India

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન 'સોના પપ્પુ' જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી

By GS Team
19 May 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળના રાજકારણ અને અંડરવર્લ્ડના સૌથી ખતરનાક ચહેરા ગણાતા 'સોના પપ્પુ' ઉર્ફે બિસ્વજીત પોદ્દાર આખરે કાયદાના સિકંજામાં આવી ગયો છે. સોમવારે સાલ્ટલેક સ્થિત સીજીઓ કોમ્પ્લેક્સમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ તેની સતત 10 કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. યોગ્ય જવાબો ન મળતા અને નાણાકીય ગેરરીતિના ઠોસ પુરાવા મળતા મોડી રાત્રે તેની મની લોન્ડરિંગ અને જબરન વસૂલીના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન 'સોના પપ્પુ' જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી

Don Sona Pappu Arrested By ED: પશ્ચિમ બંગાળના રાજકારણ અને અંડરવર્લ્ડના સૌથી ખતરનાક ચહેરા ગણાતા 'સોના પપ્પુ' ઉર્ફે બિસ્વજીત પોદ્દાર આખરે કાયદાના સિકંજામાં આવી ગયો છે. સોમવારે સાલ્ટલેક સ્થિત સીજીઓ કોમ્પ્લેક્સમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના અધિકારીઓએ તેની સતત 10 કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. યોગ્ય જવાબો ન મળતા અને નાણાકીય ગેરરીતિના ઠોસ પુરાવા મળતા મોડી રાત્રે તેની મની લોન્ડરિંગ અને જબરન વસૂલીના ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. 

સોના પપ્પુ: જેના નામે ધ્રૂજતું હતું દક્ષિણ કોલકાતા

કોલકાતાના કસબા, ગોલપાર્ક અને જાદવપુર જેવા પોશ વિસ્તારોમાં સોના પપ્પુનું નામ જ ખંડણી અને દહેશતનું બીજું નામ હતું. પોતાને એક સામાન્ય નાગરિક તરીકે રજૂ કરતા આ ડૉનનું અસલી સામ્રાજ્ય કિંમતી જમીનો પચાવી પાડવા, ગેરકાયદે વસૂલી અને હથિયારોના જોરે આતંક ફેલાવવા પર ટકેલું હતું. તેનો મુખ્ય ધંધો દક્ષિણ કોલકાતાની વિવાદિત અને મોંઘી મિલકતો પર નજર રાખવાનો હતો. તેના હથિયારધારી ગુંડાઓ મૂળ માલિકો અને બિન-નિવાસી ભારતીયો (NRIs)ને ડરાવી-ધમકાવીને નજીવી કિંમતે જમીનો પોતાના નામે લખાવી લેતા હતા. 

આ ઉપરાંત, કોલકાતાના રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવી ઇમારત બનાવવા માટે બિલ્ડરોએ તેના સિન્ડિકેટને કરોડો રૂપિયાની 'કટ મની' આપવી પડતી હતી. જે બિલ્ડર ના પાડે, તેની સાઇટ પર બોમ્બમારો કરી કામ બંધ કરાવી દેવાતું હતું, જેનું ઉદાહરણ રવીન્દ્ર સરોવર વિસ્તારમાં થયેલો ભીષણ બોમ્બમારો છે.

ખાકી નતમસ્ત અને રાજકીય સંરક્ષણનો ખેલ

સોના પપ્પુની અસલી તાકાત તેની બંદૂકો નહીં, પણ TMCના 15 વર્ષના શાસનમાં મળેલો રાજકીય આશ્રય હતો. EDના ખુલાસા મુજબ, કોલકાતા પોલીસના DC શાંતનુ સિંહા બિસ્વાસ (જે અગાઉ CMના ક્ષેત્ર કાલીઘાટના પ્રભારી અને સત્તાના નજીકના હતા) આ સિન્ડિકેટના સક્રિય ભાગીદાર હતા. ડૉનની કાળી કમાણીનો મોટો હિસ્સો DC શાંતનુ સિંહા અને બિઝનેસમેન જય એસ. કામદાર સુધી પહોંચતો હતો. આ ગઠજોડ એટલું મજબૂત હતું કે ઉચ્ચ સ્તરના દબાણના કારણે પોલીસ પીડિત બિલ્ડરોને ભગાડી દેતી અને સોના પપ્પુ સામે FIR પણ નોંધતી ન હતી.

ફરારી દરમિયાન પણ સોશિયલ મીડિયા પર ટશન

જ્યારે કેન્દ્રીય એજન્સીઓ સોના પપ્પુને શોધવા માટે સતત દરોડા પાડી રહી હતી અને તેને ભગોડો જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેનો અહંકાર ઓછો થયો ન હતો. તે કોલકાતાના જ કોઈ સુરક્ષિત અડ્ડા પર બેસીને ફેસબુક લાઈવ કરતો હતો અને ખુલ્લેઆમ કાયદાને પડકારતો હતો. તેને પૂરો ભરોસો હતો કે રાજ્યની સત્તા અને સ્થાનિક પોલીસના આશીર્વાદ હોવાથી કેન્દ્રીય એજન્સીઓ તેનું કંઈ બગાડી શકશે નહીં.

આ પણ વાંચો: જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો

સત્તાનું સમીકરણ બદલાતા જ પત્તાની જેમ વિખેરાઈ ગયું સામ્રાજ્ય

EDએ મની લોન્ડરિંગ એંગલથી તપાસ કરી રવીન્દ્ર સરોવર બોમ્બ બ્લાસ્ટની નાણાકીય કડીઓ જોડી આખું નેટવર્ક પર્દાફાશ કર્યું હતું. સૌથી પહેલા ફાઇનાન્સર જય કામદારની ધરપકડ કરાઈ અને તેની કબૂલાતના આધારે DC શાંતનુ સિંહાના ઘરે 15 કલાક દરોડા પાડી તેમને જેલભેગા કરાયા હતા. બંગાળમાં સત્તા બદલાતા અને પોલીસ કવચ હટતા જ લુકઆઉટ નોટિસના કારણે સોના પપ્પુ એકલો પડી ગયો હતો. શરૂઆતમાં મીડિયા સામે નિર્દોષ હોવાનો દાવો કરતો ડૉન, ED ઓફિસે બેન્ક ખાતા, બેનામી મિલકતો અને જેલમાં બંધ DCના નિવેદનો સામે આવતા જ નિરુત્તર થઈ ગયો હતો. આ ધરપકડથી અબજોના સિન્ડિકેટ રાજનો અંત આવ્યો છે અને હવે તપાસની આંચ મોટા નેતાઓ સુધી પહોંચી શકે છે.