ભારતીય બંદરો પર રશિયન જહાજોની લાઇન! જૂનમાં તૂટ્યા તમામ રેકોર્ડ, એક્સપર્ટે કહ્યું ‘આવું પહેલાં ક્યારેય નથી જોયું’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russian crude oil India import: જૂન મહિનામાં રશિયાથી ભારત આવતા ક્રૂડ ઓઇલની આયાત અત્યાર સુધીના રેકોર્ડ હાઈ પર પહોંચી શકે છે. એનર્જી એક્સપર્ટએ આ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ભારતીય બંદરો પર અત્યારે રશિયન ક્રૂડ ઓઇલથી ભરેલા ટેન્કરોની અભૂતપૂર્વ સંખ્યા જોવા મળી રહી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'મેં મારા જીવનમાં ભારતીય બંદરો પર રશિયન ઓઇલના આટલા બધા ટેન્કરો એકસાથે ક્યારેય જોયા નથી.'
'એનજીપી એનર્જી કેપિટલ મેનેજમેન્ટ'ના ચીફ ઇકોનોમિસ્ટ અલહાજીએ સોમવારે સોશિયલ મીડિયા પર કેપ્લર (Kpler)નો એક નકશો પણ શેર કર્યો હતો, જેમાં ઘણા બધા ટેન્કરો રશિયાથી ભારતભરના બંદરો તરફ ક્રૂડ ઓઇલ લઈને આવતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
મે મહિનામાં ભારતે ખરીદ્યું $6.7 અબજનું ઇંધણ: ચીન પછી ભારત બીજા ક્રમે
એક્સપર્ટનો આ દાવો 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' (CREA)ના રિપોર્ટના થોડા અઠવાડિયા બાદ આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, મે મહિનામાં પણ ભારત રશિયન અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel) ખરીદવામાં વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો દેશ રહ્યો હતો. ભારતે મે મહિનામાં આશરે $6.7 અબજ (આશરે 48 અબજ યુરો)ની કિંમતના રશિયન હાઇડ્રોકાર્બનની આયાત કરી હતી.
રિપોર્ટ પ્રમાણે, રશિયાથી ભારતની કુલ આયાતમાં ક્રૂડ ઓઇલનો હિસ્સો આશરે 83% જેટલો મોટો હતો. આ સિવાય અન્ય ઓઇલ પ્રોડક્ટ્સની ખરીદી 550 મિલિયન યુરો અને કોલસાની આયાત 429 મિલિયન યુરો રહી હતી. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં 21%નો મોટો ઉછાળો આવવાને કારણે મે મહિનામાં ભારતની એકંદર તેલ આયાતમાં મહિના દર મહિનાના ધોરણે 8%ની તેજી નોંધાઈ છે.
ગુજરાતના વાડીનાર અને જામનગર રિફાઇનરીમાં રશિયન તેલની ધૂમ આવક
ભારતના સૌથી મોટા ઓઇલ રિફાઇનિંગ સેન્ટર્સે રશિયન ઓઇલની આવકમાં મોટો વધારો નોંધાવ્યો છે:
વાડીનાર રિફાઇનરી (ગુજરાત): અહીં એપ્રિલ મહિનાની સરખામણીએ મે મહિનામાં રશિયન ઓઇલની આવક 36% વધી ગઈ છે.
જામનગર રિફાઇનિંગ કોમ્પ્લેક્સ (ગુજરાત): જામનગરમાં રશિયન ઓઇલની સપ્લાય 14% વધ્યો છે.
સરકારી રિફાઇનરીઓ: સરકારી ઓઇલ કંપનીઓએ પણ આ વર્ષની શરૂઆતમાં આયાત ફરી શરૂ કર્યા પછી ખરીદી ઝડપી બનાવી છે. મે મહિનામાં ન્યૂ મેંગલોર રિફાઇનરીમાં રશિયન ઓઇલનો સપ્લાય 13% અને વિશાખાપટ્ટનમ રિફાઇનરીમાં આયાત 42% વધી છે.
રશિયાના સસ્તા ઓઇલથી ભારતની કંપનીઓને બખ્ખાં
ઓડિશાની પારાદીપ રિફાઇનરીએ છેલ્લા બે વર્ષમાં રશિયન ઓઇલની માત્રામાં બમણો વધારો નોંધાવ્યો છે. વાસ્તવમાં, યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા વેપાર પ્રતિબંધો લગાવ્યા હતા, જેણે વૈશ્વિક ઊર્જા બજારનું ચિત્ર બદલી નાખ્યું છે. આ સ્થિતિ વચ્ચે રશિયા ભારતનો સૌથી મોટો સપ્લાયર દેશ બની રહ્યો છે. ભારતીય રિફાઇનરી કંપનીઓ સતત ડિસ્કાઉન્ટ એટલે કે સસ્તા ભાવે મળતું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે, જેનાથી દેશમાં ઇંધણના ખર્ચને નિયંત્રિત કરવામાં અને કંપનીઓને પોતાનું રિફાઇનિંગ માર્જિન (નફો) વધારવામાં મોટી મદદ મળી છે.
CREAના અહેવાલ મુજબ, મે મહિનામાં રશિયાના કુલ ક્રૂડ ઓઇલ નિકાસમાં ચીનનો હિસ્સો 50% હતો, ત્યારપછી ભારત 36% સાથે બીજા સ્થાને, તૂર્કીયે 6% સાથે ત્રીજા અને યુરોપિયન યુનિયન (EU) 5% હિસ્સા સાથે ચોથા સ્થાને રહ્યું હતું.









