરા સહિત આશરે 50 જેટલા અબોલ પશુઓ જીવતા ભુંજાઈ ગયા છે.

લોકોનો આક્રોશ અને પથરાવ

પોતાના સ્વજનો અને બાળકોને શોધવા માટે વ્યાકુળ થયેલા લોકો જ્યારે આગની અંદર જવાની જીદ કરવા લાગ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન ભીડ ઉશ્કેરાઈ હતી અને પોલીસ તેમજ સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પર પથરાવ કર્યો હતો. આ અથડામણમાં 8થી 10 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને તપાસ ચાલી રહી છે.