Get The App

લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
લોકસભાની બેઠકો 850 કરાશે મહિલાઓ માટે 273 અનામત 1 - image

- વિશેષ સત્રમાં સુધારા બિલ રજુ કરવામાં આવશે

- બિલમાં લોકસભાની સીટો વધારવા અને નવ સીમાંકનનો પણ પ્રસ્તાવ, સાંસદોને અભ્યાસ માટે કોપીઓ સોંપાઇ

- વસતી મુજબ લોકસભાની બેઠકો ફાળવાય તો મોટા ફેરફારની શક્યતા, દક્ષિણના રાજ્યોમાં વસતી ઓછી 

નવી દિલ્હી : મહિલા અનામત લાગુ થયા બાદ લોકસભામાં સાંસદોની સંખ્યા પણ વધીને ૮૫૦ થઇ જશે, જેમાંથી મહિલાઓ માટે ૨૭૩ જેટલી બેઠકો અનામત રાખવામાં આવશે. વધારા સાથે જ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધીને ૮૧૫ થઇ જશે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૩૫ બેઠકો રાખવામાં આવશે. મહિલાઓને લોકસભામાં ૩૩ ટકા અનામત આપવામાં આવશે. જેને પગલે લોકસભાની સીટોમાં વધારો કરવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  

મહિલાઓ માટે ૨૭૩ બેઠકો અનામત રખાશે, જ્યારે અનુસુચિત જાતિ માટેની અનામત બેઠકો ૮૪થી વધીને હવે ૧૩૬ થઇ જશે, એસટી બેઠકોની સંખ્યા ૪૭થી વધીને ૭૦ થઇ શકે છે. એક રિપોર્ટ મુજબ મહિલા અનામતના સુધારા બિલના ડ્રાફ્ટમાં લોકસભાની બેઠકો વધારીને ૮૫૦ કરવાનો પ્રસ્તાવ પણ સામેલ કરવામાં આવ્યો છે. આ બિલને રિવ્યૂ કરવા માટે સાંસદોને પણ સોંપવામાં આવી રહ્યું છે. ગુરુવારે જ સંસદનું વિશેષ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, જે ત્રણ દિવસ સુધી ચાલવાનું છે. આ સત્ર દરમિયાન જ આ મહિલા અનામત સુધારા બિલ રજુ કરવામાં આવશે.   વર્ષ ૨૦૨૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જ મહિલા અનામત લાગુ કરવા સરકાર વિચારી રહી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા મુજબ  બેઠકોનું સીમાંકન પણ કરવામાં આવશે. સરકારની એવી દલીલ છે કે લોકશાહીમાં પ્રતિનિધિત્વનો આધાર વસતી અને ક્ષેત્રીય સંતુલન હોવો જોઇએ, એવા અહેવાલો છે કે જે રાજ્યોમાં વસતી વધુ ત્યાં લોકસભાની બેઠકો વધુ મળી શકે છે. જો આ નિયમ મુજબ જ લોકસભાની સીટો વધારવામાં આવશે તો તેની અસર સમગ્ર દેશ પર જોવા મળી શકે છે અને રાજકીય ફેરફાર પણ થઇ શકે છે. નોંધનીય છે કે મહિલા અનામત સુધારા બિલ સાંસદોને સોંપી દેવામાં આવ્યું હોવાથી હવે ટૂંક સમયમાં લોકસભામાં રજુ કરાશે, આ બિલમાં લોકસભાની બેઠકો હાલ ૫૪૩ છે તે વધારીને ૮૫૦ કરવાનો અને નવા સીમાંકનનો પ્રસ્તાવ પણ છે.