Get The App

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
Kedarnath temple

Kedarnath Temple Opens Today: Mobile Phones, Reels Banned | હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં વિરાજમાન ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામના કપાટ આજે, 22 એપ્રિલ બુધવારના રોજ સવારે 8 કલાકે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલી દેવામાં આવશે. શિયાળાના છ મહિનાના લાંબા સમય પછી, વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર કેદારપુરી 'જય બાબા કેદાર' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠી છે. 

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો 2 - image

10 દિવસ વહેલા શરૂ થઈ કેદારનાથ યાત્રા 

આ ખાસ અવસર માટે મુખ્ય મંદિરને અંદાજે 51 ક્વિન્ટલ દેશી-વિદેશી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીએ આ વખતે યાત્રા 10 દિવસ વહેલી શરૂ થઈ છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.



સદીઓ જૂની ડોલી પરંપરા... ભોળાનાથ કેદારનાથ પરત આવ્યા 

કપાટ ખુલવાની પ્રક્રિયા પૂર્વે પરંપરાગત રીતે બાબા કેદારની પંચમુખી ડોલી ધામમાં પહોંચી હતી. સોમવારે ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરથી નીકળેલી આ પવિત્ર ડોલી ગુપ્તકાશી, ફાટા અને ગૌરીકુંડમાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ મંગળવારે સાંજે કેદારનાથ પહોંચી હતી. સેનાની 8મી શીખ રેજીમેન્ટના બેન્ડની સુરાવલીઓ અને હજારો ભક્તોની હાજરીમાં ડોલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પવિત્ર ડોલી યાત્રા સદીઓ જૂની હિમાલયી પરંપરાનું પ્રતીક છે, જેમાં ભગવાન શિવ શીતકાળ દરમિયાન ઉખીમઠમાં બિરાજમાન રહે છે અને ઉનાળામાં ફરીથી ધામમાં પરત ફરે છે.

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો 3 - image

મંદિર પરિસરમાં રીલ્સ પર પ્રતિબંધ 

આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા અને મંદિરની મર્યાદા જાળવવા માટે કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કેદારનાથ મંદિર પરિસરમાં હવે મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભક્તો મંદિરની અંદર કે પરિસરમાં ફોટોગ્રાફી, વીડિયો અથવા સોશિયલ મીડિયા રીલ્સ બનાવી શકશે નહીં. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આવતીકાલે એટલે કે 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ પણ ખોલવામાં આવશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 19 એપ્રિલથી જ ખુલી ચૂક્યા છે. આ સાથે જ ઉત્તરાખંડની ચારધામ યાત્રા હવે પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે.