Get The App

હવે કેરળ રાજ્યને કેરલમ નામ અપાશે મોદીની આગેવાનીમાં કેબિનેટની મહોર

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
હવે કેરળ રાજ્યને કેરલમ નામ અપાશે મોદીની આગેવાનીમાં કેબિનેટની મહોર 1 - image

- ચૂંટણી રાજ્ય કેરળની ડાબેરી સરકારની ભલામણ કેન્દ્રએ સ્વીકારી

- મલયાલમ ભાષામાં નારિયેળીને કેરા જ્યારે ભૂમિને અલમ કહેવાય જેને જોડીને 'કેરલમ' નામ અપાયું છે

નવી દિલ્હી : દક્ષિણના રાજ્ય કેરળને કેરલમ (કેરળમ) નામ આપવાની રાજ્યની ડાબેરી પક્ષની સરકારની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા હવે ઝડપથી તેનો અમલ કરી શકાશે.    

કેરળમાં એપ્રીલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, આવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે નામને લઇને કોઇ વિવાદ ના થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેરળ પોતાની ભાષા મલયાલમ અને સંસ્કૃતિને લઇને બહુ જ સંવેદનશીલ છે. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને ટાળી દેત તો કોંગ્રેસ અને ડાબેરીઓ તેને ચૂંટણી મુદ્દો બનાવી શકે તેમ હતા. 

નોંધનીય છે કે કેરળમાં મલયાલમ ભાષા બોલનારા લોકો હંમેશા પોતાના રાજ્યને કેરલમ જ કહેતા આવ્યા છે. આ કોઇ નવું નામ નથી પરંતુ તે કેરળની ધરતીનું મૂળ નામ છે. મલયાલમ ભાષામાં કેરાનો અર્થ નારિયેળનું વૃક્ષ એવો થાય છે જ્યારે અલમનો મતલબ ભૂમિ સાથે જોડાયેલો છે. કેરળમાં નારિયેળનું ઉત્પાદન બહુ થતું હોય છે, જેને કારણે રાજ્યના આ મહત્વને ધ્યાનમાં રાખીને તેને સ્થાનિક રાજ્ય સરકારે કેરલમ નામ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ભાષાઓના આધાર પર રાજ્યોનું ગઠન થઇ રહ્યું હતું ત્યારે મલયાલમ બોલનારાને માલાબાર, કોચીન અને ત્રાવણકોરને ભેળવીને એક નવુ રાજ્ય બનાવવામાં આવ્યું, તે સમયે જ અંગ્રેજી અનુવાદ કેરલા (કેરળ) કરી દેવાયો હતો. હવે આ કેરળમાંથી કેરલમ થઇ ગયું છે. હાલમાં રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઇ છે હવે કેરળ (નામ સંશોધન) બિલ ૨૦૨૬ને રાષ્ટ્રપતિ દ્વારા કેરળની વિધાનસભામાં રજુ કરવામાં આવશે અને પ્રતિભાવો લેવાશે બાદમાં સંસદમાં રજુ કરાશે. જોકે સંસદમાં રજુ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી ગણાય છે.