કેરલમના CM તરીકે કોંગ્રેસ નેતા વી. ડી. સતીશનનું નામ જાહેર, દિગ્ગજ નેતા કે. સી. વેણુગોપાલનું પત્તું કપાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kerala New CM : કેરલમના મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનું અંત આવ્યું છે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી છે કે વી. ડી. સતીશન નવા મુખ્યમંત્રી બનશે. રાહુલ ગાંધીના નજીકના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા મહાસચિવ કે. સી. વેણુગોપાલને કેરલમના સીએમ બનવાનો ચાન્સ નથી મળ્યો. વેણુગોપાલનું પત્તું કપાઈ ગયું છે.
ખડગેએ ટોચના નેતાઓ સાથે કરી હતી ચર્ચા
કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમાપ્ત થયા બાદ આખરે સીએમ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણાં દિવસોથી આ મામલે મડાગાંઠની સ્થિતિ યથાવત્ હતી. ગુરુવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કેરળના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત પહેલા પાર્ટીના ટોચના નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી હતી. ખડગે સાથેની ચર્ચા બાદ એઆઇસીસીના મહાસચિવ ઇન્ચાર્જ દીપા દાસમુંશી અને બે વરિષ્ઠ પર્યવેક્ષક અજય માકન અને મુકુલ વાસનિકે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.
રાહુલ ગાંધીએ પણ કરી હતી બેઠક
કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામ 4 મેના રોજ જાહેર થયા હતા પણ 11 દિવસ બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. રાહુલ ગાંધીએ પણ આ મામલે ગઈકાલે લગભગ અડધો કલાક બેઠક કરી હતી.
વી. ડી. સતીશન કોણ છે?
61 વર્ષીય વી. ડી. સતીશન વર્ષ 2001થી એર્નાકુલમ જિલ્લાની પરવૂર (Paravur) વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ અગાઉ કેરલમ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) તરીકે સેવા આપી ચૂક્યા છે. વ્યવસાયે વકીલ એવા સતીશને તિરુવનંતપુરમની સરકારી લો કૉલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. કેરલમમાં UDFને 140માંથી 102 બેઠકો સાથે બહુમતી મળ્યાના 10 દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પદની રેસમાં કે. સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા, પરંતુ અંતે હાઇકમાન્ડ દ્વારા સતીશન પર પસંદગી ઉતારવામાં આવી છે.
વી. ડી. સતીશનની રાજકીય કારકિર્દી પર એક નજર...
તેમનો જન્મ 31 મે 1964ના રોજ કોચ્ચિના નેટ્ટુરમાં એક નાયર પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ દામોદરા મેનન અને માતાનું નામ વી. વિલાસિની હતું. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન સોશિયલ સાયન્સમાં કર્યું છે. તિરુવનંતપુરમથી તેમણે માસ્ટર ઑફ લૉની ડિગ્રી લીધી હતી. 1986-87માં તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી યુનિયનના અધ્યક્ષ બન્યા હતા. તે રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘના સચિવ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 1996માં તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. પહેલીવાર કેરલમની વિધાનસભા ચૂંટણીમાં તેઓ સીપીઆઇના ઉમેદવાર સામે હારી ગયા હતા. ત્યારબાદ સતીશન પહેલીવાર 2001માં કેરલમ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ તે સમયે હાઇકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. જોકે 2021માં તેઓ પરાવુર વિસ્તારથી સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.









