Get The App

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, અનેકની હાલત ગંભીર

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, અનેકની હાલત ગંભીર 1 - image

Kerala Blast : કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ભયાનક દુર્ઘટના બની છે. અહીં ત્રિશૂર શહેરમાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં છ લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 8ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે અને હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં 18ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.

ઉત્સવમાં આતશબાજી માટે ફટાકડા લવાયા હતા 

મળતી માહિતી મુજબ ‘ત્રિશૂર પૂરમ’ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ દુર્ઘટના બની છે. ત્રિશૂર પુરમ કેરળનો સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ વાર્ષિક મંદિર ઉત્સવ છે. આ ઉત્સવને ‘પૂરમોંની જનની’ પણ કહેવામાં આવે છે. ત્રિશૂરના વડક્કૂનાથન મંદિરમાં મલયાલમ મહિનામાં (એપ્રિલ-મે)માં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. 18મી સદીથી શરૂ કરાયેલા આ ઉજવણીમાં સજાવાયેલા હાથીઓ, પારંપરિક ચેંડા મેલમ સંગીત, રંગબેરંગી છત્રીઓનું પ્રદર્શન અને શાનદાર આતશબાજી મુખ્ય આકર્ષણ જમાવે છે.

ફટાકડા ભરેલા પાંચ શેડ બળીને ખાખ

રિપોર્ટ મુજબ, ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવમાં આતશબાજી કરવા માટે ફટાકડા લાવવામાં આવ્યા હતા, જેને તિરુવંબડીમાં પાંચ શેડની અંદર રખાયા હતા. ત્યારે મંગળવારે અચાનક આ ફાટકડાઓમાં આગ લાગ્યા બાદ ભાયનક વિસ્ફોટ થયો હતો. જોતજોતામાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા. બીજીતરફ આ ઉત્સવ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 40 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા 'આતંકવાદી', ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

8ની હાલત ગંભીર, 5 શેડમાં ફટાકડા રખાયા હતા

18 ઈજાગ્રસ્તોને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ કરાયા છે, જ્યારે 22 લોકોને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા છે. ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ 18 ઈજાગ્રસ્તોમાંથી 8ની હાલત ગંભીર હોવાની વિગત સામે આવી છે. ત્રિશૂર પૂરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવા માટે પાંચ શેડ બનાવાયા હતા, જેમાં તમામ પાંચેય શેડમાં આગ લાગી ગઈ છે. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત