India

'ઇમ્યુનિટી'ના નામે લૂંટ ચાલતી રહી ને તંત્ર ઊંઘતું રહ્યું! લોકોમાં રોષ પછી આખરે FSSAI જાગ્યું

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
FSSAIએ સેલેબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને ખાવા-પીવાની ચીજવસ્તુઓ અંગે ખોટા દાવા કરવા સામે કડક ચેતવણી આપી છે. FSSAIએ જણાવ્યું કે, ઉત્પાદનની ગુણવત્તા ચકાસ્યા વિના પ્રચાર કરનારા સામે કાનૂની કાર્યવાહી થશે. રોગપ્રતિકારક શક્તિ વધારવા જેવા અતિશયોક્તિભર્યા દાવા કરનારા સામે Food Safety Act, 2006 હેઠળ પગલાં લેવાશે. ગ્રાહકોના વિશ્વાસ સાથે રમત નહીં ચાલે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઇમ્યુનિટી'ના નામે લૂંટ ચાલતી રહી ને તંત્ર ઊંઘતું રહ્યું! લોકોમાં રોષ પછી આખરે FSSAI જાગ્યું

FSSAI Warning To Influencers : સેલેબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અવારનવાર ખાવા-પીવાની ચીજવસ્તુઓ અંગે મોટા-મોટા દાવા કરતા જોવા મળે છે, જેમાં રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારવાથી લઈને પોષક તત્વોથી ભરપૂર હોવા જેવી બાબતો સામેલ હોય છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા આવા ખોટા પ્રચાર સામે હવે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (FSSAI)એ કડક વલણ અપનાવ્યું છે. FSSAIએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કોઈપણ ઉત્પાદનની ગુણવત્તા ચકાસ્યા વગર તેનો પ્રચાર કરનારા સેલેબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સર્સ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ખોટા દાવા કરશો તો થશે કાનૂની કાર્યવાહી

આજકાલ ફૂડ બ્રાન્ડ્સ હેલ્થ ડ્રિંક્સ, પ્રોટીન સપ્લિમેન્ટ્સ, નાસ્તો અને પેક્ડ ફૂડના વેચાણ માટે ડિજિટલ ક્રિએટર્સ અને જાણીતી હસ્તીઓનો મોટાપાયે સહારો લઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને FSSAIએ જણાવ્યું છે કે, સેલેબ્રિટીઝે કોઈ પણ પ્રોડક્ટ સાથે પોતાનું નામ જોડતાં પહેલાં એ ખાતરી કરી લેવી પડશે કે કંપનીનો દરેક દાવો સાચો, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો અને ફૂડ સેફ્ટીના નિયમો મુજબનો છે. આ ઉપરાંત અસુરક્ષિત ખાદ્યચીજો વેચતા ઉત્પાદકો સામે પણ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

દર્શકોના વિશ્વાસ સાથે રમત નહીં ચાલે

નિયમનકારી સંસ્થાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોઈપણ પ્રોડક્ટનું સમર્થન એ માત્ર એક સામાન્ય જાહેરાત નથી, કારણ કે, સામાન્ય લોકો તેના પ્રચારક પર પૂરો વિશ્વાસ મૂકતા હોય છે. લોકોના આ ભરોસાને કારણે સેલેબ્રિટીઝ અને ઈન્ફ્લુએન્સર્સની એ નૈતિક અને કાનૂની જવાબદારી બને છે કે તેઓ માત્ર સાચી અને ગુણવત્તાયુક્ત વસ્તુઓનો જ પ્રચાર કરે.

અતિશયોક્તિભર્યા દાવાઓથી દૂર રહેવાની સૂચના

FSSAIએ સ્પષ્ટ તાકીદ કરી છે કે, જ્યાં સુધી પાકા વૈજ્ઞાનિક પુરાવા ન હોય અને ખાદ્ય કાયદા હેઠળ તેની મંજૂરી ન મળેલી હોય, ત્યાં સુધી ઈમ્યુનિટી વધારવા કે પોષક તત્વોના અતિશયોક્તિભર્યા દાવા ન કરવા. ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરનારાઓ સામે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' અને 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (એડવર્ટાઈઝિંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ, 2018' હેઠળ પગલાં લેવામાં આવશે. આ સાથે જ FSSAIએ સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે, જો કોઈ આવી ભ્રામક જાહેરાત ધ્યાને આવે, તો તેના 'ફૂડ સેફ્ટી કનેક્ટ' પ્લેટફોર્મ પર તેની તાત્કાલિક ફરિયાદ કરવી.