Get The App

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
LPG Gas Booking Update

LPG Gas Booking Update: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ(LPG)નો પુરવઠો જાળવી રાખવા માટે પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે. સ્થાનિક અને કોમર્શિયલ ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા માટે હવે ભારત માત્ર પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભર રહેવાને બદલે દુનિયાના વિવિધ દેશો પાસેથી તત્કાલ ખરીદી દ્વારા ગેસ મંગાવી રહ્યું છે. 

ઓઇલ કંપનીઓએ અમેરિકા સહિતના દેશો સાથે કરી ડીલ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારી ઓઇલ કંપનીઓએ(OMCs) તાજેતરના અઠવાડિયામાં અમેરિકા સહિત અનેક દેશો પાસેથી એલપીજીના વધારાના કાર્ગો બુક કર્યા છે, જે જૂન અને જુલાઈ સુધીમાં ભારત પહોંચવાની ધારણા છે. આ આક્રમક વ્યૂહનીતિ પાછળનો મુખ્ય હેતુ બજારમાં ગેસની અછતને અટકાવવાનો અને પુરવઠો સુરક્ષિત કરવાનો છે.

વધતી જરૂરિયાતને પહોંચી વળવા સરકાર સજ્જ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, અગાઉ ભારત પોતાની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરતું હતું, પરંતુ હવે ઘરેલુ ઉત્પાદન વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં હાલમાં દરરોજ અંદાજે 80,000 ટન એલપીજીની જરૂર પડે છે, જેની સામે ઘરેલુ ઉત્પાદન 20 ટકા વધારીને 46,000 ટન પ્રતિ દિવસ સુધી પહોંચાડવામાં આવ્યું છે. છતાં જે ઘટ પડે છે તેને પહોંચી વળવા માટે આયાતના વિકલ્પો વિસ્તૃત કરવામાં આવ્યા છે. સરકારની પ્રાથમિકતા દેશમાં ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાની છે અને તેના માટે જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી ગેસની ખરીદી કરવામાં આવશે.

ખાડી દેશો પરની નિર્ભરતામાં ઘટાડો

અગાઉ ભારતની લગભગ 90 ટકા એલપીજી સપ્લાય યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશોમાંથી આવતી હતી. પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને જોતા ભારતે હવે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જીરિયા અને રશિયા જેવા દેશો પાસેથી મોટા પાયે ખરીદી શરૂ કરી છે. આ ફેરફારને કારણે ભારતની સપ્લાય ચેઈન વધુ સુરક્ષિત અને વિવિધતાસભર બની છે. સરકારે માહિતી આપી છે કે આશરે આઠ લાખ ટન એલપીજીનો જથ્થો પહેલેથી જ બુક કરી દેવાયો છે જે ભારત તરફ આવી રહ્યો છે. યુદ્ધના સમયમાં પણ  હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચેલા 10 જહાજોમાંથી 9માં LPG જ હતો, જે સરકારની સક્રિયતા દર્શાવે છે.

આ પણ વાંચો: રાઘવ ચઢ્ઢા ભાજપમાં તો ગયા પણ 'ટેકનિકલ' અડચણે મુશ્કેલી વધારી, જાણો શું છે મામલો

સ્પોટ બુકિંગથી કિંમતોમાં સ્થિરતા આવશે

નિષ્ણાતો માને છે કે 'સ્પોટ ખરીદી'ની આ નીતિ સંકટના સમયે અત્યંત અસરકારક સાબિત થશે. તેનાથી ભારતને જરૂરિયાત મુજબ તાત્કાલિક ગેસ મળી રહે છે અને કિંમતો પર પણ અંકુશ મેળવી શકાય છે. અલગ-અલગ દેશો પર નિર્ભરતા વધવાથી ભવિષ્યમાં કોઈ એક ભૌગોલિક ક્ષેત્રમાં તણાવ સર્જાય તો પણ ભારતના પુરવઠાને અસર થશે નહીં. ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે આ આયોજનને લીધે આગામી મહિનાઓમાં એલપીજી સિલિન્ડરની અછત સર્જાય તેવી શક્યતા નહિવત છે. સરકારનું સ્પષ્ટ વલણ છે કે ગમે તેવા પડકારજનક સંજોગો હોય, દેશમાં રસોઈ ગેસનો પુરવઠો ખોરવાવા દેવામાં આવશે નહીં.

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે 2 - image