એઆઈથી અબજપતિ બનેલા 31 વર્ષના યુવાને 600 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૉશિંગ્ટન : એક તરફ એઆઈના કારણે કરોડો નોકરીઓ જોખમમાં મૂકાઈ ગઈ છે. સિલિકોન વેલીમાં જ મોટી ટેકનોલોજી કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી છે. આ ટ્રેન્ડ હજુય ચાલી રહ્યો છે. બીજી તરફ એઆઈ કારણે ખૂબ નાની વયે અબજોપતિ બનનારા ઉદ્યોગ સાહસિકોની સંખ્યા પણ અગાઉ ક્યારેય ન હતી એટલી મોટી થતી જાય છે. જેમણે સમયસર એઆઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યા હતા એ આજે ગણતરીના વર્ષોમાં જ અબજોપતિ બની ચૂક્યા છે.
ઈલોન મસ્કે એક્સએઆઈ કંપની સ્થાપી ત્યારે એના ટોની વુ નામનો એક એઆઈ એન્જિનિયર કંપનીનો સહસ્થાપક બન્યો હતો. ઈલોન મસ્કની કંપનીના સહસ્થાપક બનવાનો તેનો એટલો ફાયદો થયો કે તે ગણતરીના વર્ષોમાં અબજોપતિ બની ગયો. તે એટલે સુધી કે તાજેતરમાં કેલિફોર્નિયાના હિલ્સબર્ગમાં સાત કરોડ ડોલરનું એક ઘર વેચાયું એ ઘર ટોની વુએ ખરીદ્યું છે. ૬૦૦ કરોડ રૂપિયાની કિંમતનું આ ઘર ૧૨ એકરમાં ફેલાયેલું છે. સ્કેલ એઆઈના કો-ફાઉન્ડર લુસી ગુઓ ૧.૫ અબજ ડોલરના માલિક છે. આ યુવા ઉદ્યોગ સાહસિકે ત્રણ કરોડ ડોલર એટલે કે અંદાજે ૨૬૦ કરોડ રૂપિયાનું આલિશન ઘર હોલિવૂડ હિલ્સમાં ૧૩,૫૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં બનાવ્યું.
ભારતીય મૂળના સેલ્ફમેડ બિલિયોનેરના નામ પણ આ યાદીમાં સામેલ છે. મેરકોર નામની એઆઈ કંપની ત્રણ યુવાનોએ બનાવી હતી. એમાંથી બે ભારતીય મૂળના યુવાનો આદર્શ અને સૂર્યા દુનિયાના સૌથી યુવા અબજપતિ છે. કંપનીની વેલ્યૂએશન ૧૦ અબજ ડોલરને પાર થઈ ચૂકી છે. તેમની સંપત્તિમાં એકધારો વધારો થઈ રહ્યો છે. પરપ્લેક્સિટીના સીઈઓ અને સહસ્થાપક ભારતીય મૂળના અરવિંદ શ્રીનિવાસની સંપત્તિ ૨.૧ અબજ ડોલરને પાર પહોંચી ગઈ છે. ૨૦૨૨માં એઆઈ કંપની સ્થાપીને અરવિંદે એઆઈના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું.
એઆઈ કંપનીઓની સફળતાને પગલે સિલિકોન વેલીમાં લક્ઝરી પ્રોપર્ટી માર્કેટમાં ભારે ઉછાળો આવ્યો છે. એઆઈથી ધનવાન બનેલા અબજોપતિઓ આ વિસ્તારમાં મોંઘા ભાવે જમીન-મકાન ખરીદી રહ્યા હોવાથી સિલિકોન વેલી અને તેની આસપાસના રીઅલ એસ્ટેટના માર્કેટમાં એકાએક તેજી આવી છે.









