- તમામ નેશનલ પાર્ટી કરતાં 10 ગણું વધારે ફંડ મળ્યું
- કોંગ્રેસે 2500 ડોનેશન્સમાંથી 517 કરોડ મેળવ્યા : રાષ્ટ્રીય પાર્ટીઓને વર્ષ દરમિયાન કુલ 6648 કરોડનું દાન મળ્યું
નવી દિલ્હી : ડેમોક્રેટિક રિફોર્મ્સ એસોસિએશનના અહેવાલ પ્રમાણે દેશની રાષ્ટ્રીય પાર્ટીઓને કુલ ૬૬૪૮ કરોડનું ડોનેશન એક વર્ષમાં મળ્યું હતું. ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં સૌથી વધુ ડોનેશન ભાજપને મળ્યું હતું. બધી જ નેશનલ પાર્ટીઓને મળીને જેટલું દાન મળ્યું એનાથી એક હજાર ગણું દાન એકલા ભાજપને મળ્યું હતું. ભાજપે ૫૫૨૨ દાતાઓ પાસેથી ૬૦૭૪ કરોડનું દાન મેળવ્યું હતું. બીજા નંબરે કોંગ્રેસ હતી, પણ દાનની બાબતમાં ભાજપથી ક્યાંય પાછળ છે.
કોંગ્રેસે ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં ૨૫૦૦ દાતાઓ પાસેથી ૫૧૭ કરોડ રૂપિયાનું દાન મેળવ્યું હતું. આમ આદમી પાર્ટીએ ૨૭ કરોડનું દાન મેળવ્યું હતું. બહુજન સમાજ પાર્ટીએ ૨૦ હજારની ઉપર એક પણ દાન મળ્યું નથી એવું જાહેર કર્યું હતું. નેશનલ પાર્ટીઓને મળેલા દાનમાં ૪૧૦૪ કરોડનો તોતિંગ વધારો થયો હતો. ભાજપના જ પાર્ટી ફંડમાં ૧૭૧ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો. ગત નાણાકીય વર્ષમાં ભાજપે ૨૨૪૩ કરોડ રૂપિયા મેળવ્યા હતા. તેની સરખામણીએ એક જ વર્ષમાં ૧૭૧ ટકાના વધારા સાથે રકમ ૬૦૭૪ કરોડ થઈ હતી.
કોંગ્રેસના પાર્ટી ફંડમાં વાર્ષિક ૮૪ ટકાનો વધારો થયો હતો. ગત નાણાકીય વર્ષમાં કોંગ્રેસે ૨૮૧ કરોડ રૂપિયાનું દાન મેળવ્યું હતું. આમ આદમી પાર્ટીના ફંડમાં પણ ૨૪૪ ટકાનો વધારો નોંધાયો હતો. રસપ્રદ બાબત એ હતી કે કુલ ફંડમાંથી ૯૨ ટકા ફંડ કોર્પોરેટ ફંડિંગનું હતું. ૬૧૨૮ કરોડ રૂપિયા નેશનલ પાર્ટીઓને કોર્પોરેટ ફંડિંગમાંથી મળ્યા હતા. ખાસ તો ભાજપને સૌથી વધુ કોર્પોરેટ ફંડ મળ્યું હતું. ભાજપને ૨૭૯૪ કોર્પોરેટ ડોનેશન્સમાંથી ૫૭૧૭ કરોડ રૂપિયાનું કોર્પોરેટ ફંડ મળ્યું હતું. ભાજપ સિવાયની નેશનલ પાર્ટીઓને કુલ ૪૧૧ કરોડનું કોર્પોરેટ ફંડ મળ્યું હતું.
કોંગ્રેસને ૧૧૨ કોર્પોરેટ ડોનેશન્સમાંથી ૩૮૩ કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને મળેલા ૧૩૨ કરોડ રૂપિયા ૨૩૫૭ના વ્યક્તિગત ડોનેશનના હતા. કુલ ૭૯૦૦ વ્યક્તિગત દાતાઓએ ૫૦૫ કરોડનું ફંડ પાર્ટીઓને આપ્યું હતું. દાતાની વાત કરીએ તો પ્રૂડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે બધી નેશનલ પાર્ટીઓને ૨૪૧૩ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. એમાંથી સૌથી વધુ ૨૧૮૦ કરોડ ભાજપને, ૨૨૬ કરોડ કોંગ્રેસને અને ૧૬ કરોડ આપને આપ્યા હતા.
પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ૮૩૪ કરોડનું દાન આપ્યું હતું. એબી જનરલ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ૬૨૧ કરોડનું દાન આપ્યું હતું. ન્યૂ ડેમોક્રેટિક ઈલેક્ટોરલ ટ્રસ્ટે ૧૫૫ કરોડ પાર્ટી ફંડ આપ્યું હતું. સીરમ ઈન્સ્ટિટયૂટે ત્રણ ડોનેશન્સમાં ૧૦૦ કરોડ આપ્યા હતા.


